થોડા દિવસો પહેલા સુરતના અમરોલીમાં આવેલા એક પાનના ગલ્લા પર જઈને નકલી નોટ વટાવવાનો પ્રયત્ન કરનાર વ્યક્તિની સુરત પોલીસે ધરપકડ કરી હતી. ત્યારે હવે અમરોલી પોલીસે બેંગલુરુ ખાતેથી વધુ એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસને આ આરોપી પાસેથી 4.89 લાખની બનાવટી ચલણી નોટો મળી આવી છે.
અહેવાલો અનુસાર સુરતના અમરોલીમાં નકલી નોટ વટાવવાનો પ્રયત્ન કરનાર વ્યક્તિનું બેંગલુરુ કનેક્શન સામે આવ્યું છે. 2 દિવસ પહેલા ઝડપાયેલા આ આરોપી પાસેથી પોલીસને 500ના દરની 32 જેટલી બનાવટી ચલણી નોટો મળી આવી હતી. આરોપીનું નામ શાંતિલાલ મેવાડા છે અને તેણે પોતાના કાકાના દીકરા વિષ્ણુ મેવાડા પાસેથી આ નોટો 50 ટકાના ભાવે ખરીદી હોવાનો ખુલાસો થયો હતો. જે બાદ પોલીસે વિષ્ણુને 500ના દરની 149 અને 50ના દરની 32 જેટલી બનાવટી નોટો સાથે ઝડપી પડ્યો હતો.
ગત 14 તારીખે શાંતિલાલ મેવાડા 500ના દરની નકલી નોટ વટાવવા પાનના ગલ્લા પર ગયો હતો. ત્યાં સિગારેટ લઈને નકલી 500ની નોટ આપવાનો પ્રયત્ન કર્યો હતો, જે બાદ દુકાનદારે તેને રંગેહાથ પકડીને પોલીસને સોંપી દીધો હતો.
➡️સુરત પોલીસે બનાવટી ચલણી નોટોનું મોટું કૌભાંડ ઝડપ્યું
— DD News Gujarati (@DDNewsGujarati) April 18, 2023
➡️બેંગાલુરુથી સુરત સહિત ગુજરાતના અન્ય શહેરોમાં મોકલવામાં આવી હતી આ બનાવટી ચલણી નોટો#surat pic.twitter.com/dN2x7xNEvE
અન્ય એક રીપોર્ટ મુજબ આ બંને આરોપીઓની ધરપકડ બાદ પોલીસે કોર્ટમાંથી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં આ બનાવટી ચલણી નોટોના કારોબારનું બેંગલુરુ કનેક્શન સામે આવ્યું હતું. જે બાદ અમરોલી પોલીસની એક ટીમ વધુ તપાસ અર્થે બેંગલુરુ રવાના થઈ હતી. જ્યાં માઈકલ રાઈવન ઉર્ફે રાહુલ પાસ્કલ ફર્નાન્ડીઝ નામનો ડીલર પોલીસના હાથે ઝડપાયો હતો. અમરોલી પોલીસે માઈકલના ઘરમાં તપાસ કરતા 500ના દરની 978 જેટલી 4.89 લાખની મતની બનાવટી ચલણી નોટો મળી આવી હતી.
દિવ્ય ભાસ્કરે આપેલા એક અહેવાલ મુજબ મૂળ કરીયાણાનો ધંધો કરતા શાંતિલાલ મેવાડાએ સુરત શહેરમાં 500 રૂપિયાની 35 હજારની કિમતની નકલી નોટો શહેરમાં સર્ક્યુલેટ કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ઝડપાયેલા આરોપીઓ શાકભાજી, ફ્રુટ અને અન્ય વેપારના સ્થાનો પર વૃધ્ધોને ટાર્ગેટ કરીને નકલી નોટો પકડાવી દેતા હતા. તો બીજી તરફ મામલાની ગંભીરતા જોઈને સમગ્ર તપાસ હાલ SOGને સોંપવામાં આવી છે. આ સાથે જ આ મામલે કેટલાક મોટા માથાઓના નામ સામે આવે તેવી આશંકાઓ સેવાઈ રહી છે.