વર્તમાન સમયના ત્રાજવામાં સ્ત્રી અને પુરુષ બંનેના પલડાં સમાન દેખાઈ રહ્યાં છે. તે તમામ ક્ષેત્રોમાં સ્ત્રીઓ પોતાનું સ્થાન લઈ રહી છે જ્યાં અત્યાર સુધી માત્ર પુરુષોની જ કલ્પના થઈ શકતી હતી. રિક્ષા ડ્રાઈવરથી માંડીને કોઈ મલ્ટીનેશનલ કંપનીના માલિક કે ઉચ્ચતમ હોદ્દા સુધી સ્ત્રીઓ દેખાઈ રહી છે. કાં તો પછી તેમ કહી શકાય કે હવે તેમની નોંધ લેવાઈ રહી તે અત્યારની વાસ્તવિકતા છે. પણ આ વાસ્તવિકતાના ઓથા હેઠળ કંઈક ખોટું થઈ રહ્યું છે તેમ કહીએ તો? આવી જ વાત કરી છે અભિનેત્રી અને લેખિકા સોનાલી કુલકર્ણીએ. વાસ્તવમાં સ્ત્રી-પુરુષ સમાનતાની વાતો પર સોનાલી કુલકર્ણીએ અરીસો દેખાડ્યો છે તેમ કહી શકાય.
I don’t know who she is but hats off to her courage to speak the unspoken unpalatable truth! 👏#Equality pic.twitter.com/vB2zwZerul
— Amit Srivastava 🕉️ (@AmiSri) March 15, 2023
હાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં એક કાર્યક્રમમાં પોતાના મંતવ્ય દરમિયાન સ્ત્રી-પુરુષ સમાનતાની પોકળ વાતો પર સોનાલી કુલકર્ણીએ પોતાનો મત મૂક્યો હતો. અમિત શ્રીવાસ્તવ નામના એક ટ્વીટર યુઝરે સોનાલી કુલકર્ણીનો આ વિડીયો શેર કર્યો હતો. આ વિડીયો શેર કર્યા બાદ સોશિયલ મીડિયામાં એટલો વાયરલ થયો કે જોતજોતામાં 2.1 મિલિયન વ્યૂઝ મળી ગયા છે. સાથે જ આ વિડીયોને 7,687થી વધુ વાર રીટ્વીટ કરવામાં આવ્યો અને હજારોની સંખ્યામાં કમેન્ટ્સ પણ આવી. સોનાલીએ પણ આ વિડીયો પોતાના એકાઉન્ટમાં રીટ્વીટ કર્યો છે.
અમિતે શેર કરેલા આ વિડીયોમાં સોનાલી કુલકર્ણી કોઈ કાર્યક્રમમાં પોતાનું મંતવ્ય આપતા નજરે પડે છે. સ્ત્રી-પુરુષ સમાનતાની વાત કરતા સોનાલી કુલકર્ણીએ મંતવ્ય આપ્યું તે વિડીયોમાં તેઓ ભારતીય પરિધાન સાડીમાં નજરે પડે છે. વર્તમાન સમયની કેટલીક સ્ત્રીઓ વિશે વાત કરતા તેઓ જણાવે છે કે, “ભારતમાં ઘણી બધી છોકરીઓ આળસુ છે. તેમને એક એવો બોયફ્રેન્ડ જોઈએ છે કે એક એવો પતિ જોઈએ છે કે જેના પાસે સારી નોકરી હોય, જેના પાસે પોતાનું ઘર હોય. જેને ભરોસો હોય કે તેમની બઢતી થવાની જ છે. પરંતુ તે છોકરીમાં એટલી હિંમત નથી કે તે તેમ કહી શકે કે ‘હું શું કરી શકીશ, જયારે તમે મારી સાથે લગ્ન કરશો?”
