છત્રપતિ શિવાજી મહારાજની જગદંબા તલવાર ટૂંક સમયમાં યુનાઇટેડ કિંગડમના મ્યુઝિયમમાંથી ભારત આવી શકે છે. 2024ની સાલમાં છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકના 350 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે મહારાષ્ટ્ર સરકાર ‘જગદંબા’ તલવાર બ્રિટનથી લાવવાના પ્રયત્નો કરી રહી છે. આ અંતર્ગત જગદંબા તલવાર એક વર્ષ માટે ભારત લાવવામાં આવે તેવી શક્યતા છે.
ઈન્ગ્લેન્ડના પ્રિન્સને આપવામાં આવી હતી શિવાજી મહારાજની જગદંબા તલવાર
હીરા અને માણેકથી સુશોભિત શિવાજી મહારાજની જગદંબા તલવાર 1875-76 માં જ્યારે તત્કાલીન પ્રિન્સ ઓફ વેલ્સ, આલ્બર્ટ એડવર્ડ ભારત આવ્યા ત્યારે શિવાજી IV દ્વારા ‘મરાઠા પ્રમુખ શિવાજીના સ્મૃતિચિહ્ન રૂપે’ આપવામાં આવી હતી. આ તલવાર બાદમાં કિંગ એડવર્ડ VII ને ભેટમાં આપવામાં આવી હતી.
મહારાષ્ટ્રના સાંસ્કૃતિક બાબતોના મંત્રી સુધીર મુનગંટીવારે ‘ધ હિન્દુ’ને જણાવ્યું હતું કે, “મહારાષ્ટ્ર સરકારે લંડનના સેન્ટ જેમ્સ પેલેસમાંથી તલવાર મેળવવા માટે કેન્દ્ર સાથે વાતચીત શરુ કરી છે.”
બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકનો સંપર્ક કરવામાં આવશે
મંત્રી સુધીર મુનગંટીવાર તલવાર ભારત લાવવા મુદ્દે મે મહિનામાં લંડનની મુલાકાત લઈને યુ.કે.ના અધિકારીઓ સાથે ચર્ચા કરે તેવી શક્યતા છે. તેમણે કહ્યું કે તલવારને ટૂંકા ગાળા માટે ભારત પાછી લાવવા સરકાર બાંહેધરી આપશે. મુનગંટીવાર કહ્યું કે, “હું આ સંદર્ભે યુકેના વડાપ્રધાન ઋષિ સુનકનો સંપર્ક કરીશ. અમે તલવાર ઓછામાં ઓછા એક વર્ષ માટે મહારાષ્ટ્રમાં રાખવા ઇચ્છીએ છીએ.”
છત્રપતિ શિવાજી મહારાજની જગદંબા તલવાર પરત લાવવાનો પહેલો પ્રયાસ સ્વાતંત્ર્ય સેનાની બાળ ગંગાધર તિલક દ્વારા કરવામાં આવ્યો હતો. આઝાદી બાદ મહારાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી યશવંતરાય ચૌહાણ સહિતના અનેક મુખ્યમંત્રીઓ પણ આ બાબતે પ્રયત્નશીલ રહ્યા હતા.
સુધીર મુનગંટીવારે ઉમેર્યું કે, “2024માં શિવાજી મહારાજના રાજ્યાભિષેકની 350મી વર્ષગાંઠ નિમિત્તે જગદંબા તલવાર પાછી મળે એ અમારા માટે ગર્વની ક્ષણ હશે. અમને તલવાર મળશે તો અમે આ ખાસ દિવસ પર રાજ્યભરમાં શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરીશું.”
છત્રપતિ શિવાજી મહારાજ પાસે ત્રણ તલવાર હતી
6 જૂન, 1674ના રોજ રાયગઢ કિલ્લામાં શિવાજી મહારાજનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. તેમની પાસે ‘ભવાની’, ‘જગદંબા’ અને ‘તુલજા’ નામની ત્રણ તલવાર હોવાનું કહેવાય છે.
ભવાની અને તુલજા, બંને તલવારો હાલ અનુક્રમે સતારા અને સિંધુદુર્ગ કિલ્લામાં છે. તો પ્રતિષ્ઠિત જગદંબા તલવાર સેન્ટ જેમ્સ પેલેસમાં બ્રિટિશ શાહી પરિવારના નેજા હેઠળ છે.
પ્રિન્સને શ્રેષ્ઠ એન્ટિક શસ્ત્ર તરીકે મળી જગદંબા તલવાર
‘શોધ ભવાની તલવારીચા’ના લેખક અને ઈતિહાસકાર ઈન્દ્રજીત સાવંતના જણાવ્યા મુજબ, પ્રિન્સ ઑફ વેલ્સને પ્રાચીન શસ્ત્રોનો સંગ્રહ કરવાનો શોખ હતો અને ભારતની નિર્ધારિત મુલાકાત પહેલાં તેમણે અહીંના તમામ બ્રિટિશ અધિકારીઓને ઐતિહાસિક મહત્વ ધરાવતા “શ્રેષ્ઠ એન્ટિક” શસ્ત્રો કયા શાસક પાસે છે તે શોધવા સૂચના આપી હતી.
ઈન્દ્રજીત સાવંતે કહ્યું કે, “શિવાજી IV લગભગ 11 વર્ષના હતા જ્યારે તેમણે શિવાજી મહારાજની જગદંબા તલવાર બ્રિટિશ રાજકુમારને ભેટમાં આપી હતી. મુંબઈમાં તેમની આ ઐતિહાસિક મુલાકાત દરમિયાન પ્રિન્સ ઑફ વેલ્સે શિવાજી IV ને બદલામાં એક તલવાર આપી હતી, જે હાલમાં કોલ્હાપુર ખાતે ન્યુ પેલેસ મ્યુઝિયમમાં છે.” 18મી સદીની જગદંબા તલવારનું પરિમાણ 127.8 x 11.8 x 9.1 સેમી” છે અને તેની બ્લેડની લંબાઈ 95 સેમી છે.