મહિલાઓમાં ફિટનેસ વિશે જાગૃતિ લાવવાના હેતુથી ભારતમાં પહેલીવાર સાડી વોકેથોન સુરતના આંગણે યોજાયું હતું. આ સાડી વોકેથોનમાં મીની ભારતનું પ્રતિબિંબ જોવા મળ્યું હતું. ગુજરાતના જુદા જુદા પ્રાંતની સાડીઓ પહેરીને મહિલાઓ સુરત સાડી વોકેથોન માટે આવ્યા હતા. સુરત એ મિની ભારત તરીકે ઓળખાય છે અને આજે ”એક ભારત અને શ્રેષ્ઠ ભારત” નું ઉદાહરણ આજે જોવા મળ્યું છે તેવું કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે જણાવ્યું હતું.
સુરત મહાનગરપાલિકા અને સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડના સંયુકત ઉપક્રમે મહિલાઓમાં ફિટનેશ વિશે જાગૃતિ લાવવાવાં હેતુથી સુરત શહેરમાં પોલિસ પરેડ ગ્રાઉન્ડથી પાર્લે પોઈન્ટ બ્રિજ નીચેથી યુ-ટર્ન લઈ પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધીના “સુરત સાડી વોકેથોન”નું સવારે ૬:૩૦ કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી શુભારંભ કરવામાં આવ્યું હતું.
“Surat Saree Walkathon”, yes you all heard it right.
— Harsh Sanghavi (@sanghaviharsh) April 9, 2023
It was amazing to witness such a huge crowd gathered in Sarees on the Street of Surat. pic.twitter.com/nHuwJNfk6I
સુરત સાડી વોકેથોન કાર્યક્રમમાં સુરતના સાંસદ તેમજ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, કેન્દ્રીય રાજ્ય રેલવે મંત્રી દર્શનાબેન જરદોશ, સુરત મહાનગર પાલિકાના મેયર હેમાલીબેન બોઘાવાલા, સુરત મ્યુનિસિપલ કમિશનર શાલીનીબેન અગ્રવાલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમજ મહિલાઓને વોકેથોન માટે ફ્લેગ માર્ચ કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત અને દેશના અન્ય રાજ્યો ઉપરાંત વિદેશોની 20,000 મહિલાઓએ ભાગ લીધો હતો.
સાડી એ પરિધાન નહીં પણ ભારતની આત્મા છે
સાડી એક કાપડ કે પરિધાન નથી પણ ભારતનો આત્મા છે. આ એક એવી સમૃદ્ધ વિરાસત અને અને શક્તિ છે, જેને નાનકડી પરિભાષામાં ન બાંધી શકાય. જો કોઇ મહિલા સાડી પહેરીને ઊભી હોય તો દુનિયાના કોઇપણ ખૂણાનો વ્યક્તિ સમજી જાય કે તે ભારતની છે.
દેશમાં તો સાડીનું એટલું મોટું યોગદાન છે કે ગણાવું મુશ્કેલ થઈ જાય.પૈઠણી, પટોળા, બનારસી, મહેશ્વરી, ચંદેરી, કાંજીવરમ, કોટા ડોરિયા, બંધેજ, ગઠોડા, બોમકઇ. મધુબની, છપાઈ, મૂંગા રેશમ, કાથા, કોસા રેશમ, તાંચી, જામદની, જામવર, બાલુછરી, ચુંદડી, ટંગેલ અને ના જાણે કેટલાય પ્રકારની સાડીઓ છે.
આ સાડીઓ પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી લઇ દક્ષિણ સુધીની વિવિધતા વચ્ચે એકતા દર્શાવે છે. દેશની અડધી વસતીને એક સૂત્રમાં પરોવે છે. સાડી દુનિયાના પ્રાચીન પહેરવેશમાંની એક છે. આજે સુરતની ઓળખ સાડીથી જ છે. સાડીએ સુરતને મિની ઇન્ડિયા બનાવ્યું છે.
રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા, મહારાષ્ટ્ર અને આવા તમામ રાજ્યોના લોકો આ વ્યવસાય સાથે સંકળાઇ અહીં વસ્યા છે. આજે સુરતના જુદા જુદા વિસ્તારોમાં ફરો તો મહિલાઓના પહેરવેશથી જ ખબર પડી જાય કે તે વિસ્તારમાં કયા રાજ્યના લોકો વધારે રહે છે.
સુરત છે દેશનું ટેક્ષટાઇલ હબ
સાડી એ ભારતદેશની સંસ્કૃતિ તથા ભારતીય મહિલાઓની આગવી ઓળખ છે. ભારત ટેક્ષટાઈલ્સનાં અલગ અલગ વિવિંગ અને સાડી માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. સુરત શહેર પણ સમ્રગ ભારત દેશમાં ટેક્ષટાઈલ્સ ઉદ્યોગ માટે જાણીતું છે.
સુરત એ મીની ભારત છે, જ્યાં વિવિધ પ્રાંતના લોકો વસે છે. ભારતની શાન અને સંસ્કૃતિનું પ્રતિક એવી સાડીમાં સુરતમાં વસતી બધા જ પ્રાંતની મહિલાઓએ પોતાના રાજ્યના આગવા પરિવેશમાં સાડી વોકેથોનમાં ભાગ લીધો હતો.
એક ભારત, શ્રેષ્ઠ ભારતનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ- કેન્દ્રીય મઁત્રી દર્શના જરદોશ
કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે સાડી વોકેથોનના ઉદ્ઘાટન સમારોહમાં કહ્યું હતું કે, “સુરત એ મિની ભારત તરીકે ઓળખાય છે અને આજે આપણે સૌ ‘એક ભારત અને શ્રેષ્ઠ ભારત’ નું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપીએ. આજનો દિવસ સુરતનો એક ઐતિહાસિક દિવસ છે. આપણી સાંસ્કૃતિક વિરાસત અને સાડી પહેરીને આપણે આપણી આગવી ઓળખ જાળવીએ.”
કેન્દ્રીય મંત્રીએ સુરતીઓ ફકત ખાવા-પીવા માટે જ નહી પરતું ફીટ રહેવામાં પણ આગળ રહે તેમ જણાવેલ તથા ફીટ રહેવા માટે સાડી પહેરીને સદર કાર્યક્રમમાં જોડાવવા બદલ તમામ મહિલાઓ અને વિવિધ સંસ્થાઓ એ ઘણી સારી કામગીરી કરી છે તે અભિનંદનને પાત્ર છે.
‘સાડી એ પછાતપણું નહી, એક ગર્વની વાત’- SMC કમિશનર શાલિની અગ્રવાલ
સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે આ અવસર પર પોતાના વિચાર મુકતા કહ્યું હતું કે, “વાસ્તવમાં સાડી પછાતપણું નહીં પણ ગર્વની વિચારસરણી છે. આપણા દેશના અલગ ક્ષેત્રોમાં હિન્દુ, મુસ્લિમ, સિખ, ઇસાઇ, પારસી, વોહરા અને લગભગ દરેક કોમમાં મહિલાઓ સાડી પહેરે છે. સાડી વોકેથોન વાસ્તવમાં ભારતની આ સમૃદ્ધ વિરાસત અને પરંપરાને બતાવવાનો અને વધારવાનો સંદેશ છે.”
તેઓએ આગળ જણાવ્યું, “સાડીના વ્યવસાયથી જ સુરત ભારતનું માન્ચેસ્ટર બન્યું છે. આજે સુરતમાં ટેક્સટાઇલનો વર્ષે 80 હજાર કરોડથી વધારેનો વેપાર થાય છે અને લગભગ 15 લાખ લોકોને રોજગારી પુરી પાડે છે. આમાં વધારેમાં વધારે મહિલાઓએ ભાગ લેવો જોઈએે. ભારત હાલમાં જી 20ની આગેવાની કરી રહ્યું છે. સાડી વોકેથોનમાં જી 20ની ડબલ્યુ 20(વુમન 20) પણ ભાગ લઇ રહી છે.”