તાજેતરમાં રાહુલ ગાંધી વિરુદ્ધ ચાલેલી કાયદાકીય કાર્યવાહી બાદ આખી કોંગ્રેસ પાર્ટી બેબાકળી થયેલી જોવા મળી રહી છે. પાર્ટીના નાના-મોટા દરેક નેતાઓ ગાંધી પરિવાર પ્રત્યે પોતાની વફાદારી દેખાડવા તનતોડ મહેનત કરી રહ્યા છે. તેવામાં હવે કોંગ્રેસ મહાસચિવ અને રાહુલનાં બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાએ વાયનાડ ખાતે જનતાને ગેરમાર્ગે દોરતું નિવેદન આપ્યું છે.
When the institutions are failing to be checks and balances for the government, It is our job, the people of India’s job to be checks and balances for the government. pic.twitter.com/O1hfmeyYEn
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) April 12, 2023
સૌથી પહેલાં પ્રિયંકા વાડ્રાએ વાયનાડ ખાતે જે નિવેદન આપ્યું તેના પર નજર કરીએ, અને પછી એ જોઈએ કે શા માટે તેમનું આ નિવેદન ગેરમાર્ગે દોરે તેવું છે. તેમણે કહ્યું કે, “આપણા દેશની સ્થાપના સત્ય, અહિંસા, સમાનતા અને ન્યાયના આધાર પર થઈ છે. આજે સરકાર માને છે કે તેઓ કોઈ પણ અસહમતિને દબાવી શકે છે. દેશની સંસ્થાઓ જ્યારે સરકાર માટે ચેક એન્ડ બેલેન્સ બનવામાં નિષ્ફળ દેખાઈ રહી છે ત્યારે આપણી, ભારતના નાગરિકોની જવાબદારી છે કે સરકાર માટે ચેક એન્ડ બેલેન્સ બનવાનું કામ કરીએ.”
આ વિડીયો ક્લિપની શરૂઆતમાં જ પ્રિયંકા જણાવી રહ્યાં છે કે, “આપણા દેશની સ્થાપના સત્ય, અહિંસા, સમાનતા અને ન્યાયના આધાર પર થઈ છે.” પરંતુ દેશ સ્વાતંત્ર થયો અને ત્યારબાદ દેશના ટુકડાઓ થયા, અને અત્યારનું ભારત અસ્તિત્વમાં આવ્યું અને ભારતની સ્થાપના થઈ, પણ જે મુજબ પ્રિયંકા કહી રહ્યાં છે કે દેશ સત્ય, અહિંસા, સમાનતા અને ન્યાયના આધાર પર બન્યો તો ભારત પાકિસ્તાનના ભાગલાની ઘટનાને કયા અર્થમાં લઈ શકાય? હિંદુ-મુસ્લિમના નામે દેશના ટુકડા થયા અને 2.5 કરોડ લોકોને પોતાનું ઘર છોડવાનો વારો આવ્યો તો આમાં સમાનતાની વાત ક્યાં આવી? ભાગલા દરમિયાન હિંસામાં પાંચ લાખથી વધુ લોકોનાં મોત થયા તો પ્રિયંકા ગાંધી કઈ અહિંસાની વાત કરી રહ્યા છે? હિંસામાં થયેલી હત્યાને કારણે ઠેર-ઠેર લાશો રઝળવા લાગી હતી, પાકિસ્તાનથી આવતી ટ્રેનોમાં મોટાભાગે માત્ર લાશો જ આવતી હતી. તો અહીં પ્રિયંકા ગાંધી કઈ શાંતિ અને અહિંસાની વાત કરી રહ્યાં છે?”
આગળ તેમણે કહ્યું કે, “દેશની સંસ્થાઓ જ્યારે સરકાર માટે ચેક એન્ડ બેલેન્સ બનવામાં નિષ્ફળ દેખાઈ રહી છે ત્યારે આપણી, ભારતના નાગરિકોની જવાબદારી છે કે સરકાર માટે ચેક એન્ડ બેલેન્સ બનવાનું કામ કરીએ.” તેમના આ શબ્દ પ્રયોગથી સાબિત થાય છે કે તેમને ભારતીય સંસ્થાનો અને ન્યાયતંત્ર પર ભરોસો નથી. સંભવતઃ તાત્પર્ય તેવું છે કે સરકાર અને સંસદ વચ્ચે જે સમન્વય હોવો જોઈએ તે નથી.
