અત્યારસુધીમાં જે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ છે તેમાં એકંદરે ભાજપનું સફળ પ્રદર્શન જોવા મળ્યું છે. હવે આગામી વર્ષે થનારી લોકસભા ચૂંટણીમાં પણ પીએમ મોદી (PM Narendra Modi)ના નેતૃત્વમાં ભાજપ ફરી સત્તારૂઢ બને તેવા સંકેત છે. વિવિધ પોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા યથાવત છે. વિપક્ષ અને ખાસ કરીને કોંગ્રેસ સત્તામાં આવવાના મરણિયા પ્રયાસો કરી રહી છે. વિપક્ષ નેતાઓએ પહેલાંથી જ હાર માની લેતાં અત્યારથી EVMના રોદણાં રોવાનું શરુ કર્યું છે. NCP પ્રમુખ શરદ પવારે EVM પર ચર્ચા માટે ખાસ બેઠક બોલાવી છે.
NCP પ્રમુખ શરદ પવારે આજે 23 માર્ચના રોજ વિપક્ષી નેતાઓની બેઠક બોલાવી છે. આ બેઠક તેમના નિવાસસ્થાન પર સાંજે 6 વાગ્યે યોજાવાની છે. એવામાં રાજ્યસભામાં વિપક્ષી દળોના ફ્લોર નેતા સામેલ થવાના છે. અહીં મમતા બેનરજી ઉપરાંત ત્રીજા મોરચાનો પણ ગેમ પ્લાન બનવાની શક્યતા છે.
An important meeting of Opposition leaders will be held at the residence of NCP leader Sharad Pawar residence in Delhi on Thursday, 23rd March. The Floor Leaders of the opposition parties in Rajya Sabha have been invited to the meeting.
— ANI (@ANI) March 22, 2023
શરદ પવારે કહ્યું કે આ બેઠકમાં તેમણે એ તમામ નેતાઓને પત્ર લખીને બોલાવ્યા છે, જેમણે EVM અંગે શંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, આ બેઠક નિષ્પક્ષ અને સ્વતંત્ર ચૂંટણી કરાવવાને લઈને બોલાવવામાં આવી છે. બેઠકમાં આઈટી પ્રોફેશનલ અને ક્રિપ્ટોગ્રાફરોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. તેમનો પણ મત લેવામાં આવશે.
પત્રમાં નિષ્ણાતોનો હવાલો આપતાં પવારે કહ્યું કે, ચિપવાળી કોઈપણ મશીનને હૅક કરી શકાય છે. એવામાં લોકશાહીને અનૈતિક તત્વો દ્વારા બંધક બનાવવાની મંજૂરી આપી શકાય નહીં. તેથી સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીના હિતમાં એકસાથે બેસીને આઈટી પ્રોફેશનલ્સ અને ક્રિપ્ટોગ્રાફર એક્સપર્ટના મંતવ્યો સાંભળીએ.
પવારે ઉમેર્યું કે, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) એકદમ ભૂલરહિત હોય તે અનિવાર્ય છે. તેની અસરકારકતા અંગે કોઈ શંકા ન રહેવી જોઈએ અને તેમ હોય તો મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા તે સ્પષ્ટપણે અસ્વીકાર્ય હોવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, સિવિલ સોસાયટીએ મે 2022માં ચૂંટણી કમિશનરને એક પત્ર અને બે અઠવાડિયા પછી પાછું રિમાઈન્ડર (પરિશિષ્ટ 3) સબમિટ કર્યું હતું. ECI એ તેનો સ્વીકાર પણ કર્યો ન હતો.