સુરતથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દારૂના કેસમાં સુરત કોંગ્રેસના મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ મેઘના પટેલ વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. હાલ સુરત પોલીસ દ્વારા પ્રદેશ કોંગ્રેસના મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ મેઘના પટેલને પાસા કરી અમદાવાદ ખાતે જેલમાં મોકલી આપવામાં આવ્યાં છે. કોંગ્રેસના મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ મેઘના ગત બે માર્ચના રોજ દારૂના મોટા જથ્થા સાથે પકડાયાં હતાં.
મળતા અહેવાલો અનુસાર કોંગ્રેસના મેઘના પટેલને પાસા હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે. હાલ સુરત પોલીસ દ્વારા મેઘનાને અમદાવાદ ખાતે જેલમાં મોકલી આપવામાં આવ્યાં છે. ગત બે માર્ચના રોજ મેઘના પટેલની પીપલોદ વિસ્તારમાં સાત લાખથી વધુ દારૂ હેરાફેરી મામલે સુરત પોલીસે ધરપકડ કરી હતી. તેવામાં આજે સુરત પોલીસ દ્વારા મેઘના પટેલ સામે પ્રોહીબિશનના કેસને લઈ પાસા હેઠળની કાર્યવાહી કરી છે.
મેઘના પટેલ કોંગ્રેસમાં પ્રદેશ લેવલના મોટા હોદ્દા પર રહી ચૂક્યાં છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અવારનવાર મેઘના પટેલ કોઈને કોઈ કેસમાં વિવાદમાં સપડાતા રહ્યા છે. તેઓ છેલ્લે પ્રદેશ કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ હતા. પરંતુ મેઘના પટેલનું નામ અવારનવાર ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામે આવવા લાગતા કોંગ્રેસ દ્વારા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં હતા.
એક રિપોર્ટ મુજબ થોડા મહિનાઓ અગાઉ નવસારી ખાતે પણ દારૂની હેરાફેરીમાં પકડાયા હતા. તે ઉપરાંત મેઘના પટેલ દ્વારા એક યુવકને અપહરણ કરી ઢોર માર મારવામાં આવ્યો હોવાનો પણ આરોપ લાગ્યો હતો. જેમાં પણ તેમની સામે ગુનો નોંધાયો હતો અને ધરપકડ થઈ હતી. આ સિવાય પણ અગાઉ ભૂતકાળમાં મેઘના પટેલ સામે ધાકધમકીના અનેક કેસો થયા છે.
આ સિવાય વર્ષ 2019માં એક આત્મહત્યા દુષ્પ્રેરણા કેસમાં તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને ગુજરાતના મહિલા મોરચાના ઉપપ્રમુખ પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. તેમની સાથે અન્ય પાંચ લોકો પર એક યુવકને ચોરીનો આરોપ લગાવીને મારી-મારીને પ્રતાડિત કરવાનો આરોપ લાગ્યો હતો. મારપીટ બાદ યુવકે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ઉપરાંત નવસારીના એક ખેડૂત પાસે જમીનના દસ્તાવેજ કરાવીને બારોબાર જમીન વેચીને લાખોની છેતરપિંડી કરવાની ફરિયાદ બાદ પોલીસે મેઘના અને અન્ય બે શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરીને ધરપકડ કરી હતી.