હાલ પંજાબની જેલમાં બંધ ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઇએ (Lawrence Bishnoi) એક્ટર સલમાન ખાનને (Salman Khan) ફરી ધમકી આપી છે. એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું કે, તેના જીવનનો એકમાત્ર મકસદ સલમાન ખાનને મારવાનો છે.
લૉરેન્સ બિશ્નોઇએ જેલમાંથી ABP ન્યૂઝને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો. જેમાં તેણે સલમાન ખાનને મારવાની વાત કરી હતી. તેણે કહ્યું કે, મારું બીજું કોઈ લક્ષ્ય નથી, એકમાત્ર લક્ષ્ય સલમાન ખાનને મારવાનું છે. તેણે એમ પણ કહ્યું કે, હાલ તે ગુંડો નથી અને સલમાન ખાનને માર્યા બાદ ગુંડા તરીકે ઓળખાશે.
લૉરેન્સે કહ્યું કે જો સલમાન ખાન માફી માંગી લે તો તે વિવાદ ખતમ કરી નાંખશે. તેણે કહ્યું, “અમારું બિશ્નોઇ સમાજનું એક મંદિર છે ત્યાં જઈને તે માફી માંગી લે કે આ સમાજની ભાવનાઓને ઠેસ પહોંચી છે અને જે કોઈ ઘટના બની તે જાણતાં-અજાણતાં થઇ છે.”
તેણે એમ પણ કહ્યું કે આ વાત તેણે પોલીસ અધિકારીઓ મારફતે સલમાન ખાન સુધી પહોંચાડી હતી પરંતુ સલમાનને પોતાનો અહંકાર નડી રહ્યો છે. બિશ્નોઇએ કહ્યું, અહંકાર રાવણનો પણ ન હતો ટક્યો..હું નહીં તો બીજું કોઈ આ અહંકાર દૂર કરશે. તેણે મામલો શરૂ કર્યો છે તો ખતમ પણ તેણે જ કરવો પડશે. આટલાં વર્ષોથી અમે રાહ જોઈ રહ્યા છીએ, હું નહીં તો મારી સાથે જોડાયેલો બીજો કોઈ વ્યક્તિ પગલાં લેશે જ.”
અગાઉ તેણે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, સલમાન ખાને કાળિયારને મારીને તેના સમાજનું અપમાન કર્યું છે. તેણે કહ્યું હતું કે, સલમાન ખાન વિરુદ્ધ અમારા સમાજમાં ગુસ્સો છે. તેણે મારા સમાજનું અપમાન કર્યું છે. તેની સામે કેસ પણ થયો હતો પણ તેણે માફી નથી માંગી. જો માફી નહીં માંગે તો તેણે પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે.
ઉલ્લેખનીય છે કે બિશ્નોઇ સમાજ કાળિયારને પોતાના આધ્યાત્મિક ગુરુ ભગવાન જમ્ભેશ્વરનો પુનર્જન્મ માને છે અને સમુદાય માટે આ પ્રાણીનું આગવું મહત્વ છે. એ જ કારણ છે કે આ સમાજ ચિંકારાની રક્ષા કરે છે.
કાળિયાર શિકાર કેસ
1998માં રાજસ્થાનના જોધપુરમાં ફિલ્મ ‘હમ સાથ-સાથ હૈ’ના શૂટિંગ દરમિયાન કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો. જેનો આરોપ સલમાન ખાન, સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે સહિત 7 લોકો સામે લાગ્યો હતો. આ કેસમાં સલમાન ખાનને પાંચ વર્ષની સજા થઇ હતી, જોકે પછીથી તેમને જામીન મળી ગયા હતા.
હાઇકોર્ટ પહોંચ્યો ઇન્ટરવ્યૂનો મામલો
લૉરેન્સ બિશ્નોઇએ જેલમાંથી ટીવી ચેનલને ઇન્ટરવ્યૂ આપતાં મામલો હાઇકોર્ટમાં પહોંચી ગયો હતો. પંજાબ-હરિયાણા હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરીને આ મામલે તપાસ કરવા માટે માંગ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું કે જેલના નિયમોથી વિરુદ્ધ લૉરેન્સે ઇન્ટરવ્યૂ આપ્યો છે, જેથી આ મામલે તપાસ જરૂરી છે.