અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર જીતનાર અમર્ત્ય સેન પર વિશ્વ ભારતી યુનિવર્સિટીએ પોતાની જમીન ગેરકાયદે કબજે કરવાનો આરોપ મૂક્યો હતો. વિશ્વ ભારતી એ ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે સ્થાપેલી સંસ્થા છે. યુનિવર્સિટીએ અમર્ત્ય સેનને નોટિસ ફટકારીને પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં આવેલ યુનિવર્સિટી પરિસરમાંથી 0.13 એકર જમીન 6 મે સુધીમાં ખાલી કરવા કહ્યું છે.
ભારત સરકારની એડવાઈઝરી અને CAG રિપોર્ટ્સ બતાવીને યુનિવર્સિટીએ અમર્ત્ય સેનને નોટિસ જારી કરી છે અને તેમના દ્વારા અતિક્રમણ કરાયેલી જમીન પર ખાલી કરવા કહ્યું છે. નોટિસમાં જણાવવામાં આવ્યું હતું કે, “તેઓ અમર્ત્ય કુમાર સેન અને તમામ સંબંધિત વ્યક્તિઓને અતિક્રમણની જમીન પરથી કાઢવા માટે જવાબદાર છે. જો જરૂર પડી તો બળનો પણ ઉપયોગ કરવામાં આવશે. એવું નિર્ધારિત કરવામાં આવ્યું હતું કે પરિસરમાં ઉત્તર-પશ્ચિમ ખૂણામાં 50 ફૂટ x 111 ફૂટના પરિમાણ ધરાવતી 0.13 એકર જમીન સેન પાસેથી મેળવવાની છે.”
નોબેલ વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન હાલ અમેરિકામાં છે. તેમના વકીલ દ્વારા આ જમીન વિવાદને પગલે એક અરજી દાખલ કરવામાં આવી હતી. એ પ્રમાણે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે વિસ્તારમાં શાંતિ જાળવવા માટે પોલીસના હસ્તક્ષેપનો આદેશ આપ્યો હતો. તેમ છતાં યુનિવર્સિટીના અધિકારીઓએ આ નોટિસ જારી કરી છે.
એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના આદેશમાં જમીનના વિવાદાસ્પદ ભાગને લઈને યુનિવર્સિટી દ્વારા સેન વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનને કાયદા અને વ્યવસ્થાનું ઉલ્લંઘન કહેવામાં આવ્યું હતું. આદેશમાં શાંતિનિકેતન પોલીસ સ્ટેશનના ઇન-ચાર્જને આ મામલાને તાત્કાલિક ઉકેલવામાં ન આવે ત્યાં સુધી વિસ્તારમાં શાંતિ જાળવવા નિર્દેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, અમર્ત્ય સેન પર વિશ્વ ભારતીની બીરભૂમ જીલ્લામાં આવેલી બોલપુર-શાંતિનિકેતનની જમીનના 1.25 એકર કરતાં વધુ એટલેકે 1.38 એકર પર ગેરકાયદે કબજો જમાવ્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળ રાજ્યના લેન્ડ અને લેન્ડ રિફોર્મ્સ વિભાગ દ્વારા સેનને 1.25 એકર જમીન જ આપવામાં આવી હતી.
જોકે, નોબેલ પુરસ્કાર વિજેતા એમ કહીને વારંવાર આ આરોપોને નકારતા રહ્યા છે કે વિશ્વભારતી દ્વારા તેમના પિતાને 1.25 એકર જમીન ચોક્કસ સમયગાળા માટે લીઝ પર આપવામાં આવી હતી અને તેમાં વિવાદાસ્પદ 0.13 એકર જમીન પણ તેમના પિતા દ્વારા ખરીદવામાં આવી હતી. તેમજ આ સાબિત કરવા માટે તેમની પાસે તમામ જરૂરી દસ્તાવેજો પણ છે. ઉલ્લેખનીય છે કે, આ મામલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ અમર્ત્ય સેનનો પક્ષ લીધો હતો.