Thursday, July 18, 2024
More
  હોમપેજમંતવ્યભાજપની લહેર વચ્ચે પણ 13 ટકા લોકોએ પકડ્યું ઝાડુ, કોણ હોય શકે...

  ભાજપની લહેર વચ્ચે પણ 13 ટકા લોકોએ પકડ્યું ઝાડુ, કોણ હોય શકે આ મતદારો? 2027માં હજુ સારા પ્રદર્શનના AAPના દાવામાં કેટલું સત્ય?- વિશ્લેષણ

  ગુજરાત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 12.92 ટકા એટલે કે લગભગ 13 ટકા જેટલા મતો મળ્યા. જેથી એક પ્રશ્ન એ પણ ચર્ચાઈ રહ્યો છે કે આ મતદારો કોણ હોય શકે છે? 

  - Advertisement -

  ગઈકાલે ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આવ્યાં. ભારતીય જનતા પાર્ટીની જીતનાં અનુમાન તો લગાવવામાં આવી રહ્યાં હતાં અને માહોલ જોતાં લગભગ નક્કી જ હતું કે ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણી જીતી રહી છે. પરંતુ આટલી ભવ્ય બહુમતીથી અને ઐતિહાસિક વિજય મેળવશે એ બાબત ઓછી ચર્ચાઈ રહી હતી. બીજી તરફ, કોંગ્રેસ 77 પરથી 17 પર આવી ગઈ. આમ આદમી પાર્ટી પાસે તો ગુમાવવાનું પણ કંઈ ન હતું, પણ જે રીતે માહોલ બનાવ્યો હતો એવું પ્રદર્શન કરી ન શકી. આ ચૂંટણીમાં AAPને માત્ર 5 બેઠકો મળી.

  જોકે, આમ આદમી પાર્ટીના નેતાઓએ પોતાના સમર્થકોને ખુશ થવાનું એક કારણ શોધી આપ્યું છે. એ એવું છે કે તેઓ રાષ્ટ્રીય પાર્ટી બની ગયા છે. કોઈ પણ પાર્ટીને નેશનલ પાર્ટીનો દરજ્જો મેળવવા માટે ચાર રાજ્યમાં 6 ટકાથી વધુ મતો મળ્યા હોવા જોઈએ એવો આપણે ત્યાં નિયમ છે. આમ આદમી પાર્ટીને દિલ્હી, પંજાબ અને ગોવા બાદ ગુજરાતમાં 6 ટકાથી મતો મળ્યા તેની સાથે તે નેશનલ પાર્ટી બની ગઈ. 

  આમ આદમી પાર્ટીને આ ચૂંટણીમાં 5 બેઠકો મળી છે. જેમાંથી 4 સૌરાષ્ટ્ર અને 1 મધ્ય ગુજરાતમાંથી મળી છે. બાકીની તમામ બેઠકો પર તેમના ઉમેદવારો હાર્યા, 128 બેઠકો પર તો એટલી ખરાબ રીતે હાર્યા કે ડિપોઝીટ ગુમાવવી પડી. પાર્ટીના મોટા ચહેરાઓ ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા- એકેય ન જીતી શક્યા. 

  - Advertisement -

  જોકે, તેમ છતાં આમ આદમી પાર્ટીને 12.92 ટકા એટલે કે લગભગ 13 ટકા જેટલા મતો મળ્યા. જેથી એક પ્રશ્ન એ પણ ચર્ચાઈ રહ્યો છે કે આ મતદારો કોણ હોય શકે છે? 

  આ ચૂંટણીમાં ત્રણ પ્રકારના મતદારો હતા. પહેલા મતદારો એવા જેઓ ભાજપના સમર્થિત મતદારો, જેઓ કોઈ પણ ચૂંટણી હોય, ઉમેદવાર કોઈ પણ હોય મત ભાજપને જ આપે છે. આવા મતદારોનો ગુજરાતમાં એક બહુ મોટો વર્ગ છે. બીજો એક વર્ગ એવો છે જેઓ કોંગ્રેસ સમર્થક મતદારો છે. જેઓ પણ કોઈ પણ સંજોગોમાં કોંગ્રેસ ને જ મત આપે છે. જોકે, આવા લોકોની સંખ્યા ધીમે-ધીમે ઘટી રહી છે. પરંતુ ત્રીજા વર્ગના મતદારો એવા હોય છે જેઓ ચોક્કસ હોતા નથી અને ઘણાં પાસાં વિચારીને મતદાન કરે છે. આમ આદમી પાર્ટીને આટલા વોટશેર મેળવવામાં આવા મતદારોની ઘણી મદદ મળી. 

  આમ આદમી પાર્ટીને કોના મતો મળ્યા હોય શકે? 

  આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયા પર માહોલ બનાવી દીધો હતો, જેના કારણે વિશેષ કરીને યુવાવર્ગ પર થોડીઘણી અસર થઇ હતી. ઉપરાંત, આમ આદમી પાર્ટીએ તથાકથિત યુવા ક્રાંતિકારીઓનો પણ હાથ પકડ્યો હતો અને જેના કારણે પણ યુવાનોનું થોડુંઘણું સમર્થન મળ્યું હતું. જેથી પહેલી વખત મતદાન કરનારાઓ અને યુવાનોમાંથી કેટલાક મતો આમ આદમી પાર્ટી તરફ ગયા. 

  આ ઉપરાંત, આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં આવીને મફતની યોજનાઓ અને લાભો આપવાનો બહુ પ્રચાર કર્યો. વીજળી, પાણી, બધું જ મફત કરી દેવાની જાહેરાતોના કારણે ખાસ કરીને ગરીબ વર્ગ અને અંતરિયાળ ગામડાંઓમાં રહેતા અને આ બધી દુનિયાથી અળગા રહેતા લોકોએ પણ પાર્ટી પર વિશ્વાસ મૂકી થોડુંઘણું મતદાન કર્યું. 

  કર્મચારી વર્ગના પણ મતો મળ્યા હોય શકે

  ઉપરાંત, ગુજરાતમાં કર્મચારીઓનો એક મોટો વર્ગ છે, જે પોતપોતાનાં કારણોને લીધે સરકારવિરોધી છે. અને કર્મચારી વર્ગમાં આ સરકારવિરોધી વાતાવરણ આજથી જ નહીં પરંતુ નરેન્દ્ર મોદી હતા ત્યારે પણ હતું. જોકે, વસ્તીના પ્રમાણમાં મતો બહુ ઓછા હોવાના કારણે સરકારને ખાસ ફેર પડતો નથી, પરંતુ આમ આદમી પાર્ટીને પડ્યો છે. ખાસ કરીને ચૂંટણી પહેલાં ચાલેલાં આંદોલનોમાં આમ આદમી પાર્ટી જે રીતે આગળ પડતી રહી હતી તેને જોતાં આ વર્ગના પણ મતો મળ્યા હશે એ શક્યતાઓ નકારી શકાય નહીં.

  મુસ્લિમ મતોનું પણ સમર્થન

  આમ આદમી પાર્ટીને મુસ્લિમ મતોનું પણ સારું એવું સમર્થન મળ્યું હોય શકે. મતદાનના થોડા દિવસો પહેલાં જ અમદાવાદમાં એક ‘મુસ્લિમ ફાઇટર્સ ક્લબ’ દ્વારા એક સભાનું આયોજન કરી આમ આદમી પાર્ટીના સમર્થનમાં મતદાન કરવાની અપીલ કરવામાં આવી હતી, જે મામલો પણ ખાસ્સો ચર્ચામાં રહ્યો હતો. જોકે, મુસ્લિમ મતદારો કોંગ્રેસ સમર્થક રહ્યા છે, પરંતુ કોંગ્રેસની નિષ્ક્રિયતાએ તેમને આમ આદમી પાર્ટી તરફ શિફ્ટ કર્યા હોય તેમ બની શકે. 

