કાશ્મીરમાં જઈને પોતે પીએમઓનો અધિકારી હોવાનો દાવો કરનાર ઠગ કિરણ પટેલનાં ભૂતકાળનાં કારનામાં બહાર આવી રહ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઉદ્યોગપતિઓને ઉલ્લુ બનાવવા માટે તે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યો હોવાની વાતો કરો હતો. ઉપરાંત એવું પણ જાણવા મળ્યું છે કે આખા કાશ્મીર પ્રશાસનને ઠગવા માટે કિરણ પટેલે માત્ર 100 રૂપિયાનો ખર્ચ કર્યો હતો.
ટાઈમ્સ ઑફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર, કિરણ પટેલે 10 રૂપિયાની કિંમતના 10 વિઝિટિંગ કાર્ડ્સ બનાવ્યા હતા. આ કાર્ડ તેણે અમદાવાદના મણિનગરની એક પ્રિન્ટિંગ પ્રેસમાંથી સંચાલકોને ઉલ્લુ બનાવીને અને ધમકાવીને બનાવી લીધા હતા. જેમાં તેના નામ સાથે PMOના એડિશનલ સેક્રેટરીની ઓળખ આપવામાં આવી હતી.
આ કાર્ડ્સનો ઉપયોગ કિરણ પટેલે તેની કાશ્મીર યાત્રા દરમિયાન અમુક બ્યુરોક્રેટ, ભાજપના નેતાઓ અને શ્રીનગરમાં પોલીસ અધિકારીઓ સામે કર્યો હોવાનું જાણવા મળ્યું છે. તે કાર્ડ બતાવીને પરત લઇ લેતો અને બીજા વ્યક્તિ પાસે તે જ કાર્ડનો ફરી ઉપયોગ કરતો હતો.
કિરણ પટેલ સાથે અમિત પંડ્યા અને જય સીતાપરા નામના બે શખ્સ પણ કાશ્મીર ગયા હતા અને તેમણે જ પોલીસ અધિકારીઓને જાણ કરીને હોટેલ, ગાડી અને સુરક્ષા સહિતની વ્યવસ્થાઓ કરાવી હતી. એટલું જ નહીં, તે પકડાઈ ગયો તે પહેલાં તેના કાફલા સાથે મોબાઈલ સિગ્નલ જામર ન આપવા બદલ એક પોલીસ અધિકારી પર ગુસ્સે પણ થઇ ગયો હતો.
ઉદ્યોગપતિઓને પુતિન-બાયડન સાથે મુલાકાત થતી હોવાનું કહેતો
એક રિપોર્ટ અનુસાર, ઠગ કિરણ પટેલ ઉદ્યોગપતિઓને વિશ્વાસ આવે તે માટે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડન સાથે મુલાકાત કરી હોવાની વાતો કરતો. એટલું જ નહીં, આ રાષ્ટ્રાધ્યક્ષો સાથે તે બે-ત્રણ વખત મુલાકાત કરી ચૂક્યો હોવાનું અને તેમની સાથે સીધી ફોનથી વાત કરી શકે તેવું જણાવીને મોર્ફ કરેલા ફોટા પણ બતાવતો હતો.
જવાહર ચાવડાના ભાઈના બંગલામાં વાસ્તુ કર્યું હતું
કિરણ પટેલે અમદાવાદના સિંધુભવન રોડ પર સ્થિત એક બંગલામાં ગયા વર્ષે ધામધૂમથી વાસ્તુપૂજન કર્યું હતું. પરંતુ પછીથી બહાર આવ્યું હતું કે આ બંગલો પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાનો છે અને જેને લઈને તેમણે અખબારમાં એક નોટિસ આપીને ચોખવટ કરી હતી કે આ બંગલો તેમનો જ છે અને કોઈ વેચાણ કરાર કરવામાં આવ્યા નથી.
રિપોર્ટ અનુસાર, તેણે બંગલો રિનોવેટ કરવાના નામે પચાવી પાડ્યું હતું. જોકે, પછીથી જગદીશ ચાવડાએ તેને ઘરમાંથી ભગાડી મૂક્યો હતો.