રામનવમીની આગલી રાત્રે મહારાષ્ટ્રમાં હિંસા થયાના સમાચાર મળી રહ્યા છે. બે શહેરોમાં બે જુદી-જુદી ઘટનાઓમાં હિંસા ફાટી નીકળી હતી અને પથ્થરમારો અને આગચંપી થયાં હતાં. સંભાજીનગરમાં બે જૂથો વચ્ચે અથડામણ થઇ તો જલગાંવમાં મસ્જિદની બહાર સંગીત વગાડવા મુદ્દે ધમાલ થઇ હતી.
મહારાષ્ટ્રમાં સંભાજીનગરના કિરાડપુરામાં હિંસા થઇ હતી. બુધવારે (29 માર્ચ, 2023) રાત્રે 12:30 વાગ્યાના અરસામાં નગરમાં આવેલા એક રામ મંદિરની બહાર બે યુવાનો વચ્ચે બોલાચાલી થઇ હતી અને ત્યારબાદ મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા અને એકબીજા પર હુમલો કરીને પથ્થરમારો શરૂ થઇ ગયો હતો. ત્યારબાદ વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું અને આગ પણ લગાવી દેવામાં આવી હતી.
Maharashtra | A clash broke out between two groups in Chhatrapati Sambhajinagar’s Kiradpura area
— ANI (@ANI) March 30, 2023
Stones were pelted, some private & police vehicles were set on fire. Police used force to disperse the people and now the situation is peaceful. Police will take strict action… pic.twitter.com/u9qa5XYyPk
સંભાજીનગરના પોલીસ અધિકારીઓ અનુસાર, બે યુવાનો વચ્ચે થયેલા ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું અને જેના કારણે પથ્થરમારો અને આગચંપી થયાં તો પોલીસના વાહનો સહિત અનેક વાહનોને આગ પણ લગાવી દેવામાં આવી. આ દરમિયાન બૉમ્બ પણ ફેંકવામાં આવ્યા હોવાનું મીડિયા રિપોર્ટ્સ જણાવી રહ્યા છે.
મીડિયામાં ઘટના બાદની કેટલીક તસ્વીરો પણ સામે આવી છે, જેમાં આગ લગાવવામાં આવેલાં વાહનો જોવા મળે છે. ઘટના બાદ પોલીસે પહોંચીને મામલો શાંત પાડ્યો હતો અને તમામને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી હતી. પોલીસે ઘટનામાં સામેલ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની બાહેંધરી આપી છે.
પોલીસ અનુસાર, હજુ સુધી આરોપીઓની ઓળખ થઇ નથી પરંતુ ટોળામાં 500થી 600 જેટલા લોકો સામેલ હોવાનું કહેવાય રહ્યું છે. જેમની ધરપકડ માટે હાલ પોલીસ કાર્યવાહી કરી રહી છે. પોલીસ અનુસાર, રામ મંદિર સુરક્ષિત છે અને કોઈ નુકસાન પહોંચ્યું ન હતું.
જલગાંવમાં મસ્જિદની બહાર હિંસા
મહારાષ્ટ્રના જલગાંવમાં પણ બુધવારે રાત્રે હિંસાની ઘટના બની હતી. અહીં એક મસ્જિદમાં નમાજ ચાલી રહી હતી તે સમયે ડીજેના તાલે ધાર્મિક શોભાયાત્રા પસાર થવાના મામલે બે જૂથો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. આ મામલે પોલીસે 2 FIR દાખલ કરીને 45 જેટલા વ્યક્તિઓની ધરપકડ કરી લીધી હતી. ઘટનામાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું પોલીસનું કહેવું છે.
Maharashtra | A clash broke out between two groups over playing music outside a Mosque while Namaz was going on, in Jalgaon district
— ANI (@ANI) March 30, 2023
Two FIRs have been registered, we’ve arrested 45 people so far. 4 people are injured in the violence. The present situation is peaceful and is… pic.twitter.com/EaT5WIOtwT
આ ઘટનાની પણ અમુક તસ્વીરો સામે આવી છે, જેમાં વાહનોમાં તોડફોડ થયેલી જોઈ શકાય છે તેમજ રસ્તા પર પથ્થર પણ જોવા મળે છે. રિપોર્ટ અનુસાર, મંગળવારે રાત્રે એક ધાર્મિક યાત્રા નીકળી હતી, જે સપ્તશૃંગી ગઢ પહોંચવાની હતી. યાત્રા જ્યારે પાલથી ગામમાંથી પસાર થઇ રહી હતી ત્યારે અજાણ્યા ઈસમોએ તેની ઉપર પથ્થરમારો કર્યો હતો. જ્યારે યાત્રામાં સામેલ લોકો ઉગ્ર થઇ ગયા તો તોડફોડ અને પથ્થરમારો થયો હતો. આ ઉપરાંત, એક પોલીસ જીપને પણ આગ લગાવી દેવામાં આવી હતી.