દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાની (Manish Sisodia) આફતોમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. હાલ તેઓ લિકર પોલિસી સ્કેમ મામલે દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે ત્યારે સીબીઆઈએ (CBI) વધુ એક કેસમાં મનિષ સિસોદિયા સામે FIR દાખલ કરી છે.
CBI registers fresh corruption case against former Delhi Deputy Chief Minister Manish Sisodia and others over alleged irregularities in Delhi government's 'Feedback Unit' pic.twitter.com/tew89t7sei
— ANI (@ANI) March 16, 2023
આ કેસ ‘ફીડબેક યુનિટ’ મારફતે જાસૂસીનો છે. જેને લઈને સીબીઆઈએ મનિષ સિસોદિયા સહિત સાત લોકો સામે પ્રિવેન્શન ઑફ કરપ્શન એક્ટ હેઠળ FIR દાખલ કરી છે. તાજેતરમાં જ ગૃહ મંત્રાલયે એજન્સીને મનિષ સિસોદિયા સામે કેસ ચલાવવા માટેની પરવાનગી આપી હતી, ત્યારબાદ એજન્સીએ 14 માર્ચના રોજ FIR દાખલ કરી છે.
FIRમાં મનિષ સિસોદિયા સહિતના આરોપીઓ સામે ગુનાહિત ષડ્યંત્ર, મિલ્કતનો અપ્રમાણિક ઉપયોગ, લોકસેવક દ્વારા વિશ્વાસ ભંગ, છેતરપિંડીના હેતુસર બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ, ખોટાં ખાતાં બનાવવાં અને ગુનાહિત ગેરવર્તણૂંક વગેરેનો આરોપ લગાવવામાં આવ્યો છે.
દિલ્હી સરકારમાં વિજિલન્સ વિભાગ મનિષ સિસોદિયા પાસે હતો. વર્ષ 2015માં આ વિભાગમાં એક ફીડબેક યુનિટની રચના કરવામાં આવી હતી અને 20 અધિકારીઓ નીમવામાં આવ્યા હતા. આરોપ છે કે આ યુનિટે ફેબ્રુઆરી 2016થી સપ્ટેમ્બર 2016 સુધી રાજનીતિક વિરોધીઓની જાસૂસી કરી હતી. માત્ર ભાજપ જ નહીં પરંતુ AAP નેતાઓની પણ જાસૂસી કરવામાં આવી રહી હોવાનું ખુલ્યું હતું. ઉપરાંત, આ યુનિટ માટે LG પાસેથી પણ કોઈ પરવાનગી લેવામાં આવી ન હતી.
CBIને શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું હતું કે FBU દ્વારા ગુપ્ત જાણકારીઓ એકઠી કરવામાં આવી હતી. ત્યારબાદ 12 જાન્યુઆરી 2023ના રોજ આ મામલે એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો અને એલજી પાસેથી ભ્રષ્ટાચાર મામલે સિસોદિયા અને અધિકારીઓ સામે કેસ દાખલ કરવાની માંગ કરવામાં આવી હતી. પહેલાં એલજી અને ત્યારબાદ ગૃહ મંત્રાલયે પણ પરવાનગી આપતાં હવે FIR દાખલ કરવામાં આવી છે.
દિલ્હી દારૂ કૌભાંડ મામલે જેલમાં બંધ છે મનિષ સિસોદિયા
દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયા હાલ તિહાડ જેલમાં બંધ છે. તેઓ દિલ્હીની એક્સાઇઝ પોલિસી મામલે ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહ્યા છે. ગત મહિનાના અંતમાં સીબીઆઈએ પૂછપરછ બાદ તેમની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ આ જ કેસમાં ઇડીએ પણ તેમની પૂછપરછ કરી હતી અને કસ્ટડી મેળવી હતી.
ધરપકડ બાદ મનિષ સિસોદિયાએ દિલ્હી સરકારના મંત્રીપદેથી રાજીનામું આપી દીધું હતું. તેમની પાસે સરકારમાં એક્સાઇઝ, વિજિલન્સ અને શિક્ષણ સહિત કુલ 18 વિભાગો હતા.