અમેરિકાના રાજ્ય જ્યોર્જિયામાં (Georgia) તાજેતરમાં જ હિંદુફોબિયા (Hinduphobia) વિરુદ્ધ એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. જ્યોર્જિયા આમ કરનારું અમેરિકાનું પ્રથમ રાજ્ય બન્યું છે.
આ પ્રસ્તાવ એટલાન્ટાની ફોર્સીથ કાઉન્ટીના પ્રતિનિધિઓ લૉરેન મેકડોનલ્ડ અને ટોડ જોન્સે રજૂ કર્યો હતો, જેને ગૃહમાં ચર્ચા બાદ બહુમતીથી પસાર કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે આ વિસ્તાર જ્યોર્જિયાનો હિંદુ બહુમતી ધરાવતો વિસ્તાર છે.
આ પ્રસ્તાવની રચના માટે એક યુનિવર્સીટીના રિપોર્ટનો આધાર લેવામાં આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે, હિંદુઓ વિરુદ્ધ ગેરમાહિતી ફેલાવવાનું પ્રમાણ ખાસ્સું વધ્યું છે. જુલાઈ, 2022માં પ્રકાશિત આ રિપોર્ટમાં વિસ્તૃત રીતે જણાવવામાં આવ્યું હતું કે કઈ રીતે સોશિયલ મીડિયા પરની હિંદુઘૃણા હવે ધીમે-ધીમે જમીનની સ્તરે પણ જોવા મળી રહી છે અને હિંદુઓ માટે જોખમ સર્જાઈ રહ્યું છે.
પ્રસ્તાવમાં એમ પણ કહેવામાં આવ્યું કે, હિંદુ ધર્મ દુનિયાના સૌથી પ્રાચીન અને સૌથી મોટા ધર્મો પૈકીનો એક છે અને સમગ્ર વિશ્વના 100થી વધુ દેશોમાં તેના 1 અબજથી પણ વધુ અનુયાયીઓ છે. તેમજ હિંદુ ધર્મ સ્વીકૃતિ, એકમેકના સન્માન અને વિવિધ પરંપરાઓનો એક ભવ્ય સમન્વય હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું.
પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું કે, સ્વાસ્થ્ય, વિજ્ઞાન, આઇટી, નાણાકીય બાબતો, શિક્ષણ, ઉર્જા, વ્યવસાય અને ઇજનેરી જેવાં અનેક ક્ષેત્રોમાં અમેરિકી હિંદુ સમુદાયનું પ્રમુખ યોગદાન રહ્યું છે અને આ ઉપરાંત આ સમુદાયના લોકોએ યોગ, આયુર્વેદ, ધ્યાન, ભોજન, સંગીત અને કળાનાં ક્ષેત્રોમાં પણ નોંધપાત્ર યોગદાન આપીને સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ કર્યો છે.
પ્રસ્તાવમાં આગળ જણાવવામાં આવ્યું કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં દેશના અનેક ભાગોમાં હિંદુ-અમેરિકીઓ વિરુદ્ધ અનેક ગુનાઓ નોંધાયા છે. એમ પણ કહેવામાં આવ્યું કે, હિંદુ ધર્મના વિરોધી અને તેના પવિત્ર ગ્રંથો અને પ્રથાઓ પર હિંસા અને ઉત્પીડનને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવતા રહેતા શિક્ષણવિદોએ પણ આ હિંદુફોબિયાને પ્રોત્સાહન આપવામાં અગત્યનો ભાગ ભજવ્યો છે.
આ પ્રસ્તાવ પાસ થયા બાદ જ્યોર્જિયામાં રહેતા હિંદુ સમુદાયે આનંદ વ્યક્ત કર્યો છે તેમજ આભાર પણ માન્યો છે. આ પ્રસ્તાવ પહેલાં 22 માર્ચના રોજ જ્યોર્જિયા સ્ટેટ કેપિટલમાં ‘હિંદુ એડવોકેસી ડે’નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 25 જેટલા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો, જેમાં બંને પાર્ટીઓના સાંસદો સામેલ હતા.