મધ્ય પ્રદેશની શિવરાજસિંહ ચૌહાણ સરકારે વધુ એક નગરનું નામ બદલી નાંખ્યું છે. હવેથી એમપીના સિહોર જિલ્લાનો નસરુલ્લાગંજ તાલુકો ભૈરુંદા તરીકે ઓળખાશે. સરકારે અધિકારીક ઘોષણા કરી દીધી છે.
Madhya Pradesh | Name of Nasrullaganj in Sehore district has been changed to Bhairunda. pic.twitter.com/6ylEBLNy6c
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) April 2, 2023
મધ્ય પ્રદેશ સરકારે નસરુલ્લાગંજ નગરનું નામ ભૈરુંદા કરવા માટે કેન્દ્ર સરકારને એક પ્રસ્તાવ મોકલ્યો હતો. જેની ઉપર ગૃહ મંત્રાલયે મંજૂરીની મહોર માર્યા બાદ આખરે અધિકારીક રીતે નગરનું નામ બદલી નાંખવામાં આવ્યું છે. આ માટે મધ્ય પ્રદેશ રાજ્ય સરકારે એક નોટિફિકેશન જારી કર્યું હતું.
નસરુલ્લાગંજ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના વિધાનસભા ક્ષેત્ર બુધની હેઠળ જ આવે છે. આ નગરનું નામ બદલવાની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી. થોડા સમય પહેલાં શિવરાજસિંહ ચૌહાણે નસરુલ્લાગંજ ખાતે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન નગરનું નામ બદલવાની ઘોષણા કરી હતી.
મધ્ય પ્રદેશમાં અગાઉ પણ શહેરો-સ્ટેશનોનાં નામો બદલાઈ ચૂક્યાં છે
મધ્ય પ્રદેશની ભારતીય જનતા પાર્ટી સરકાર આ પહેલાં પણ કેટલાંક નગરનાં નામ બદલીને તેનાં મૂળ નામે કરી ચૂકી છે. આ પહેલાં સરકારે મધ્ય પ્રદેશના જાણીતા નગર હોશંગાબાદનું નામ નર્મદાપુરમ કર્યું હતું. આ સિવાય, ભોપાલના ઇસ્લામનગરનું નામ પણ ‘જગદીશપુર’ કરવામાં આવ્યું હતું.
આ સિવાય મધ્ય પ્રદેશ સરકારે ભોપાલના હબીબગંજ રેલવે સ્ટેશનનું પણ નામકરણ કર્યું હતું અને નવનિર્માણ થયા બાદ તેનું નામ રાણી કમલાપતિ રેલવે સ્ટેશન કરવામાં આવ્યું હતું. હવે જાણવા મળ્યું છે કે જબલપુરના ડુમના એરપોર્ટનું નામ રાણી દુર્ગાવતીના નામ પરથી રાખવા માટે સરકાર વિચારી રહી છે અને આ માટે કેન્દ્ર સરકારને એક પ્રસ્તાવ પણ મોકલવામાં આવ્યો છે. જેની પણ મંજૂરી મળ્યે આગળ કાર્યવાહી કરવામાં આવશે.
ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ બદલાયાં નામ
શહેરોનાં નામ બદલવાની શરૂઆત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કરી હતી. તેમના નેતૃત્વ હેઠળની સરકાર સત્તામાં આવ્યા બાદ ફૈઝાબાદનું નામ અયોધ્યા અને અલાહાબાદનું નામ પ્રયાગરાજ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પણ સરકાર અમુક શહેરોનાં નામ બદલી ચૂકી છે.
તાજેતરમાં મહારાષ્ટ્રની ભાજપ-શિવસેના (એકનાથ શિંદેની આગેવાની હેઠળની) સરકારે બે શહેરો ઔરંગાબાદ અને ઉસ્માનાબાદનાં નામ બદલીને અનુક્રમે ‘છત્રપતિ સંભાજી નગર’ અને ‘ધરાશિવ’ કરી દીધાં હતાં. સરકારે કેન્દ્રને પ્રસ્તાવ મોકલ્યો હતો, જેની પર મંજૂરી મળ્યા બાદ જાહેરાત કરવામાં આવી હતી.