2022ની ગુજારતા વિચાનસભા ચૂંટણીમાં સરકાર બનાવવાના સપના જોનાર આમ આદમી પાર્ટીને બધી મળીને 5 બેઠકો જીતવામાં આંખે અંધારા આવી ગયા હતા. એવામાં AAP નેતા ઈસુદાન ગઢવીએ 2024 લોકસભા ચૂંટણીને લઈને એવો દાવો કરી દીધો છે કે જેના પર બાદમાં તેમને પછતાવું પડી શકે છે.
આમ આદમી પાર્ટીએ 2024 લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં પોતાની તૈયારીઓના ભાગરૂપે બેઠકો કરવાનું શરૂ કરી દીધી છે. તેના જ ભાગરૂપે ડેડીયાપાડામાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીના નેતૃત્વમાં આવી જ એક બેઠક યોજાઈ હતી. સ્થાનિક ધારાસભ્ય અને કાર્યકર્તાઓ સાથે થયેલ આ બંધબારણાંની બેઠકનો એજન્ડા હતો, ‘લોકસભા ચૂંટણીમાં કઈ રીતે ભરૂચ બેઠક કબ્જે કરવી’.
બેઠક બાદ એક જાહેર સભા પણ યોજાઈ હતી. જેમાં તેમની સાથે ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રો.અર્જુન રાઠવા, ડો.પ્રફુલ વસાવા, જેતપુર વિધાનસભા પ્રમુખ રાધિકા રાઠવા ડો.દયારામ વસાવા, રાજેંદ્ર વસાવા સહીત અનેક આગેવાનો હાજર રહ્યા હતા.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, “ભરૂચમાં ભાજપના કોઈ સંસદ હોઈ કે ધારાસભ્ય હોઈ એમને આદિવાસીના પ્રશ્ને બોલવાની કોઈ તાકાત નથી અને ભાજપમાં 156 અને બીજા ત્રણ ધારાસભ્યને ભાજપ માત્ર ચપરાસી તરીકે રાખે છે. જેમને કોઈ વિધાનસભામાં કોઈ પ્રશ્ન ઉઠાવવાની છૂટ નથી. અમે 26 સીટો પર આમઆદમી પાર્ટીના ઉમેદવારોને ઉભા રાખીશું.”
હાલમાં જ બન્યા ધારાસભ્ય અને હવે બનવું છે સાંસદ
આ જ જાહેર સભામાં ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી હતી.
ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું, “પાર્ટી અને સંગઠન મને કહે એટલે હું ભલે સાત ટમથી જીતતા મનસુખ વસાવા હોઈ કે અન્ય કોઈ સામે આવે હું જીતીને બતાવીસ. પરંતુ જો મને ટિકિટ મળી તો ભરૂચ લોકસભાની સાત વિધાનસભાઓમાં ફરીને જનતાની સહમતીથી ચૂંટણી લડીશ.”
વિધાનસભા ચૂંટણીમાં 181માંથી 128 ઉમેદવારોની ડિપોઝીટ થઇ હતી જપ્ત
આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને બતાવી દેવાની વાત કરનાર ઈસુદાનને કદાચ એક વર્ષથી પણ ઓછા સમય પહેલા ગયેલ ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ યાદ નહીં હોય. નહિ તો તેઓ આવી વાત ન કરતા.
ડિસેમ્બર 2022માં આવેલ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામમાં આમ આદમી પાર્ટીની કફોડી હાલત થઇ હતી. આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 5 સીટ જીતી હતી અને 13 ટકા મત પ્રાપ્ત કર્યા હતા. આ સાથે જ આમ આદમી પાર્ટીએ 181 ઉમેદવારોમાંથી 128 એવા રહ્યા જેમને પોતાના ડિપોઝીટ ખોઈ દીધી હતી. માત્ર એક સીટ ડેડિયાપાડા 149 પર આપનો 50 ટકાથી વધારે વોટ શેર રહ્યો હતો.
આમ આદમી પાર્ટીએ આખા ગુજરાતમાં જે પ્રમાણે રેલીઓ યોજીને જે વાતાવરણ ઉભું કર્યું હતું, અને સત્તા સ્થાપવાના મોટા મોટા દાવાઓ કરવામાં આવ્યાં હતા તે પોકળ સાબિત થયા હતા. પરંતુ હવે એકવાર ફરીથી આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ 2024 લોકસભા ચૂંટણી પહેલા એ જ પ્રકારના દાવાઓ કરવાનું શરૂ કરી દીધું છે.
ચૂંટણીમાં પરિણામ શું આવશે એ તો સમય જ બતાવશે, પરંતુ હમણાં સુધી એક વાત તો સ્પષ્ટ થઇ ચુકી છે કે ગુજરાત અને ગુજરાતીઓએ આમ આદમી પાર્ટી અને તેમના દાવાઓમાં કોઈ ખાસ રસ દાખવ્યો નથી.
વિધાનસભા ચૂંટણીન પહેલા કહ્યું હતું `અમે જીતી રહ્યા છીએ, અને BJPને જનતા જવાબ આપશે`
2022ની વિધાનસભા ચૂંટણી પહેલા એક મીડિયા સાથેની વાતચીતમાં તે વખતના AAPના મુખ્યમંત્રીના ઉમેદવાર, ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે તેઓ ગુજરાત જીતીને સરકાર બનાવવાના છે અને ભાજપને બહારનો રસ્તો બતાવવાના છે.
ચોંકાવનારી વાત એ છે કે જયારે પત્રકારે તેમને પૂછ્યું કે એવી 5 બેઠકોના નામ આપો જેના પાર આપિ જીતી શકે છે, ત્યારે તેમણે અંબાલિયા, સોમનાથ, માનગઢ, દ્વારકા, જામનગર ગ્રામ્ય, રાજકોટ રૂરલ, મોરબી, કચ્છમાં માંડવી બેઠકોના નામ આપ્યા હતા. પરંતુ નીચાજોણું ત્યારે થયું જયારે પરિણામમાં આમાંથી એક પણ બેઠક AAP જીતી શકી નહોતી.