અમેરિકાથી હ્રદય હચમચાવી નાંખે તેવી એક ઘટના સામે આવી છે. ટેક્સાસમાં આવેલા એક ડેરી ફાર્મમાં વિસ્ફોટ બાદ લાગેલી ભીષણ આગમાં 18000 ગાયોનાં મોત નીપજ્યાં છે. કહેવામાં આવી રહ્યું છે કે દૂધ દોહવાના સમયે સર્જાયેલી ટેકનીકલ ખામીના કારણે આ હોનારત સર્જાઈ હતી. અમેરિકામાં આ પ્રકારની ઘટના પહેલીવાર સામે આવી છે જેમાં એકસાથે આટલાં અબોલ પશુ મૃત્યુ પામ્યાં હોય.
અહેવાલો અનુસાર ટેક્સાસમાં 18000 ગાયોનાં મોત પાછળનું કારણ દૂધ દોહવાના મશીનમાં સર્જાયેલી ટેકનીકલ ખરાબી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઈન્ડીયા ટીવીના રિપોર્ટ અનુસાર દૂધ દોહવાના સમયે મશીનમાં અચાનક મોટો વિસ્ફોટ થયો હતો, ત્યારબાદ તે સ્થળે ભીષણ આગ લાગી ગઈ હતી. આ સમયે ફાર્મના બનાવવામાં આવેલા શેડમાં ઉભેલી ગાયો બહાર ન નીકળી શકવાના કારણે આગમાં જીવતી ભૂંજાઈ ગઈ હતી. આ ભયંકર ઘટના ટેક્સાસના ડીમીટ સીટીમાં આવેલી સાઉથ ફોર્ક ડેરી ફાર્મમાં ઘટી હતી.
अमेरिका के टेक्सास में डेयरी फार्म में भीषण विस्फोट, 18,000 गायों की हुई दर्दनाक मौत
— News24 (@news24tvchannel) April 14, 2023
Texas, | #Texas | #America | Cow | #Cow pic.twitter.com/UMcgG0t1f6
જે ફાર્મમાં આગ લાગી તેની ગણતરી પ્રાંતના સહુથી મોટા ડેરીફાર્મમાં થતી હતી. આગ લાગવાની ઘટના બાદ ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો, પરંતુ આગ એટલી ભીષણ હતી કે તેને કાબૂમાં લેવા વિભાગને ભારે જહેમત ઉઠાવવી પડી. ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર આ ઘટનામાં એક વ્યક્તિ સળગતા શેડની અંદર ફસાઈ ગયો હતો. જેને બચાવી લેવામાં આવ્યો હતો. તો આ ઘટના પર કાઉંટી જજ મૈંડીનએ આશંકા વ્યક્ત કરી હતી કે શેડમાં લાગેલા ઉપકરણોમાં ખામી સર્જાવાના કારણે વિસ્ફોટ થયો હોવો જોઈએ.
તો બીજી તરફ કાસ્ત્રો કાઉંટી શેરીફ ઓફિસર તરફથી પણ ઘટનાની જાણકારી આપતા ફોટા જાહેર કરવામાં આવ્યાં હતા. શેરીફના જણાવ્યા અનુસાર સાર્વજનિક સુરક્ષાને ધ્યાને લઈને ઘટનાસ્થળ તરફ જતા તમામ રસ્તાઓ હાલ બ્લોક કરી દેવામાં આવ્યા છે. આ આગ એટલી ભયાનક હતી કે અનેક કિલોમીટર દુરથી ધુમાડાના વાદળો જોઈ શકાતા હતા. સ્થાનિક પોલીસ અધિકારી સલ રિવેરાએ આ બાબતે શંકા વ્યક્ત કરતા માહિતી આપી હતી કે કદાચ શેડમાં લાગેલી મશીનરી વધુ પડતી ગરમ થઈ ગઈ હશે, જેના કારણે મીથેન ગેસ લીક થઈ છે અને કદાચ એટલે જ વિસ્ફોટ થયો અને ગાયો માટે રાખેલા ઘાસચારામાં આગ પ્રસરી ગઈ.
આ ઉપરાંત આટલી મોટી ઘટના સહુથી જૂના અમેરિકન પશુ સંરક્ષણ સંસ્થાન એનીમલ વેલ્ફેર ઇન્સ્ટીટયુટના (AWI) ધ્યાને આવતા સંસ્થાએ પણ ચિંતા દાખવી છે. સંસ્થાએ ફાયર વિભાગ અને અન્ય વિભાગોને તાત્કાલિક ધોરણે પગલા લેવા વિનંતી કરી હતી. AWIએ આ બાબતે જણાવ્યું હતું કે અમેરિકન રાજ્યોમાં દર વર્ષે હજારો પશુઓ આ પ્રકારની આગમાં માર્યા જાય છે. તે છતાં અમેરિકાના મોટાભાગનાં રાજ્યો આગ ન લાગે તે પ્રકારની ઈમારતો બનાવવામાં નિષ્ફળ નીવડ્યાં છે. તેમના કહેવા મુજબ અનેક રાજ્યોમાં પશુઓને આગથી બચાવવા માટેના કોઈ સંઘીય નિયમો નથી લાગુ કરવામાં આવ્યા.