જાપાનના વડાપ્રધાન ફૂમીયો કિશીદા હાલ ભારતના પ્રવાસે આવ્યા છે. આજે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા. બંને નેતાઓએ દિલ્હીના બુદ્ધ જયંતિ પાર્કની મુલાકાત લીધી હતી, જ્યાં પીએમ મોદી અને જાપાન પીએમ કિશીદાએ પાણીપુરી સહિતનાં વ્યંજનોનો સ્વાદ પણ માણ્યો હતો.
ન્યૂઝ એજન્સી ANIએ પીએમ મોદી અને જાપાનીઝ પીએમ ફૂમીયો કિશીદાનો ટૂંકો વિડીયો શૅર કર્યો હતો. આ વિડીયો તેમની દિલ્હી સ્થિત બુદ્ધ જયંતિ પાર્કની મુલાકાત વખતેનો છે.
#WATCH | Prime Minister Narendra Modi and Japanese PM Fumio Kishida visit Buddha Jayanti Park in Delhi. The Japanese PM also tried Gol Gappe, Lassi and Aam Panna here.
— ANI (@ANI) March 20, 2023
(Source: DD News) pic.twitter.com/sC3khaR31v
વિડીયોમાં બંને નેતાઓ કાચી કેરીનું શરબત, પાણીપુરી અને લસ્સીનો સ્વાદ માણતા જોવા મળે છે. દરમ્યાન, વીડિયોમાં જાપાન પીએમ અને પીએમ મોદી લસ્સી બનાવતા પણ નજરે પડે છે. પછીથી બંને નેતાઓ પાણીપુરી પણ માણે છે.
પીએમ મોદીએ પણ તેમની આ તસ્વીરો પોતાના ટ્વિટર અકાઉન્ટ પરથી શૅર કરી હતી. તેમણે લખ્યું, ‘મારા મિત્ર પીએમ કિશીદાએ પાણીપુરી સહિતનાં ભારતીય વ્યંજનો માણ્યાં.’
My friend PM @kishida230 enjoyed Indian snacks including Golgappas. pic.twitter.com/rXtQQdD7Ki
— Narendra Modi (@narendramodi) March 20, 2023
પીએમ મોદી અને પીએમ ફૂમીયો કિશીદાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે તો ઘણા યુઝરો પીએમ મોદીની આ ‘ગોલગપ્પા ડિપ્લોમસી’ની પ્રશંસા પણ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે મોદી પીએમ બન્યા ત્યારથી ભારત પ્રવાસે આવનાર વિવિધ દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને તેઓ દેશનાં વિવિધ સાંસ્કૃતિક-ઐતિહાસિક મહત્વ ધરાવતાં સ્થળોએ મુલાકાતે લઇ જતા રહ્યા છે તો ભોજન દરમિયાન તેમને વિવિધ ભારતીય વ્યંજનો પણ પીરસવામાં આવે છે.
બે દિવસના ભારતના પ્રવાસે છે જાપાન પીએમ કિશીદા
ફૂમીયો કિશીદા સોમવારે સવારે નવી દિલ્હી આવી પહોંચ્યા હતા. તેઓ બે દિવસ માટે ભારતની યાત્રાએ છે. ભારત આવીને તેઓ રાજઘાટ મોહનદાસ ગાંધીની સમાધિના દર્શને ગયા હતા. ત્યારબાદ તેમણે દિલ્હીમાં વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી.
બંને દેશોના વડાપ્રધાનોએ દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે દ્વિપક્ષીય બેઠકો યોજી હતી. જેમાં જાપાનીઝ પીએમ કિશીદાએ મે મહિનામાં જાપાનના હિરોશિમામાં યોજાનાર G7 મિટિંગ માટે ઔપચારિક આમંત્રણ આપ્યું હતું. આ ઉપરાંત, બંને દેશોના વડાએ G20 વિશે પણ ચર્ચા કરી હતી. નોંધનીય છે કે આ વર્ષ માટે G20ની અધ્યક્ષતા ભારત કરી રહ્યું છે.
પીએમ મોદીએ ફૂમીયો કિશીદાને ભારતમાં આવકારતાં કહ્યું કે, ગયા એક વર્ષમાં તેઓ બંને અનેક વખત મળ્યા છે અને દરેક મુલાકાત વખતે તેમણે ફૂમીયો કિશીદાની અંદર ભારત-જાપાન દ્વિપક્ષીય સંબંધોને લઈને એક સકારાત્મકતા અને સમર્પણ જોયાં છે. પીએમ મોદીએ ઉમેર્યું કે, જાપાન પીએમની ભારત મુલાકાત બંને દેશોના સબંધો વધુ ગાઢ બનાવશે.
વડાપ્રધાને કહ્યું કે તેમણે પીએમ કિશીદાને ભારતની G20 અધ્યક્ષતા વિશે વિગતવાર માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે G20 અધ્યક્ષતાનો મૂળ ઉદ્દેશ્ય ગ્લોબલ સાઉથની પ્રાથમિકતાઓને અવાજ આપવાનો છે, જે સંસ્કૃતિ વસુધૈવ કુટુંમ્બકમમાં વિશ્વાસ ધરાવે છે.