Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ2024માં પણ મોદી જ બનશે વડાપ્રધાન, 303 કરતાં વધુ બેઠકો જીતીશું: અમિત...

    2024માં પણ મોદી જ બનશે વડાપ્રધાન, 303 કરતાં વધુ બેઠકો જીતીશું: અમિત શાહ, કહ્યું- 70ના દાયકા બાદ પહેલીવાર એવું થશે કે..

    આજે વિશ્વમાં કોઈ પણ સમસ્યા હોય તો આખા વિશ્વના નેતાઓ નરેન્દ્ર મોદી સમસ્યા વિશે શું બોલે તેની રાહ જુએ છે: શાહ

    - Advertisement -

    લોકસભા ચૂંટણીને (Loksabha elections 2024) આમ તો એક વર્ષ જેટલો સમય બાકી છે પરંતુ ગણગણાટ અત્યારથી શરૂ થઇ ગયો છે. તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના ચૂંટણી રણનીતિકાર કહેવાતા અમિત શાહને (Amit Shah) એક ઇન્ટરવ્યૂમાં આ ચૂંટણીને લઈને પૂછવામાં આવ્યું હતું, જેમાં તેમણે ફરી એક વખત ભાજપની સરકાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 

    અમિત શાહ ઇન્ડિયા ટૂડે કોન્ક્લેવમાં ભાગ લેવા માટે ગયા હતા. જ્યાં તેમને ચૂંટણીને લઈને પૂછવામાં આવ્યું હતું. તેમણે જવાબ આપતાં કહ્યું કે, તેઓ દેશના વિવિધ ભાગોમાં જાય છે અને જેના અનુભવના આધારે કહી શકે કે આવનારી ચૂંટણીમાં ફરી એક વખત પૂર્ણ બહુમત સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે અને મોદી ત્રીજી વખત પીએમ બનશે. 

    અમિત શાહે કહ્યું, “આટલા મોટા દેશમાં જનતા નક્કી કરે છે દેશનો આગામી વડાપ્રધાન કોણ હશે, કઈ પાર્ટીની સરકાર હશે, ત્યારે તેનું આકલન જનતા જ કરી શકે છે. પરંતુ હું દેશના દરેક ભાગમાં જાઉં છું…હું જનતાની નાડ પારખીને એક વાત કહેવા માંગુ છું કે આવનારી ચૂંટણીમાં પૂર્ણ બહુમતીથી ભાજપની સરકાર બનશે.” 

    - Advertisement -

    તેમણે એ પણ કહ્યું કે, 2024ની ચૂંટણીમાં જીત બાદ નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનશે. તેમણે સાથે ઉમેર્યું કે, 70ના દાયકા બાદ પહેલી વખત કોઈ વડાપ્રધાન ત્રણ વખત પૂર્ણ બહુમતી સાથે ચૂંટાઈને આવશે.  

    ચૂંટણીમાં કેટલી બેઠકો મળશે તેમ પૂછવામાં આવતાં અમિત શાહે કહ્યું કે, ભાજપ 303 કરતાં પણ વધુ બેઠકો જીતશે. ઉલ્લેખનીય છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને કુલ 303 બેઠકો મળી હતી. 

    પીએમ મોદીની પ્રશંસા કરતાં તેમણે કહ્યું કે, મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી તેઓ એક જ નીતિ પર ચાલી રહ્યા છે કે દેશના દરેક નાગરિકનો સંસાધનો પર અધિકાર છે અને તમામનું જીવનસ્તર ઉપર લાવવા માટે તેમણે પ્રયાસ કર્યા છે. 

    દુનિયા ભારત પાસે સમાધાન શોધે છે: શાહ

    અમિત શાહ આગળ કહે છે કે, આજે વિશ્વમાં કોઈ પણ સમસ્યા હોય તો આખા વિશ્વના નેતાઓ પીએમ નરેન્દ્ર મોદી સમસ્યા વિશે શું બોલે તેની રાહ જુએ છે. વિશ્વની દરેક સમસ્યાના સમાધાન માટે ભારતના, ભારતના વડાપ્રધાનના દ્રષ્ટિકોણને મહત્વ મળી રહ્યું છે. આ એક બહુ મોટી વાત છે. 

    વર્તમાન કેન્દ્ર સરકારનો કાર્યકાળ મે, 2024માં પૂર્ણ થાય છે. જેથી આગામી વર્ષે માર્ચથી મે દરમિયાન ચૂંટણી યોજાવાની સંભાવના છે. ગત લોકસભા ચૂંટણીમાં 303 બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવી હતી અને નરેન્દ્ર મોદી સતત બીજી વખત વડાપ્રધાન બન્યા હતા. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં