શનિવારે (18 માર્ચ, 2023) સાંજે ઓરિસ્સાના જાણીતા DJ Azex ઉર્ફે અક્ષય કુમારનો મૃતદેહ સંદિગ્ધ પરિસ્થિતિઓમાંથી તેમના ઘરેથી મળી આવ્યો હતો. તેમના પરિવારે અક્ષયની ગર્લફ્રેન્ડ ઉપર બ્લેકમેલિંગ અને હત્યાનો આરોપ લગાવ્યો છે.
રિપોર્ટ્સ અનુસાર, શનિવારે સાંજે અક્ષય તેમના રૂમમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. તેમના પરિજનો તેમને કેપિટલ હોસ્પિટલમાં લઇ ગયા હતા, જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત ઘોષિત કરી દીધા હતા. જ્યાં તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જોકે, રિપોર્ટ હજુ સુધી આવ્યો ન હોવાનું જાણવા મળ્યું છે.
મૃતક DJ Azex ઉર્ફે અક્ષયના પિતાએ મીડિયાને જણાવ્યું હતું કે, ગઈકાલે (શનિવારે) સાંજે અક્ષય તેમના રૂમમાં હતા અને બહાર વરસાદ પડી રહ્યો હતો. જ્યારે પરિજનોએ ભોજન માટે તેમને બૂમો પાડી તો કોઈ જવાબ આપ્યો ન હતો. ત્યારબાદ તેમણે દરવાજો તોડીને જોયું તો અક્ષય ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.
ભુવનેશ્વરના ACPએ જણાવ્યું હતું કે, શનિવારે સવા અગિયાર વાગ્યે કેપિટલ હોસ્પિટલને અક્ષયનો મૃતદેહ મળ્યો હતો. તેમણે તેમના રૂમમાં આપઘાત કર્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.
એક ન્યૂઝ પોર્ટલ સાથેની વાતચીતમાં અક્ષયના કાકાએ જણાવ્યું કે, તેમનો એક યુવતી સાથે પ્રેમસંબંધ હતો અને તે ઘણા દિવસોથી તેમને બ્લેકમેલ કરી રહી હતી. આ યુવતી અને તેની એક મિત્ર અક્ષયનાં મોત માટે જવાબદાર હોવાનો તેમણે આરોપ લગાવ્યો હતો.
બીજી તરફ, અક્ષયના એક મિત્ર રાહુલે દાવો કર્યો કે તેના મૃત્યુ પાછળ પ્રણયત્રિકોણ જવાબદાર છે. તેણે આરોપ લગાવ્યો કે અક્ષયની ગર્લફ્રેન્ડનો અન્ય એક યુવક સાથે પણ સબંધ હતો અને તે બંને તેમને બ્લેકમેલ કરી રહ્યા હતા. તેણે કહ્યું, “તેની ગર્લફ્રેન્ડના કારણે અક્ષય છેલ્લા 15 દિવસથી માનસિક ત્રાસ ભોગવી રહ્યો હતો. મેં સલાહ આપી હોવા છતાં તેણે તેની ગર્લફ્રેન્ડને 15 હજાર રૂપિયા આપ્યા હતા. તે પ્રેમિકા માટે એક સ્કુટી ખરીદવાનું પણ વિચારી રહ્યો હતો.
તેણે આ મામલે વિગતે તપાસ કરવાની માંગ કરી અને કહ્યું કે અક્ષયને અમુક ફોટો-વિડીયોને લઈને પણ હેરાન કરવામાં આવી રહ્યો હતો.
પોલીસ અધિકારીએ આ મામલે જણાવ્યું કે, “એવું લાગી રહ્યું છે કે મૃતકે આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું છે. તેમની માટે ફરિયાદ નોંધાવી છે, જેના આધારે IPCની કલમ 306 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પરિવારના સભ્યોએ આરોપ લગાવ્યો છે કે તેમણે માનસિક ત્રાસના કારણે જીવન ટૂંકાવ્યું છે. અમારી તપાસ ચાલી રહી છે અને સત્ય જલ્દીથી જ બહાર આવશે. તપાસ દરમિયાન તમામ પાસાં ચકાસવામાં આવશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.