પોતાના નિવેદનની શરૂઆતમાં જ આ વાત કરીને સોનાલીએ તેવી સ્ત્રીઓની માનસિકતા પર સવાલ ઉભો કરી દીધી જેમને સમાજમાં માત્ર સમાન હક તો જોઈએ છે, પરંતુ તે સમાનતા સાથે આવતી ફરજો નથી નિભાવવી. મંતવ્યના પ્રથમ શબ્દોમાં જ સોનાલીએ તેવી સ્ત્રીઓ પર સીધેસીધો સણસણતો સવાલ ઉભો જેમને મન પુરુષ માત્ર સુખ સાહેબીમાં જીવન વિતાવવાનું સંસાધન માત્ર હોય.
સ્ત્રીઓ હક ભોગવવા સાથે જવાબદારીઓ પણ નિભાવે
સોનાલી આગળ જણાવે છે કે, “હું તમને બધાને આહવાન કરવા માંગું છું કે તમે તમારા ઘરમાં તેવી સ્ત્રીઓનું નિર્માણ કરો જે સક્ષમ હોય, જે પોતાના માટે કમાઈ શકે, જે કહી શકે કે હા આપણે ઘરમાં નવું ફ્રીજ લેવું છે તો અડધા પૈસા તમે આપો, અડધા હું આપીશ. હું ઝઘડો કરવાની વાત નથી કરી રહી, પણ તેની પોતાની પણ એક આવડત હોય.” અહીં સોનાલીએ સમજદારીપૂર્વક સમાનતા મેળવવાની વાત કરી છે.
વર્તમાન સમયમાં સ્ત્રીઓ સક્ષમ છે તે વાસ્તવિકતા છે, તો તે સક્ષમતા સાથે આવતી જવાબદારીઓ સરખે ભાગે વહેંચી લેવી જોઈએ. તમારામાં આવડત અને ક્ષમતા હોવા છતાં માત્ર એક જ વ્યક્તિ ઉપર તમામ બોજ આપી દેવો તે યોગ્ય નથી. ફ્રીજનું ઉદાહરણ આપીને સોનાલીએ તે વાત પણ સ્પષ્ટ કરી જો તમે એક વર્કિંગ વુમન છો તો તમારા ઘરની જરૂરિયાત પૂરી કરવી તે તમારી ફરજમાં પણ આવે છે અને જો તમે કામ ન પણ કરતા હોવ અને તમે તમારી જાતને સક્ષમ ગણતા હોવ તો પણ જવાબદારીઓ વહેંચવાની જવાબદારી પણ તમારી છે.
પુરુષ એ માત્ર ‘ફાયનાન્સિયલ પ્લાન’ નથી
સ્ત્રી-પુરુષ સમાનતાની વાતમાં પોતાની એક મિત્રનો દાખલો આપતાં સોનાલી કહે છે કે, “તેમની એક દૂરની મિત્ર લગ્ન માટે પાત્ર શોધી રહી હતી. તેણે તેમને કહ્યું કે તેને 50 હજારથી નીચેની નોકરી કરતો છોકરો જોઈતો જ નથી અને સારું હશે જો તે અલગ રહેતો હોય. કારણ કે તેને સાસુ-સસરાની ઝંઝટ જોઈતી ન હતી અને એ પણ ઇચ્છતી હતી કે તેની પાસે ફોર વ્હીલર હોય. આગળ સોનાલી કહે છે, “મેં કહ્યું તું કોઈ મોલમાં આવી છો, તને એક માણસ જોઈએ છે કે કોઈ ઓફર? આ ખૂબ અપમાનજનક છે.” અહીં સોનાલીએ જે મિત્રનો દાખલો આપ્યો તે વાસ્તવિક છે કે નહીં તે ન કહી શકાય પણ આ ઉદાહરણ પાછળ તેમણે વર્તમાન સમયની દુઃખદ વાસ્તવિકતા શીરાની જેમ ગળા નીચે ઉતારી દીધી હતી. માત્ર સોનાલીની તથાકથિત મિત્ર જ નહીં, પરંતુ આપણી આસપાસ પણ આ પ્રકારના સંવાદો આપણે જોતા અને સાંભળતા જ આવીએ છીએ.”
પ્રેમલગ્ન હોય કે પરિવારની ઈચ્છાથી થયેલા એરેન્જ મેરેજ, દરેક જગ્યાએ પુરુષોનું બેંક બેલેન્સ તપાસવામાં આવે છે અને એ વાસ્તવિકતા છે. તેને સ્વીકારવી જ રહી. માત્ર સ્ત્રીઓ જ નહીં, અત્યારના માવતર પણ પોતાની દીકરીને સ્વતંત્ર અને પગભર તો કરવા માંગે છે. પરંતુ જ્યારે તેને પરણાવવાની વાત આવે ત્યારે જમાઈ વેલ સેટ, 5 કે 6 આંકડાનો પગારદાર, ઘરનું ઘર અને એ પણ સાસુ, સસરા, દિયર, નણંદ વગરનું હોવું જોઈએ. ઉપરાંત મોંઘીદાટ ગાડીને મહત્વ આપવામાં આવે છે. ઘરમાં દીકરીના લગ્નની વાત શરૂ થતાંની સાથે આવતા બાયોડેટામાં સૌથી પહેલાં તેનો પગાર જોવામાં આવે છે.
‘દફતર’થી ‘દફતર’નો ભાર વેઠવાની જવાબદારી માત્ર પુરુષોની?
આ વિડીયોમાં પુરુષોની જવાબદારીના ભાર વિશે સોનાલી આગળ જણાવે છે કે, “મને તેવું લાગે છે કે છોકરાઓ, મર્દ 18 વર્ષના થઈ જાય છે, ત્યારથી તેમના પર દબાણ આવી જાય છે કે હવે ભણવાનું પૂરું થવા આવ્યું છે. બસ હવે મસ્તી મજાક બંધ. કમાવાનું શરૂ કરો. ઘરની જવાબદારી ઉઠાવો. અને મને મારા ભાઈઓ, મારા પતિ પર રડવું આવી જાય છે. મારા પતિ 20 વર્ષની ઉમરે કેમ્પસ ઈન્ટરવ્યુ આપ્યું અને તેમણે 20 વર્ષની ઉમરે જ જવાબદારીઓ ઉપાડીને કમાવાનું શરૂ કરી દીધું. શા માટે? જયારે છોકરીઓ 25-26 વર્ષની થાય ત્યાં સુધી માત્ર વિચારતી રહે છે અને બોયફ્રેન્ડને કહે છે સોરી, ઇન્ડિયામાં હનીમુન ન જોઈએ. હનીમુન તો ફોરેનમાં જ થશે. અને હવે તો પૂછશો જ નહીં. ડેસ્ટીનેશન વેડિંગ, પ્રિ-વેડિંગ ફોટોશૂટ, રીલ્સ તેનો તમામ ખર્ચો પ્રેમી કે થનાર પતિ જ ઉપાડશે. કેમ? તમને આટલા એશો-આરામની જિંદગી જોઈએ છે તો તમે શું કમાશો? તમે પોતે ભણો, નોકરી ગોતો, 4 ઓફિસોમાં જઈને પૂછો કે મને કામ મળી શકે? આવું નથી થતું.”
અહીં સ્પષ્ટપણે સોનાલી પુરુષોના જવાબદારીઓના ભાર પર ભાર આપી રહ્યાં છે, અને તેમની વાતમાં સત્ય પણ છે. કોઈ પણ વ્યક્તિ 18 વર્ષનો થાય એટલે તેના પ્રત્યે પરિવાર અને પ્રેમિકાની આશાઓને પાંખો આવી જાય છે. શાળા અને કોલેજના ‘દફતર’ છોડીને જ્યારે તે ‘દફતર’ (ઓફીસ)ની સફર ખેડવા લાગે છે ત્યારે તેની જવાનીનો રીતસર કચ્ચરઘાણ નીકળવાનું શરૂ થઈ જાય છે. પોતાના શોખ, ઈચ્છાઓ બધું મારીને તે માત્ર પોતાની જવાબદારીઓના ભાર નીચે એટલો દબાઈ જાય છે કે પોતાના વિશે વિચારવા માટે તેની પાસે કોઈ સ્પેસ વધતી નથી.