ત્યારબાદ રાહુલ ગાંધી પર થયેલી કાર્યવાહી પર પોતાના નિવેદનમાં પ્રિયંકા ગાંધી વાડ્રા આગળ જણાવે છે કે, “આખી સરકાર, દરેક મંત્રી, દરેક સાંસદ, અને વડાપ્રધાન પોતે પણ એક વ્યક્તિની છબી ખરડવામાં અને નિર્મમતાથી તેમની ઉપર પ્રહારો કરવામાં લાગ્યા છે, કારણ કે તેમણે એવા પ્રશ્નો કર્યા હતા જેના તેમની પાસે કોઈ જવાબ નથી.” અહીં તે પ્રશ્ન ઉભો થાય કે રાહુલ ગાંધી વિરુદ્ધ થયેલી કાર્યવાહી તેમણે કરેલા વિવાદિત અને આખા એક સમુદાયની લાગણીઓ દુભાય તેવા નિવેદનના કારણે કરવામાં આવી હતી અને જેમાં સરકારે નહીં પરંતુ ન્યાયાલયે તેમને દોષી ઠેરવ્યા હતા અને તે પણ ભારતીય બંધારણ મુજબના રિપ્રેઝેન્ટેશન ઑફ પીપલ એક્ટ, 1951 મુજબ. તો પ્રશ્ન તે છે કે પ્રિયંકાના મતે રાહુલ ગાંધીએ જે ટિપ્પણી કરી હતી કે, ‘બધા મોદી ચોર કેમ હોય છે?’ શું તે યોગ્ય હતી. અહીં પ્રિયંકા એ વાત ભૂલી જાય છે કે રાહુલનું સાંસદપદ તેમને એક કેસમાં સજા થવાના કારણે રદ થયું છે અને આ સજા સરકારે નહીં પરંતુ દેશની કોર્ટે આપી છે, જેમાં સરકારનો કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ હોતો નથી.
પ્રિયંકા ગાંધી વાડ્રાએ આપેલા નિવેદનનો જો સાર કાઢીએ તો તેમ કહી શકાય કે તેમના મતે સરકાર અને સંસદ વચ્ચે સમન્વય નથી, રાહુલ ગાંધી જે ગુનામાં દોષી સાબિત થયા તે સરકારે તેમને દોષી ઠેરવ્યા, રાહુલનું સાંસદ પદ છીનવાયું તે પણ સરકારનો આદેશ હતો. પણ તેવું નથી, રાહુલ ગાંધીના સાંસદ પદ જવા પાછળનું મુખ્ય કારણ શું તે વિગતવાર સમજીએ.
રાહુલ ગાંધીનું સાંસદ પદ જવા પાછળનું કારણ
મોદી સમાજ પરની ટિપ્પણીના કેસમાં સુરતની કોર્ટે દોષી જાહેર કર્યા બાદ રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારી હતી. ત્યારબાદ લોકસભા દ્વારા તેમને ડિસ્ક્વોલિફાય કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી રિપ્રેઝેન્ટેશન ઑફ પીપલ એક્ટ, 1951 હેઠળ કરવામાં આવી હતી. જે મુજબ કોઈ પણ ધારાસભ્ય કે સાંસદ કે MLC કોઈ કેસમાં 2 વર્ષ કે તેથી વધુની સજા પામે તો તેને સભ્યપદેથી બરતરફ કરી દેવામાં આવે છે. એક્ટના ખંડ 8માં ડિસ્ક્વોલિફિકેશન માટેના નિયમો અને શરતો જણાવવામાં આવ્યાં છે. સેક્શન 8(3) મુજબ, કોઈ પણ સાંસદ કે ધારાસભ્ય કોઈ ગુનામાં દોષી જાહેર થાય અને બે વર્ષ કે તેથી વધુની સજા થાય તો સજા થયાના દિવસથી તેનું સભ્યપદ રદ ગણવામાં આવે છે.
શું કહેવામાં આવ્યું છે રિપ્રેઝેન્ટેશન ઑફ પીપલ એક્ટ, 1951માં?
લોકસભાના સભ્યો અને ધારાસભ્યોની લાયકાત અને તેમના ડિસ્ક્વોલિફિકેશનની વિગતો રિપ્રેઝેન્ટેશન ઑફ પીપલ એક્ટ, 1951માં મળી આવે છે. આ એક્ટના ખંડ 8માં ડિસ્ક્વોલિફિકેશન માટેના નિયમો અને શરતો જણાવવામાં આવ્યાં છે. સેક્શન 8(3) મુજબ, કોઈ પણ સાંસદ કે ધારાસભ્ય કોઈ ગુનામાં દોષી જાહેર થાય અને બે વર્ષ કે તેથી વધુની સજા થાય તો સજા થયાના દિવસથી તેનું સભ્યપદ રદ ગણવામાં આવે છે.
કાયદાના સેક્શન 8(1) અને 8(2) અનુસાર, IPCની અમુક કલમ હેઠળ દોષી જાહેર થનાર વ્યક્તિને તેની સજાના સમયગાળાને ધ્યાનમાં લીધા વગર ડિસ્ક્વોલિફાય કરવામાં આવે છે. જ્યારે તે સિવાયના ગુનાઓ માટે જો વ્યક્તિને ઓછામાં ઓછી બે વર્ષની સજા થઇ હોય તો બરતરફ કરવાનો નિયમ લાગુ પડે છે.