વડોદરા શહેરમાં રામનવમીના દિવસે શહેરમાં નીકળેલી બે શોભાયાત્રાઓ ઉપર પથ્થરમારો થયા બાદ પોલીસ વિભાગ સતર્ક થયો છે. આજે હનુમાન જયંતિ હોઈ ફરીથી શહેરમાં શોભાયાત્રાનું ભવ્ય આયોજન થનાર છે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ટાળવા માટે પોલીસે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે.
વડોદરા શહેરમાં હનુમાન જયંતિ નિમિત્તે બે શોભાયાત્રાઓ નીકળવા જઈ રહી છે ત્યારે શહેર પોલીસે આ યાત્રાઓ માટે ચુસ્ત બંદોબસ્ત ફાળવ્યો છે. 2 ડીસીપી, 2 એસીપી, 18 પીઆઇ અને 26 PSI સહિત કુલ 600 જવાનોનો કાફલો આજે તહેનાત રહેશે. આ ઉપરાંત, ક્રાઇમ બ્રાન્ચ, શી ટીમ અને ટ્રાફિક પોલીસ પણ બંદોબસ્તમાં રહેશે.
હનુમાન જયંતિના દિવસે વડોદરાનાં હિંદુ સંગઠનો દ્વારા શોભાયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આમ તો આ યાત્રાઓમાં પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવે જ છે પરંતુ તાજેતરમાં જ જે રીતે ભગવાન રામની શોભાયાત્રાઓ પર હુમલાઓ થયા હતા અને પૂર્વનિયોજિત કાવતરાના ભાગરૂપે પથ્થરમારો કરવામાં આવ્યો હતો તેને જોતાં આ વખતે વધુ સતર્કતા દાખવવામાં આવી રહી છે.
વડોદરાના હરણી ખાતે આવેલા સુપ્રસિદ્ધ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દિવસભર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે હનુમાનજીની પ્રાગટ્ય આરતી થશે ત્યારબાદ રામ-સીતાના દર્શન કરાવતા હનુમાનજીના શૃંગાર, 8 વાગ્યે મંદિર પટાંગણમાં સુંદરકાંડ અને ત્યારબાદ ભજન-કીર્તનનું આયોજન કરવામાં આવશે.
આ ઉપરાંત, શહેરના ગોત્રી ખાતે આવેલા હનુમાન મંદિરેથી એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય શહેરનાં અન્ય મંદિરો શ્રી રોકડનાથ મંદિર, શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મંદિર સહિત અનેક નાનાં-મોટાં મંદિરોમાં હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવનાર છે.
આ ઉજવણીઓ અને શોભાયાત્રાઓના આયોજન પૂર્વે બુધવારે શહેરમાં પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ અને બંદોબસ્ત રિહર્સલ હાથ ધરવામાં આવ્યું હતું. ઉપરાંત, જે બે શોભાયાત્રાઓ નીકળનાર છે તેના આયોજકો સાથે પણ પોલીસ અધિકારીઓએ બેઠક કરી હતી.
યાત્રાઓ માટે ડીઆઈજી અને એસીપી કક્ષાના અધિકારીઓને નિરીક્ષણ માટે મૂકવામાં આવ્યા છે. યાત્રાના રુટ પર એક ડીઆઈજી અધિકારીનું નિરીક્ષણ ઉપરાંત 2 ડીસીપી, 2 એસીપી, 18 PI, 20 PSI, 550 હેડ કોન્સ્ટેબલ-ASI અને 101 એસઆરપી જવાનો સહિત કુલ 600થી વધુ જવાનોનો કાફલો તહેનાત કરવામાં આવશે. આ ઉપરાંત, ડ્રોનથી પણ સમગ્ર યાત્રાના રુટ પર નજર રાખવામાં આવશે તેમજ બોડી વૉર્ન કેમેરાનો પણ ઉપયોગ થશે.
રામનવમી પર મુસ્લિમ બહુમતી વિસ્તારોમાંથી થયો હતો પથ્થરમારો
ગત રામનવમીના દિવસે (30 માર્ચ, 2023, ગુરુવાર) વડોદરા શહેરમાંથી પસાર થતી બે શોભાયાત્રાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. સવારે ફતેપુરાના પાંજરીગર મહોલ્લામાંથી જતી શોભાયાત્રાઓ પર પથ્થરમારો થયો હતો અને ત્યારબાદ સાંજે કુંભારવાડામાં પણ ફરી હુમલો કરવામાં આવ્યો હતો. બનાવ બાદ વડોદરા પોલીસે પથ્થરમારો કરનારા અનેક આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.