પેન્શનના કેસોમાં કોમવાદી અભિગમ અપનાવવા અને કોચિંગના નામે જેહાદી શિક્ષણ આપવા સહિતની દેશવિરોધી પ્રવૃત્તિઓ બદલ ધંધૂકાના એક ટ્રેઝરી ઓફિસર સસ્પેન્ડ થયા છે. ગુરુવારે રાજ્ય સરકારના નાણાં વિભાગે આ મામલે આદેશ કરીને કર્મચારી ગુલાબશા ભીખુશા જાડેજાને સસ્પેન્ડ કરી દીધા હતા. આ પ્રકારની પ્રવૃત્તિઓના કારણે રાજ્ય સરકાર દ્વારા કોઈ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.
મળતી માહિતી અનુસાર ધંધૂકાના ટ્રેઝરી ઓફિસર સસ્પેન્ડ થવા પાછળનું કારણ તેમની કટ્ટર કોમવાદી માનસિકતા હોવાનું મનાઈ રહ્યું છે. એક રિપોર્ટ મુજબ તેઓ સોશિયલ મીડિયામાં જેહાદ જેવા શબ્દો વાપરી અને ધામિક પોસ્ટ કરવા પર ધમકી આપવા અને પર્સનલ કોચિંગના નામે જેહાદી કટ્ટરતા ફેલાવવાના કારણે ઘણા સમયથી સાઈબર ક્રાઈમની નજરમાં હતા. ત્યારે IBના રિપોર્ટના આધારે તેમના વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે.
ગુલાબશા ભીખુશા જાડેજાને પાઠવવામાં આવેલા નાણા વિભાગના ઉપસચિવ જે.એમ ચાવડાની સહીવાળા ફરજ મોકુફીના આદેશમાં લખવામાં આવ્યું છે કે, ‘ગુલાબશા દ્વારા દેશવિરોધી પ્રવૃત્તિ કરવા જેવી ગંભીર ગેરવર્તણુક સરકારી કર્મચારીને ન છાજે તેવી છે. તેમણે આમ કરીને ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂંક) નિયમો-1971ના નિયમ 3(1)(3)નો ભંગ કર્યો છે. આ કારણોસર ગુલાબશા ભીખુશા જાડેજાને પેટા તિજોરી અધિકારીની સક્રિય સેવામાં ચાલુ રાખવા જાહેર વહીવટી હિતમાં ન હોવાથી તાત્કાલિક ફરજ મોકુફી હેઠળ મુકવામાં આવે છે.’
કિશન ભરવાડ હત્યાકાંડ વખતે પણ ફેલાવી હતી કટ્ટરતા
એક અહેવાલ મુજબ નાણા વિભાગે સુઓમોટોના આધારે કરેલી આ કાર્યવાહી સ્થાનિક પોલીસ અને ઈન્ટેલીજન્સ ઈનપુટ બાદ થઈ છે, ટ્રેઝરી ઓફિસર તરીકે તેમની સામે આવતા પેન્શનના કેસોમાં ગુલાબશા કોમી વલણ દાખવતા હોવાની ફરિયાદો ઉપર સુધી કરવામાં આવી હોવાનું પણ અહેવાલમાં કહેવાયું છે. આ સિવાય બહુચર્ચિત ધંધુકાના કિશન ભરવાડ હત્યાકાંડ વખતે પણ ગુલાબશા કટ્ટરતા દર્શાવતું વલણ દાખવી લાગણીઓ ઉશ્કેરી હોવાના રિપોર્ટ IB દ્વારા આપવામાં આવ્યા હતા. જે બાદ તેમના વિરુદ્ધ આ નક્કર કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ તેમનું ફેસબુક અકાઉન્ટ લોક્ડ દેખાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ધંધુકાથી સસ્પેન્ડ થયેલા ગુલાબશાને તેમની ફરજ મોકુફી દરમિયાન ડાંગની મુખ્ય જીલ્લા તિજોરી કચેરી આહવા ખાતે રહેવું પડશે. જ્યાં તેઓ લેખિત પરવાનગી વગર જિલ્લા બહાર નહીં જઈ શકે. જો તેઓ શરતોનું ઉલ્લંઘન કરશે તો તેમને મળવાપાત્ર ભથ્થા બંધ કરી દેવામાં આવશે. આ સિવાય વિભાગ દેશ વિરોધી વલણ બદલ તેમની વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવામાં આવે તેવી પણ શક્યતાઓ છે.