શુક્રવારની મોદી સાંજે ગુજરાતભરની 17 જેલમાં અચાનક જ ગુજરાત પોલીસના 1700 કર્મચારીઓ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. છેલ્લી માહિતી મુજબ ક્યાંક ક્યાંક તપાસ હજુ પણ ચાલુ જ છે. અહેવાલો મુજબ ઘણી જેલોમાંથી ગાંજો, તમાકુ, મોબાઈલ ફોન વગેરે મળી આવ્યા છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોતે આ કાર્યવાહી પર નજર રાખી રહેલા છે.
અહેવાલો મુજબ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી અને તેમના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર પોલીસ ભવન સ્થિત ડીજીપી ઓફિસ ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠક બાદ રાજ્યની 17 જેલોમાં ગુજરાત પોલીસના 1700 જેટલા અધિકારી- કર્મચારીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડાઓને વિડિયો કોન્ફરન્સથી જોડીને જિલ્લાના પોલીસ વડાની આગેવાનીમાં પોલીસ ટુકડીઓ તૈયાર કરી તમામ જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવા સૂચના આપવામાં આવી હતી.
નોંધનીય છે કે આ આખી કાર્યવાહીના તાર ઉત્તર પ્રદેશના ગેંગસ્ટર અતિક અહેમદ સાથે જોડાયેલા છે. તાજેતરમાં જ અમદાવાદની સાબરમતી હાઈ સિક્યોરિટી જેલમાં બંધ અતિકે વોટ્સએપ કોલ દ્વારા પોતાના માણસો સાથે વાત કરીને ઉત્તર પ્રદેશમાં એક હત્યા કરાવી હતી , જે મામલો ખુબ ચર્ચાયો હતો. જે બાદ આ કાર્યવાહી કરવામાં એવી છે.
17 જેલોમાં 1700 કર્મચારીઓ દ્વારા દરોડા
મળતી માહિતી અનુસાર અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ, વડોદરાની સેન્ટ્રલ જેલ, સુરતની લાજપોર જેલ અને રાજકોટની જેલ સહિત રાજ્યની કુલ 17 જેલોમાં પોલીસના દરોડા પાડવામાં આવ્યા છે. જેલ વિભાગને સાથે રાખીને રાજ્યમાં સૌપ્રથમ વખત જેલો ઉપર ઓપરેશન હાથ ધરાયું છે.
અમદાવાદની સાબરમતી જેલમાં અકરમ અબ્દુલ અઝીઝ શેખ પાસે ગાંજો ઝડપાયો
આ ઓપરેશન દરમિયાન અમદાવાદ સાબરમતી જેલમાં સવારના 7 વાગ્યા સુધી તપાસ ચાલી હતી. તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર કાર્યવાહીનો રિપોર્ટ તૈયાર કરીને ગૃહ વિભાગને મોકલાયો હતો.
શરૂઆતમાં અહેવાલો મળ્યા હતા કે સાબરમતી જેલમાંથી એક મોબાઈલ ફોન મળી આવ્યો છે, પરંતુ બાદમાં અધિકારીઓ દ્વારા આ અહેવાલને નકારી કાઢવામાં આવ્યો હતો.
અમદાવાદઃ સાબરમતી જેલમાંથી ગાંજો મળ્યો
— News18Gujarati (@News18Guj) March 25, 2023
અકરમ અબ્દુલ અઝીઝ શેખ પાસે ગાંજો ઝડપાયો
રાજ્યમાં 26 જેટલા મોબાઈલ મળ્યા#Gujarat #news18gujaratino1 #Ahmedabad #JailRaid pic.twitter.com/pz7fPWBSjk
આ સિવાય અહિયાંથી તમાકુની પડીકીઓ ઉપરાંત સિગરેટ પણ મળી આવેલ છે. જેલમાંથી અલગ- અલગ બેરેકમાંથી ગાંજા જેવા પ્રદાર્થની પડિકીઓ મળી આવી છે. એફ.એસ.એલ પરીક્ષણ બાદ કયો પ્રદાર્થ છે એ જાણી શકાશે.
નડીયાદની બિલોદરા જેલમાંથી મળ્યા 2 મોબાઈલ
આ કાર્યવાહી અંતર્ગત નડિયાદની જિલ્લા જેલ બિલોદરા જેલમાં પણ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું. જેમાં પોલીસના સર્ચ ઓપરેશન દરમિયાન 2 સ્માર્ટફોન જેલમાંથી મળી આવતા ચકચાર મચી છે.
આ ઉપરાંત અહીંથી બે સીમકાર્ડ પણ મળ્યા હતા. જેને લઇને પોલીસે ગુનો નોંધવાની કામગીરી હાથ ધરી હતી. હાલ તો બિલોદરા જેલમાં થી સ્માર્ટ ફોન મળી આવતા નડિયાદ રૂરલ પોલીસ આ અંગે તપાસ હાથ ધરનાર હોવાનુ જાણવા મળી રહ્યું છે.
ભરૂચ સબ જેલમાંથી મળ્યો મોબાઈલ
આ સર્ચ ઓપરેશન અંતર્ગત ભરૂચ સબ જેલમાં તપાસ દરમિયાન મોબાઈલ ફોન મળી આવ્યો હતો. ભરૂચ જેલ ભૂતકાળમાં અનેકવાર મોબાઈલ ફોનના ઉપયોગને લઈ વિવાદોમાં રહી છે. સરપ્રાઈઝ ચેકીંગ દરમિયાન મોબાઈલ ફોન મળી આવ્યો છે.
ગતરાતે SP ડો. લીના પાટીલ ઉપરાંત SOG અને LCB ની ટીમોએ જેલમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ. ભરૂચ પોલીસનું સર્ચને લઈ હજુ કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યુ નથી.
વડોદરા જેલમાંથી વિમલ અને તમાકુ મળી આવ્યા
વડોદરા જેલમાં સવારે 7 વાગ્યા સુધી સર્ચ ઓપરેશન ચાલ્યુ હતુ. બે ઉચ્ચ અધિકારીઓની ટિમ વહેલી સવારે સર્ચ પૂરું કરી બહાર આવી. મહિલા કેદી સહિત 1700 કેદીઓની તપાસ કરવામાં આવી હતી. વડોદરા સેન્ટ્રલ જેલમાંથી કોઈ ગંભીર પ્રકારની ચીજ વસ્તુઓ મળી નથી.
જો કે ત્રણ વિમલ ગુટખા પડીકી, છૂટી તમાકુ અને બીડી બનાવવા માટેના સૂકા પાંદડા મળી આવ્યા છે. મળી આવેલ તમામ જથ્થાનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો. આ પહેલા વડોદરા જેલમાંથી મોબાઈલ મળી આવવાના અહેવાલ ફરતા થયા હતા જેને બાદમાં અધિકારીઓએ ખોટા ગણાવ્યા હતા.