‘બધી જ જવાબદારી પુરુષોની જ છે’ તેવું સમજતી સ્ત્રીઓ પોતાનામાં ‘ડોકિયું’ કરે
આ ભાર વચ્ચે સોનાલીએ કહ્યું તેમ પુરુષ તેની પ્રેયસી કે મંગેતરની ફરમાઇશો પૂરી કરવા પોતાની ક્ષમતાઓથી ક્યાય ઉપર ઉઠીને પોતાના અસ્તિત્વને જ દાવ પર લગાવી દે છે. અને જો એમાં જરા પણ કચાશ રહી ગઈ, તો તેનો જવાબદાર પણ તે પુરુષને જ માનવામાં આવશે. તેણે કરેલી અથાગ મહેનત અને પ્રયત્નોને ધ્યાને લેવાની વાત તો દૂર, પુરુષને ગુનેગાર સુદ્ધાં ગણી દેવામાં આવશે. જો તે સફળ થયો તો તેનો જશ આપવાને બદલે, ‘આ તો તેની ફરજ હતી’ તેમ કહીને પુરુષની મહેનતના પરિણામ પર પાણી ફેરવી દેવામાં આવશે.
તો બીજી તરફ સોનાલીએ પોતાને સક્ષમ ગણતી સ્ત્રીઓને ટકોર પણ કરી છે કે જો બધું પુરુષો જ કરશે, તો તમે ખરેખર પોતાને સક્ષમ કહેવાને લાયક છો ખરા? તમારા ફોરેન હનીમુન અને અન્ય શોખ માટેનો ભાર એકલો પુરુષ જ શા માટે ભોગવે? આવી સ્ત્રીઓએ એક વાર પોતાની અંદર ડોકિયું કરીને તેમની લાયકાત સમજવા માટે સોનાલીએ તેમને 4 ઓફિસોમાં જઈને ક્ષમતા સાબિત કરવાની વાત અહીં કરી છે.
ત્યારબાદ વિડીયોમાં સોનાલી સક્ષમ સ્ત્રીઓની વાત કરે છે, જે પોતાના પગભર છે અને પુરુષો સાથે ખભેખભો મેળવીને કામ કરી રહી છે. પણ તે છતાં કેટલીક સ્ત્રીઓની માનસિકતા વિશે વાત કરતા તેઓ કહે છે કે, “છોકરીઓ તેમ કહે છે કે ‘તેં મારી સામે આવી રીતે કેમ જોયું?’ આને હક થોડો કહી શકાય? તમને પ્રશંસા પણ નથી જોઈતી, કોઈ તમને કંઈક સારું કહેશે તો તમે તમારા HRને ફરિયાદ કરશો કે ‘ખબર છે ફલાણાએ કહ્યું કે આવાં કપડાં કેમ પહેરો છો.’ તેમણે ઉમેર્યું કે, મને ખબર છે બધી સ્ત્રીઓ આવી નથી હોતી. પણ આ પ્રકારની ઘણી ઘટનાઓ બને જ છે. આ પ્રકારની પરિસ્થિતિઓમાં સમાનતાની વાત યાદ રાખીને નમ્રતા દાખવવી જોઈએ.”
સમોવડી સ્ત્રીઓએ પોતાની જવાબદારી સમજીને તેને નિભાવવી જોઈએ
સ્ત્રી-પુરુષ સમાનતાની વાતમાં સોનાલી કુલકર્ણીએ આગળ જણાવ્યું હતું કે, “ખર્ચ ઉપાડવો તે માત્ર તમારા પતિઓનું કામ નથી. પરિવારના ગુજરાનની જવાબદારી તમારી પણ છે. તમે ક્યારેક કહી જુઓ કે તમે છોડો યાર, અગામી 6 મહિના તમારે રજા, જુઓ કેવું સ્મિત મળે છે તેમના ચહેરા પર. અને ગર્વ છે કે મારી સાથે રહેલા પુરુષોનું હું ધ્યાન રાખું છું. જે વિશ્વાસની આપ-લે આપણે કરીએ છીએ તે માત્ર જમવાનું બનાવવા પુરતું નથી હોતું…. અને મને તો રસોઈ કરવી ખૂબ ગમે છે. ક્યારેક જયારે હું લાગણીઓ વ્યક્ત નથી શકતી ત્યારે મને ગમતી વાનગીઓ બનાવીને તેના દ્વારા મારી લાગણીઓ દર્શાવી દઉં છું. અને લાગે છે કે તે મારા તરફથી પ્રેમ દર્શાવવાની એક મોટી રીત છે. પરંતુ રસોઈ કરવા સિવાય પણ અનેક બાબતો છે જે તમે તમારા પરિવાર અને તમારા જીવનસાથીને ઓફર કરી શકો છો.”
વિડીયોના અંતમાં સોનાલી કહે છે કે, “સ્ત્રીઓએ તે સમજવાની જરૂર છે કે તેમને સરકારમાં જે અનામત મળ્યું છે તે આખી એક અલગ બાબત છે, અને તે સરકારની જવાબદારી છે, સરકાર તેણે સારી રીતે નિભાવી પણ રહી છે. પણ કેટલીક જવાબદારી આપણી પણ હોય છે. અને આપણે આપણી જવાબદારીઓને સમજીને ખરેખર તેને નિભાવવી જોઈએ.”
‘નારી તું નારાયણી’ હતી, છે અને રહેશે જ
લગભગ 4 મિનીટ 58 સેકન્ડના આ વિડીયોમાં સોનાલી કુલકર્ણીએ કરેલી આ વાત ખરેખર સમજવા જેવી છે. બની શકે કેટલાક લોકો તેમની આ વાત સાથે સહમત ન પણ થાય. પરંતુ વર્તમાન પરિસ્થિતિઓને જોતા તેમનો એક એક શબ્દ વિચાર કરવા જોવો છે.
અત્યારે કેટલાક લોકો સ્ત્રી સશક્તિકરણની વાતો કરે છે, અને તે જરૂરી પણ છે. સમાજમાં સ્ત્રીઓ મજબૂત થશે તો આપણી અગામી પેઢી આપોઆપ મજબૂત થઈ જશે. પરંતુ સશક્તિકરણના નામે માત્ર ‘નેરેટીવ’ ફેલાવતા લોકોની વાતોમાં આવતા પહેલાં આપણે તે ન ભૂલવું જોઈએ કે આપણે એ દેશના નાગરિક છીએ જ્યાં સ્ત્રીની ‘દેવી’ તરીકે પૂજા થાય છે. ભારત ભૂમિ પર સ્ત્રીઓ આદિ-અનાદિ કાળથી સ્વતંત્ર અને સશક્ત છે, સ્વયંવર પ્રથા તેનો ઉત્તમ દાખલો માની શકાય.
આ સિવાય તે પણ ન ભૂલવું જોઈએ કે ભારતની નારી જો દુર્બળ હોત તો મહારાણા પ્રતાપ, છત્રપતી શિવાજી જેવા વીરવર યોદ્ધાઓ આ દેશમાં થયા જ ન હોત. હક ભોગવવા, તે તમામનો હક છે. પણ સાથે જવાબદારીઓ નિભાવવી તે પણ જરૂરી છે. સમાજના સ્ત્રી અને પુરુષોએ બસ ‘સ્વતંત્રતા’ અને ‘સ્વછંદતા’ વચ્ચેની પાતળી ભેદરેખા સમજવાની જરૂર છે. બાકી ‘નારી તું નારાયણી’ હતી, છે, અને રહેશે જ.