કચ્છના ભુજમાં એક મુસ્લિમ યુવક સામે 15 વર્ષીય સગીરાનું અપહરણ કરીને, લલચાવી-ફોસલાવીને લઇ જઈને દુષ્કર્મ આચરવાના આરોપસર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેના આધારે FIR દાખલ કર્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરીને જેલના સળિયા ગણતો કર્યો હતો.
આરોપી યુવકની ઓળખ હુસૈન સુમાર સમેજા તરીકે થઇ છે. પીડિતા અને આરોપી બંને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવ્યાં હતાં. તેની સામે પીડિતાને લલચાવી-ફોસલાવીને ભુજિયા ડુંગરની તળેટીમાં લઇ જઈને દુષ્કર્મ આચરવાનો આરોપ લાગ્યો છે.
ભુજમાં રહેતી 15 વર્ષીય પીડિતા છેલ્લા બે દિવસથી ગુમ હતી અને તેનો પરિવાર શોધી રહ્યો હતો. કોઈ પત્તો ન લાગતાં પરિજનોએ પોલીસનું શરણ લીધું હતું અને કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. ત્યારપછી ભુજ શહેર બી ડિવિઝન પોલીસે પીડિતાની શોધખોળ હાથ ધરી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે હુસૈન સમેજા નામનો ઈસમ સગીરાને ઉપાડીને લઇ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. બંને મળી ગયા બાદ ભુજ પોલીસે આરોપીની અટકાયત કરી લીધી હતી અને બીજી તરફ પીડિતાની બહેને કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં આરોપી હુસૈન સામે સગીરાને લલચાવી-ફોસલાવીને અપહરણ કરીને ભુજિયા ડુંગર પાસે લઇ જઈને દુષ્કર્મ આચરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ IPC તેમજ પોક્સો એક્ટની યોગ્ય કલમો હેઠળ કેસ દાખલ કરીને ધરપકડ કરી લીધી હતી.
ધરપકડ બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો તેમજ પીડિતાને મેડિકલ પરીક્ષણ માટે ભુજની જી. કે જનરલ હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી.
મામલાની તપાસ કરતા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘સગીરા અને આરોપી બંને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા. આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને, ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે તેને જેલહવાલે કરી દીધો હતો.’