તમિલનાડુના એક ચર્ચના પાદરીની યૌન શોષણના આરોપમાં ધરપકડ કરી લેવામાં આવી છે. તેની ઓળખ બેનેડિક્ટ એન્ટો તરીકે થઇ છે. થોડા દિવસો પહેલાં તેના મહિલાઓ સાથેના આપત્તિજનક ફોટા-વિડીયો વાયરલ થઇ ગયા હતાં, ત્યારથી તે ફરાર હતો. આખરે સોમવારે સવારે તેની ધરપકડ કરવામાં આવી હતી.
Kanyakumari | Special Police arrested a church priest Benedict Anto after his alleged obscene photos and videos with women emerged on social media: Tamil Nadu police pic.twitter.com/GLKOlRi74f
— ANI (@ANI) March 20, 2023
છેલ્લા એક અઠવાડિયાથી પાદરી બેનેડિક્ટના આપત્તિજનક ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા હતા. આ તસ્વીરો અને વિડીયો કોઈકે તેના લેપટોપમાંથી મેળવી લીધા હતા અને ત્યારબાદ ઓનલાઇન પોસ્ટ કરી દીધા હતા. આ ફોટા-વિડીયોમાં પાદરી વિવિધ મહિલાઓ સાથે આપત્તિજનક સ્થિતિઓમાં જોવા મળ્યો હતો. જે વાયરલ થયા બાદ એક મહિલાએ તેની સામે યૌન શોષણની ફરિયાદ પણ કરી હતી.
નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીએ પોલીસ ફરિયાદ કરી
બે દિવસ પહેલાં કન્યાકુમારી જિલ્લા સાયબર પોલીસે એક નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીની ફરિયાદના આધારે પાદરી સામે યૌન શોષણનો એક કેસ દાખલ કર્યો હતો. યુવતીએ તેની ઉપર ઓનલાઇન હેરાન કરવાનો અને બદઇરાદે સ્પર્શ કરવાનો આરોપ લગાવ્યો હતો.
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું કે, એન્ટોએ તેનો મોબાઈલ નંબર મેળવી લીધો હતો અને તેને વિડીયો કોલ અને વોટ્સએપ ચેટ કરવા માટે દબાણ કરીને ત્રાસ આપતો હતો. જ્યારે તેને ખબર પડી કે તે અન્ય યુવતીઓને પણ હેરાન કરી રહ્યો છે તો તેણે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું હતું. જોકે, ફરિયાદ નોંધાવતાં એન્ટો અને તેની નજીકના અમુક લોકોએ તેને પણ ધમકાવી હતી. જેમનાં નામનો પણ ઉલ્લેખ યુવતીએ પોતાની ફરિયાદમાં કર્યો હતો.
યુવતીની ફરિયાદના આધારે સાયબર પોલીસે એન્ટો અને અન્ય લોકો સામે આઇટી એક્ટ, યૌન શોષણ અને ધમકી આપવા મામલે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. જોકે, કેસ દાખલ થયા બાદ પાદરી ફરાર થઇ ગયો હતો.
વિડીયો વાઇરલ કરીને બદનામ કરવાની આપતો હતો ધમકી
રિપોર્ટ અનુસાર, એન્ટો પર મહિલાઓને અશ્લીલ મેસેજ કરવાનો, તેમને બદઇરાદે સ્પર્શ કરવાનો અને ચુંબન કરવાનો આરોપ લાગ્યો છે. આમ કરીને તે મહિલાઓને તેમના આપત્તિજનક વિડીયો જારી કરવાની ધમકી આપીને ચૂપ રહેવા મજબુર કરતો હતો.
અહેવાલોમાં તેની ઉંમર 30 વર્ષ જણાવવામાં આવી છે. તે તમિલનાડુના કન્યાકુમારીના નાગરકોઇલ નજીકના માર્તંડમનો રહેવાસી છે. આ ઉપરાંત, તે વિવિધ રાજકીય જૂથો સાથે પણ સંકળાયેલો છે. તે કન્યાકુમારીના સીરો મલંકારા કેથલિક ચર્ચનો પાદરી છે. હવે આ પાદરીની યૌન શોષણના આરોપમાં ધરપકડ કરી લેવામાં આવી છે.