પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીનના સહસ્થાપક આતંકવાદી યાસિન ભટકલ અને તેના સાગરીતો સામે દેશદ્રોહના કેસમાં આરોપો ઘડવામાં આવ્યા છે. દિલ્હીની NIA કોર્ટે યાસિન ભટકલ, દાનિશ અન્સારી સહિત 11 લોકો સામે દેશ વિરુદ્ધ યુદ્ધ છેડવા માટે ગુનાહિત ષડ્યંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે.
Bhatkal has been charged with Section 18, 18A, 18B, 21, 38(2), 39(2), 40(2) of the UAPA Act.
— Bar & Bench (@barandbench) April 3, 2023
Charges have also been framed against him under Section 121 and 122 of the IPC. These Sections deal with the offence of waging war against India.
યાસિન વિરુદ્ધ UAPA એક્ટની કલમ 18, 18A, 18B, 21, 38(2), 39(2), 40(2) તથા IPCની કલમ 121 અને 122 હેઠળ આરોપો ઘડવામાં આવ્યા છે. કોર્ટે કહ્યું કે, યાસિન ભટકલ આતંકવાદી ગિતિવિધિઓને અંજામ આપવામાં જ સંડોવાયેલો ન હતો પરંતુ નેપાળના માઓવાદીઓની મદદથી હથિયારો અને વિસ્ફોટકોની હેરફેર તેમજ આતંકવાદી ગતિવિધિઓના પ્લાનિંગમાં પણ તેની ભૂમિકા હતી.
સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, આરોપીઓ વિરુદ્ધ દેશદ્રોહના આરોપમાં કેસ ચલાવવા માટે પૂરતા સબૂતો છે અને પ્રથમ દ્રષ્ટ્યા પુરવાર થાય છે કે આરોપી ઇન્ડિયન મુજાહિદ્દીનના સભ્યો હતા અને તેમણે ભારત સામે યુદ્ધ શરૂ કરવા માટે ગુનાહિત ષડ્યંત્ર રચ્યું હતું.
દેશ સામેના આ કાવતરાં રચવામાં અને તેને અંજામ સુધી પહોંચાડવા માટે કરવામાં આવેલી આતંકવાદી ગતિવિધિઓમાં યાસિન ભટકલની ભૂમિકાને લઈને કોર્ટે કહ્યું કે, પુરાવાઓના આધારે યાસિન ભટકલની ચેટમાંથી સુરતમાં ન્યુક્લિયર બૉમ્બ પ્લાનિંગ અંગે ખુલાસો થયો છે.
કોર્ટે નોંધ્યું કે, યાસીન ભટકલ અને મોહમ્મદ સાજીદ વચ્ચેની ચેટમાંથી ઇન્ડિયન મુજાહિદ્દીનના પ્લાનિંગ વિશેની જાણકારી મળી આવી છે અને જેમાં સુરતમાં ન્યુક્લિયર બૉમ્બ પ્લાન્ટ કરવા પહેલાં શહેરમાંથી તમામ મુસ્લિમોને હટાવી લેવા માટેની પણ યોજના બનાવવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે, યાસિન માત્ર મોટાં આતંકી ષડ્યંત્રો રચવામાં જ સામેલ ન હતો પરંતુ તેણે IED અને વિસ્ફોટકો બનાવવામાં પણ મદદ કરી હતી.
ઇન્ડિયન મુજાહિદ્દીનની રચના વર્ષ 2003માં યાસિન ભટકલ, રિયાઝ ભટકલ, ઇકબાલ ભટકલ વગેરેએ મળીને કરી હતી. આ તમામ પહેલાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન સ્ટુડન્ટ ઇસ્લામિક મુવમેન્ટ ઑફ ઇન્ડિયા (SIMI) સાથે જોડાયેલા હતા. જ્યાંથી છૂટા પડ્યા બાદ 2003માં દેશમાં વિવિધ સ્થળોએ હુમલા કરવા માટે આ નવા આતંકવાદી સંગઠનની રચના કરી હતી. વર્ષ 2009માં ઇન્ડિયન મુજાહિદ્દીન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.
યાસિન ભટકલ કર્ણાટકના ભટકલ ગામનો રહેવાસી છે. વર્ષ 2013માં તેને નેપાળ સરહદેથી પકડી લેવામાં આવ્યો હતો. 21 ફેબ્રુઆરી, 2013ના રોજ હૈદરાબાદમાં 2 બ્લાસ્ટ થયા હતા, જેમાં 18 લોકો માર્યા ગયા હતા અને 100થી વધુને ઇજા પહોંચી હતી. આ બ્લાસ્ટમાં IEDનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કેસમાં તેની ધરપકડ બાદ કેસ ચાલ્યો હતો અને જેમાં તેને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. હાલ તે તિહાડ જેલમાં બંધ છે.