Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટPMO અધિકારી હોવાનું કહીને રિનોવેશનના નામે પચાવી પાડ્યો હતો બંગલો: અમદાવાદમાં ઠગ...

    PMO અધિકારી હોવાનું કહીને રિનોવેશનના નામે પચાવી પાડ્યો હતો બંગલો: અમદાવાદમાં ઠગ કિરણ પટેલ અને પત્ની સામે ગુનો દાખલ, કાશ્મીરથી અમદાવાદ લાવવાની તૈયારી

    તેને ટ્રાન્સફર વોરન્ટથી અમદાવાદ લાવવામાં આવશે અને ત્યારબાદ તેની સામેના અન્ય છેતરપિંડીના ગુનાઓ હશે તો તેમાં પણ તપાસ કરવામાં આવશે: પોલીસ

    - Advertisement -

    પીએમઓ અધિકારી હોવાની ઓળખ આપીને કાશ્મીરમાં મોજ માણી આવેલો મૂળ ગુજરાતનો ઠગ કિરણ પટેલ હાલ ત્યાંની જેલમાં બંધ છે. બીજી બાજુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કિરણ અને તેની પત્ની સામે એક નવો કેસ દાખલ કર્યો છે અને તેને અમદાવાદ લાવવાની તૈયારી ચાલી રહી છે. 

    દિવ્ય ભાસ્કરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ચૈત્યન માંગલિકને ટાંકીને જણાવ્યું કે, કિરણ પટેલ સામે તાજેતરમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને જેને લઈને તેને અમદાવાદ લાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેને ટ્રાન્સફર વોરન્ટથી અમદાવાદ લાવવામાં આવશે અને ત્યારબાદ તેની સામેના અન્ય છેતરપિંડીના ગુનાઓ હશે તો તેમાં પણ તપાસ કરવામાં આવશે. 

    કિરણ પટેલે ભાજપ ધારાસભ્ય જગદીશ ચાવડાના ભાઈ જવાહર ચાવડા સાથે ઘર રિનોવેટ કરવાના નામે 15 કરોડની છેતરપિંડી કરી હોવાનો આરોપ લાગ્યો છે અને જે મામલે જ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 63 વર્ષીય જગદીશ ચાવડાએ આ ફરિયાદ દાખલ કરાવી હતી અને જણાવ્યું કે કિરણે તેમને PMOના અધિકારીની ઓળખ આપીને ઠગાઈ કરી હતી. 

    - Advertisement -

    તેમણે જણાવ્યું કે, તેઓ શીલજ વિસ્તારના નીલકંઠ ગ્રીન બંગ્લોઝમાં રહેતા હતા અને જ્યાંથી અન્યત્ર રહેવા જવાનું વિચારી રહ્યા હતા. ખરીદદાર શોધતી વખતે તેમનો સંપર્ક કિરણ પટેલ સાથે થયો હતો, જેણે જગદીશ ચાવડાની પત્નીને કહ્યું હતું કે તે સંપત્તિની લે-વેચ કરે છે. પછીથી તે ઘર જોવા પણ ગયો હતો અને કહ્યું હતું કે, તેમાં રીનોવેશનની જરૂર છે અને જો તેમ કરવામાં આવે તો કિંમત વધી જશે. તેણે આ માત્ર 30થી 35 લાખનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. 

    ફેબ્રુઆરી 2022માં કિરણ, તેની પત્ની અને એક ઇન્ટિરિયર ડિઝાઈનર જગદીશ ચાવડાના ઘરે ગયા હતા અને જણાવ્યું હતું કે ઘરના રીનોવેશન માટે 10 મહિનાનો સમય લાગશે. જેથી ફરિયાદી તેમના પરિવાર સાથે અન્ય જગ્યાએ શિફ્ટ થઇ ગયા હતા અને રિનોવેશન માટે કિરણને હપ્તેથી 35 લાખ ચૂકવ્યા હતા. 

    દરમ્યાન, જગદીશ ચાવડા કોઈક કામે જૂનાગઢ ગયા હતા અને જ્યાંથી પરત ફરતી વખતે તેમણે ઘરની બહાર કિરણના નામની નેમપ્લેટ જોઈ હતી. ત્યારબાદ તેમને જાણવા મળ્યું કે કિરણ અને તેની પત્ની માલિનીએ ઘરનું વાસ્તુ પણ કરી નાંખ્યું હતું. જ્યારે તેમણે કિરણને પૂછ્યું તો તેણે જણાવ્યું કે તે આ ઘર ખરીદવા માંગે છે પરંતુ તે એક અદાણીના પ્રોજેક્ટ માટે કામ કરી રહ્યો છે અને જેનું પેમેન્ટ આવ્યા બાદ તેમને કિંમત ચૂકવી દેશે. 

    જગદીશ ચાવડાએ જઈને જોતાં ઘરમાં અમુક કામ બાકી હોવાનું ધ્યાને આવ્યું હતું. ત્યારબાદ તેઓ ફરીથી શીલજના ઘરે શિફ્ટ થઇ ગયા હતા. ત્યારબાદ ઓગસ્ટ 2022માં તેમને અમદાવાદ ગ્રામ્ય જિલ્લા કોર્ટ તરફથી એક નોટિસ પણ મળી હતી, જ્યાં કિરણે બંગલાની માલિકી માટેનો દાવો કર્યો હતો. 

    તેમની ફરિયાદના આધારે કિરણ પટેલ અને તેની પત્ની સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે IPCની કલમ 406 (વિશ્વાસ ભંગ), 420 (છેતરપિંડી), 170 (લોકસેવક તરીકે ખોટી ઓળખ ઉભી કરવી) અને 120B (ગુનાહિત ષડ્યંત્ર) હેઠળ કેસ દાખલ કર્યો છે. 

    કિરણ પટેલની પત્ની માલિની બંને દીકરીઓને લઈને ઘર છોડીને ફરાર થઇ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. જોકે, પોલીસે જણાવ્યું છે કે તેઓ તેની પણ ધરપકડ કરી લેશે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં