ડમીકાંડમાં નામ જાહેર કરવાની ધમકી આપીને 2 વ્યક્તિઓ પાસેથી 1 કરોડ રૂપિયા પડાવી લેવાના ગુનામાં પકડાયેલા આમ આદમી પાર્ટી નેતા યુવરાજસિંહ જાડેજાની ભાવનગર પોલીસ દ્વારા ધરપકડ બાદ એક પછી એક વિગતો સામે આવી રહી છે. હવે પોલીસે એક પ્રેસ કોન્ફરન્સ કરીને નવી વિગતો સાર્વજનિક કરી છે.
પૂછપરછ માટે ભાવનગર પોલીસ સમક્ષ હાજર થતાં પહેલાં યુવરાજસિંહ જાડેજાએ મીડિયા સમક્ષ પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી અને GSSSBના પૂર્વ અધ્યક્ષ આસિત વોરાનું નામ લીધું હતું અને તેમના સહિત અન્ય લોકો પણ કૌભાંડમાં સામેલ હોઈ તેમને પણ સમન્સ પાઠવવા માટેની માંગ કરી હતી. આ ઉપરાંત, યુવરાજે તેમને ધમકી મળી રહી હોવાનું અને હીટ એન્ડ રનમાં તેમને પતાવી દેવાનું કાવતરું રચવામાં આવી રહ્યું હોવાના પણ દાવા કર્યા હતા.
#Gujarat #Bhavnagar
— Hiren (@hdraval93) April 22, 2023
તોડ કાંડ મુદ્દે પુછપરછ બાદ પોલીસે જાહેર કરેલ પ્રેસ રીલીઝ pic.twitter.com/l0ZuQtWhfy
આ દાવાઓ કર્યા બાદ જ્યારે પોલીસ સમક્ષ હાજર થયા ત્યારે યુવરાજસિંહે અલગ જ વાત કહી હતી અને પોલીસને જણાવ્યું હતું કે તેમની પાસે આ બાબતોના કોઈ પુરાવા નથી અને ધરપકડથી બચવા માટે આ પ્રકારનાં નિવેદનો આપ્યાં હતાં.
ભાવનગર રેન્જ આઇજીએ આજે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, શુક્રવારે (21 એપ્રિલ, 2023) પોલીસની પૂછપરછમાં યુવરાજસિંહે કોઈ પણ રાજકીય વ્યક્તિ વિશે જણાવ્યું ન હતું કે ન તેમની સામે પુરાવા રજૂ કર્યા હતા. ત્યારબાદ આજે ફરીથી રેન્જ આઇજી કક્ષાના અધિકારીએ યુવરાજસિંહની પૂછપરછ કરી હતી અને તેમને પૂછવામાં આવ્યું હતું કે તેમણે જે રાજકીય અને અન્ય વ્યક્તિઓનાં નામો લીધાં હતાં તેમની સંડોવણી સાબિત કરવા માટે તેમની પાસે કોઈ પુરાવા છે કે કેમ?
પોલીસના જણાવ્યા અનુસાર, આ બાબતે યુવરાજસિંહે ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તેમની પાસે આવા કોઈ પુરાવા નથી અને વધુ પૂછપરછમાં જણાવ્યું હતું કે કેટલાક લોકોના કહેવાથી આ નામો આપ્યાં હતાં કારણ કે તેમને ધરપકડની શંકા હતી.
યુવરાજસિંહે કહ્યું- કોઈએ ધમકી આપી નથી, મને આવો વિચાર આવ્યો હતો
યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સમાં પોતાના જીવને જોખમ હોવાનું જણાવ્યું હતું. જેને લઈને પોલીસે પૂછતાં યુવરાજે કહ્યું હતું કે, તેમને કોઈ ધમકી મળી નથી કે તેમણે પોલીસ રક્ષણ પણ માંગ્યું ન હતું પરંતુ તેમના મનમાં આવો વિચાર હતો. અન્ય મટિરિયલ્સ પોલીસને પૂરું પાડવા અંગે પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે સમય આવ્યે તેઓ રજૂ કરશે પરંતુ હજુ સુધી પોલીસને આપવામાં આવ્યું નથી.
યુવરાજસિંહની ધરપકડ બાદ પોલીસે તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા અને 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.