ઘણા દિવસથી ફરાર ચાલતા ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંઘના જમણા હાથ ગણાતા પપ્પલપ્રીતની ધરપકડ કરી લેવામાં આવી છે. પંજાબના હોશિયારપુરમાંથી તેને પકડી લેવામાં આવ્યો હતો. પંજાબ પોલીસ અને તેના કાઉન્ટર ઇન્ટેલિજન્સ યુનિટના એક ઓપરેશનમાં તે સોમવારે (10 એપ્રિલ, 2023) હાથ લાગ્યો હતો. હાલ તે અમૃતસર પોલીસની હિરાસતમાં છે.
Pro-Khalistani sympathiser Amritpal Singh's aide Papalpreet Singh arrested from Hoshiarpur in an operation conducted by Punjab Police and its counter-intelligence unit: Sources pic.twitter.com/viDBYofrNd
— ANI (@ANI) April 10, 2023
પપ્પલપ્રીત અમૃતપાલ સિંઘનો અત્યંત નજીકનો સાથી ગણાય છે. તેને અમૃતપાલ સિંઘનો મુખ્ય હેન્ડલર માનવામાં આવે છે. આ સિવાય તે અમૃતપાલનો મીડિયા સલાહકાર પણ છે.
ગત મહિને પંજાબ પોલીસે ‘વારિસ પંજાબ દે’ સંગઠન સામે એક ઓપરેશન લૉન્ચ કરીને અમૃતપાલ સિંઘના ઘણા સાથીઓની ધરપકડ કરી લીધી હતી પરંતુ અમૃતપાલ પોતાના અમુક સાથીઓ સાથે સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો. જેમાં પપ્પલપ્રીત પણ સામેલ હતો.
અમૃતપાલ ફરાર થયા બાદ અનેક સીસીટીવી ફૂટેજમાં તે અને પપ્પલપ્રીત સિંઘ જોવા મળ્યા હતા. તાજેતરમાં એક તસ્વીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી, જેમાં અમૃતપાલ અને પપ્પલપ્રીત સિંઘ જોવા મળ્યા હતા. આ ફોટામાં અમૃતપાલ સિંઘ ગોગલ્સ પહેરેલો અને હાથમાં ટીન લઈને બેઠેલો જોવા મળે છે.
એક ફૂટેજમાં અમૃતપાલ સિંઘ ચહેરો ઢાંકીને હાથમાં એક બેગ લઈને ફરતો જોવા મળ્યો હતો. તેની સાથે પપ્પલપ્રીત પણ દેખાયો હતો. અન્ય એક ફૂટેજમાં અમૃતપાલ સિંઘ ગોગલ્સ પહેરીને ફોન પર વાત કરતો ચાલતો જોવા મળ્યો હતો. તાજેતરમાં થોડા દિવસ પહેલાં હોશિયારપુરના એક સીસીટીવી કેમેરામાં પપ્પલપ્રીત કેદ થઈ ગયો હતો. ત્યારથી અનુમાન હતું કે બંને અલગ-અલગ ઠેકાણે છુપાયેલા હોય શકે છે. આખરે આજે તેની ધરપકડ કરી લેવામાં આવી છે.
કોણ છે પપ્પલપ્રીત સિંઘ?
પપ્પલપ્રીત સિંઘ પોતાને વિડીયો જર્નલિસ્ટ અને એક્ટિવિસ્ટ ગણાવે છે. હાલ તે અમૃતપાલ સિંઘનો મેન્ટર અને મીડિયા સલાહકાર છે અને કાયમ તેની સાથે જ રહે છે. જોકે, તે વારિસ પંજાબ દે સંગઠન અસ્તિત્વમાં આવ્યું તે પહેલાંથી જ ખાલિસ્તાની ગતિવિધિઓમાં સંડોવાયેલો હતો.
રિપોર્ટ અનુસાર, તે પંજાબમાં ખાલિસ્તાન તરફી માહોલ ઉભો કરવા માટે ISI સાથે સીધા સંપર્કમાં છે અને એક ખાલિસ્તાન પ્રોપેગેન્ડા વેબસાઈટ પણ ચલાવે છે. તે ‘વારિસ પંજાબ દે’ સંગઠન અસ્તિત્વમાં આવ્યા પહેલાંથી જ પંજાબમાં સક્રિય રહેતો હતો અને વર્ષ 2015માં તેની સામે ISI સાથેના કથિત સબંધો મામલે એક દેશદ્રોહનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો.
2017માં તે સિમરનજિત સિંઘ માનની પાર્ટી શિરોમણી અકાલી દળ (અમૃતસર)માં સામેલ થયો હતો પણ 9 મહિનામાં પાર્ટી છોડી દીધી હતી.