સુરત કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાલા સામે ખંડણીનો ત્રીજો ગુનો દાખલ થયો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. કોંગ્રેસના નેતા અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)ના પૂર્વ કાઉન્સિલર અસલમ સાયકલવાલા અને અન્ય બે પર બજાજ નામની વીમા કંપનીના મેનેજર કુલદીપ દોહરેની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે
અહેવાલો અનુસાર કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાલા સામે ખંડણીનો ગુનો દાખલ થવા મામલે પીડિત દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત પ્રથમ માર્ચના રોજ સાયકલવાલાનો માણસ આફતાબ તાહીર પટેલ અને અન્ય અજાણ્યા શખ્સો અડાજણ વિસ્તારમાં આવેલી કુલદીપની ઓફિસમાં આવ્યા હતા અને છ વર્ષની બાળકીને વીમા મેડિક્લેમ આપવા માટે ધમકી આપી હતી.
આફતાબ અને અન્ય વ્યક્તિએ કથિત રીતે કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાલાનું નામ લીધું હતું, અને ધમકી આપી હતી કે જો તે મેડિક્લેમ પાસ નહીં કરે અને આરોપીઓને મેડીક્લેમના 10 હજાર ચૂકવવામાં નહીં આવે તો તેઓ મેનેજર કુલદીપને ગોળી મારીને મારી નાંખશે. અડાજણ પોલીસ સ્ટેશનમાં થયેલી ફરિયાદમાં એવું પણ જણાવાયું છે કે, વીમા કંપનીના આસિસ્ટન્ટ મેનેજર નિલેશ પરમારને પણ વોટ્સએપ ચેટ દ્વારા ધમકાવવામાં આવ્યા હતા. ઑપઈન્ડિયા પાસે ફરિયાદની નકલ ઉપલબ્ધ છે.
સુરત: પૂર્વ કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલવાળા વિરુદ્ધ ખંડણી માગવાનો ત્રીજો ગુનો નોંધાયો#Gujarat #Congress #Surat pic.twitter.com/BQOSmTZnEi
— Zee 24 Kalak (@Zee24Kalak) April 7, 2023
આ પહેલા નોંધાઈ ચુક્યા છે 2 ગુના
નોંધનીય છે કે આ પહેલાં પણ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલા અને તેમના સહયોગીઓ દ્વારા આચરવામાં આવતું હોસ્પિટલના બોગસ બીલો બનાવી મેડિક્લેઇમ પાસ કરાવવાનું કૌભાંડ વીમા કંપનીની એજન્સીએ પકડી પાડ્યું હતું.
કોઈ કારણોસર શંકા જતા વીમા કંપનીએ ખોટા દર્દી શરીફ તાહીર પટેલનો મેડિક્લેઇમ નામંજૂર કર્યો હતો. ફાઇલનું વેરિફિકેશન ઓરેકલ નામની એજન્સીને સોંપાયું હતું. જે બાદ એજન્સીના ફિલ્ડ ઓફિસર ભાવેશ મોટવાણી અને આસિસ્ટન્ટ ફિલ્ડ ઓફિસર કિર્તન 23મી ડિસેમ્બર-22એ ખોટા દર્દી બનેલા શરીફ પટેલના ઘરે ચકાસણી કરવા ગયા હતા. તે સમયે શરીફ તાહીર હાજર ન હતો.
જે બાદ અસલમના 2 માણસોએ ચકાસણી કરવા આવેલા કંપનીના કર્મચારીઓને માર મારીને અસલમની ઓફિસે લઈ ગયા હતા. જ્યાં શરીફ અને આફતાબે ધમકી આપતા કહ્યું હતું કે કલેઈમના પૈસા આપી દે નહીંતર તમને ‘અસલમ ભાઈ’ને સોંપી દઈશું. ત્યારબાદ બંને કર્મચારીને ફરી માર મારીને 10 હજાર રૂપિયા લૂંટીને તગડી મૂકવામાં આવ્યા હતા.
જે બાદ વીમા ઓફિસર ભાવેશ મોટવાણીએ ઉધના પોલીસમાં ફરિયાદ કરતા બંને આરોપી સહીત કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલા સામે ખંડણી, ધમકી, મારામારીની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. અઠવાડિયા પહેલાં પણ લિંબાયત પોલીસમાં અસલમ સાયકલવાલા અને આફતાબ પટેલ સહિત 4 સામે ખંડણી અને ધમકીનો ગુનો નોંધ્યો હતો. આફતાબ પટેલની લિંબાયત પોલીસે અગાઉ ખંડણીના ગુનામાં ધરપકડ કરી હતી.
તે પૂર્વે ગુજરાત વિધાન સભા ચૂંટણી વખતે પણ અસલમ સાયકલવાલાનું નામ ધમકી આપવા મુદ્દે ઉછળ્યું હતું. તે વખતે સુરત પૂર્વ બેઠક પરથી આમ આદમી પાર્ટી નેતા કંચન જરીવાલાએ ઉમેદવારી પત્ર પરત ખેંચી લેવાના નાટકીય ઘટનાક્રમ બાદ તેમણે AAPના અને કોંગ્રેસ ઉમેદવાર અસલમ સાયકલવાલાના માણસો તેમને મારી નાંખે તેવો ડર વ્યક્ત કરી પોલીસ પાસે રક્ષણ માંગ્યું હતું.