  ઉપર ઉલ્લેખ કર્યો તે પ્રમાણે, ત્રીજા પ્રકારના મતદારોમાંથી પણ ઘણાએ ભાજપનું કામ જોઈને તેમની ઉપર પસંદગી ઉતારી અને એ પરિણામોમાં જોઈ શકાય છે. ત્યારબાદ બાકીના સરકારથી અસંતુષ્ટ મતદારોના મતો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાં વહેંચાઈ ગયા. જેથી, કોંગ્રેસની નિષ્ક્રિયતાનો પણ થોડોઘણો લાભ આમ આદમી પાર્ટીને મળ્યો અને તેઓ 12 ટકા વોટશેર સુધી પહોંચ્યા. 

  જોકે, આમ આદમી પાર્ટી બહુ મોટો ફેર ન પાડી શકી તેનું કારણ એ છે કે તેના મતો વહેંચાઈ ગયા. પહેલેથી જ ઓછા મતો વહેંચાઈ જવાના કારણે પાર્ટી વધુ બેઠકો પણ ન મેળવી શકી. કારણ કે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટની નીચે કચ્છમાં બેઠેલો વ્યક્તિ પણ કૉમેન્ટ કરે છે અને વલસાડમાં બેઠેલો પણ. પરંતુ કોઈ એક બેઠક જીતવા માટે તમારે એક સ્થળે, એકસાથે એટલા મતો જોઈએ, જે આમ આદમી પાર્ટી પાસે ન હતા. ઉપરાંત, જેઓ સોશિયલ મીડિયા પર આવીને સમર્થન કરે તેઓ પણ મતદાન કરે જ એ પણ જરૂરી નથી. 

  2027માં આમ આદમી પાર્ટી હજુ સારું પ્રદર્શન કરશે? 

  જોકે, પહેલી જ વખત 182 બેઠકો પર ચૂંટણી લડીને 12 ટકા વોટશેર મળ્યા બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ અને સમર્થકોનો એક દાવો એવો પણ છે કે વર્ષ 2027માં તેઓ હજુ સારું પ્રદર્શન કરશે અને અમુક દાવા ત્યાં સુધી પણ થાય છે કે તેઓ ભાજપને સત્તા પરથી હટાવી શકે છે. પરંતુ આ દાવાઓ પાયાવિહોણા છે. 

  કારણ કે રાજકરણમાં પાંચ વર્ષ એ પણ બહુ મોટો સમયગાળો કહેવાય છે. આ પાંચ વર્ષ દરમિયાન ભાજપ સરકાર ઘોષણાપત્રનાં વચનોને વળગી રહે, કોઈ વિવાદમાં આવ્યા વગર સરકાર ચાલે તો પાંચ વર્ષ પછી મત આપવા જતો મતદાર શા માટે કોઈ બીજો વિકલ્પ પસંદ કરે? ઉપરાંત, ત્યાં સુધીમાં ભાજપ પણ હજુ મજબૂત થશે, જેનો લાભ પણ ચૂંટણીમાં મળશે. 

  બીજી તરફ, આમ આદમી પાર્ટીએ હજુ સંગઠનમાં ઘણી મહેનત કરવી પડે તેમ છે અને બીજી તરફ આ ચૂંટણીમાં નિરાશાનજક પ્રદર્શન બાદ કાર્યકર્તાઓમાં ઉત્સાહ ઓસરી જાય અને તેઓ મહેનત કરવા જ નીકળે એમ પણ બની શકે. શક્યતાઓ અનેક છે, સમય પણ ઘણો છે. પરંતુ આ પરિણામો ઉપરથી એક વાત બહુ સ્પષ્ટ થઇ ગઈ છે- આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ- આ બેમાંથી વિપક્ષ કોણ રહેશે તેને લઈને ચર્ચા હોય શકે, પણ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાંથી હટાવવી હાલની સ્થિતિએ આ બંને પાર્ટીઓ માટે કોઈ કાળે શક્ય જણાતું નથી.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં