26ની નવેમ્બર 2008નો એ દિવસ ભારતીય આઝાદીના ઈતિહાસનો કાળો દિવસ છે. તે ગોઝારા દિવસે આખા મુંબઈમાં ચીસાચીસ થઇ હતી, જ્યારે આખો દેશ હેબતાઈને આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. દેશના નાગરિકો અને જવાનોના લોહીથી રંગાયેલા રસ્તાઓ ચીસો પાડીને આંતકી અત્યાચારની ચાડી ખાતા હતા. આ હુમલામાં આંતકીઓ સહિત કુલ 175 લોકો માર્યા ગયા હતા. જેમાં 15 પોલીસકર્મી અને 2 NSG કમાન્ડો હતા. છત્રપતિ શિવાજી ટર્મિનલ, નરીમાન હાઉસ અને તાજ હોટલને આતંકવાદીઓએ લોહીલુહાણ કરી મુક્યા હતા. જેમણે આ હુમલામાં દેશવાસીઓની રક્ષા કરતા પોતાના જીવનું બલિદાન આપ્યું હતું તેમાં કેરળના મેજર સંદીપ ઉન્નીક્રિષ્નન પણ સામેલ હતા. ત્યારે કેરળના તત્કાલિન મુખ્યમંત્રી વીએસ અચ્યુતાનંદને બલિદાન આપનાર મેજરના પરિવારનું અપમાન કર્યું હતું.
આગળ વધવા પહેલા તમને મેજર સંદીપ ઉન્નીક્રિષ્નનનો પરિચય કરાવી દઈએ. તેમનો જન્મ 15 માર્ચ, 1977ના રોજ કેરળના કોઝિકોડના ચેરુવન્નુરમાં મલયાલી પરિવારમાં થયો હતો. બાદમાં તેમનો પરિવાર કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં સ્થાયી થયો. તેમના પિતા કે ઉન્નીકૃષ્ણન ‘ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)’માં અધિકારી હતા. તે તેમના એકમાત્ર પુત્ર હતા. તેમણે પોતાનું પ્રારંભિક શિક્ષણ બેંગ્લોરની ફ્રેન્ક એન્થોની પબ્લિક સ્કૂલમાંથી કર્યું હતું. તેઓ 1995માં વિજ્ઞાનમાં સ્નાતક થયા હતા.
તેમના શિક્ષકોનું કહેવું છે કે તેમનો બાળપણથી જ રમતગમતમાં રસ હતો અને તે એક સારા એથ્લીટ પણ હતા. તેમને ફિલ્મો જોવાનો પણ શોખ હતો. તેમની પત્નીનું નામ નેહા છે. 1995માં જ તેઓ મહારાષ્ટ્રના પુણેમાં ‘નેશનલ ડિફેન્સ એકેડમી (NDA)’માં જોડાયા હતા. ત્યાં તેમની સાથે જોડાયેલા મિત્રોનું પણ કહેવું છે કે તેઓ એક વિશાલ હૃદયના વ્યક્તિ હતા. 12 જુલાઇ 1999 ના રોજ, તેઓ ‘બિહાર રેજિમેન્ટ’ની 14મી બટાલિયનમાં લેફ્ટનન્ટ તરીકે ભારતીય સેનામાં ભરતી થયા હતા. નીચેનો ફોટો તે સમયનો જ છે.
તેમને જમ્મુ કાશ્મીરથી લઈને રાજસ્થાન સુધી ભારતીય સેનામાં રહીને સેવા કરી છે. ત્યાર બાદ તેમની પસંદગી રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG) માટે થઇ હતી. તેમની તાલીમ પૂર્ણ થયા બાદ તેમને ‘સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ’માં સામેલ કરવામાં આવ્યા હતા. તે પછી તેમણે ઘણા સફળ ઓપરેશનો પાર પડ્યા હતા. તેમણે બેલગાવીની કમાન્ડો વિંગ ઈન્ફન્ટ્રી સ્કૂલમાં સૌથી અઘરા ગણાતા ‘ઘાતક કોર્સ’માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો.
મેજર સંદીપ ઉન્નીક્રિષ્નનના પિતાનું કહેવું છે કે તેમના દીકરાએ જે ક્ષેત્રમાં પગ મુક્યો ત્યાં તેમણે પ્રથમ ક્રમ જ પ્રાપ્ત કર્યો છે. તેઓ હમેશા જીતવાની જ વાત કરતા હતા. તેમને ક્રિકેટ સાથે વધુ લગાવ હતો માટે તે સચિનને વધુ માનતા હતા. સચિનમાંથી ન હારવાની પ્રેરણા લેતા હતા. ક્યારેક ભારત મેચ હારી જાય તો દુ:ખી થઇ જતા હતા. પરંતુ અમારે ISROમાં કોઈ અભિયાન અસફળ થાય તો મને પણ પ્રોત્સાહન આપતા હતા. તેમના બેંકમાં હમેશા ફક્ત ત્રણથી ચાર હજાર રૂપિયા જ હોતા. મને એમ હતું કે તેઓ મોઘા શોખમાં વાપરતા હશે, પરંતુ મને પાછળથી ખ્યાલ આવ્યો કે તે તેમનો પગાર લોકોને મદદ કરવામાં આપી દે છે. આ તેમને ધ હિંદુ ન્યુઝ પેપર સાથે કરેલ વાત દરમિયાન કહ્યું હતું.
સંદીપ ઉન્નીક્રિષ્નનના પિતા વધુમાં જણાવે છે કે તેમનો દીકરો રાષ્ટ્રવાદને વરેલો હતો. તેઓ સતત દેશ માટે કઈને કઈ કરવા માટે મથતા રહેતા હતા. તેમનું માનવું હતું કે દેશ માટે કઈ પણ કરો, પરંતુ બદલામાં વળતરની અપેક્ષા રાખો નહીં. સંદીપ તેમના પિતાને હમેશા કહેતા કે તે બધું જ સહન કરી શકે છે બસ તેમના મિત્રની લાશ પર તેમની માતાને રડતા જોઈ શકતા નથી.
26/11નો હુમલો અને સંદીપ ઉન્નીક્રિષ્નન
મુંબઈ 26/11 હુમલામાં આંતકીઓનો ખાત્મો બોલાવવા માટે મુંબઈ પોલીસ અને NSG કમાન્ડોએ વિશેષ પરાક્રમ બતાવ્યું હતું, જેનો દેશ હમેશા ઋણી રહેશે. NSG ને આ હુમલાને ખાળવા માટે બોલાવવામાં આવ્યું હતું. આ દરમિયાન તાજ હોટલમાં મેજર સંદીપ ઉન્નીક્રિષ્નન અને ચાબડ હાઉસ ખાતે હવાલદાર ગજેન્દ્ર સિંહ બિષ્ટે આતંકવાદીઓ સામે લડતા પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. 28 નવેમ્બર 2008ના રોજ રાતના 1 વાગ્યાનો સમય હતો, જ્યારે મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનની ટીમ તાજની સીડીઓ ઉપર Y-આકારમાં આગળ વધી રહી હતી. અંદર સાવ અંધારું હતું. તાજ હોટલમાં લાગેલી આગને ઓલવી શકાય તે માટે ફાયર બ્રિગેડ બહારથી સતત પાણી વરસાવી રહી હતી. આ દરમિયાન મેજર ટીમ સાથે ત્યાં પહોચ્યા તો દાદર પર પણ પાણી પ્રસરેલું હતું. ત્યારે જ આંતકીઓએ ઉપરથી ગોળી વરસાવી હતી. આટલું જ નહીં પરંતુ એક ગ્રેનેડ પણ ફેંક્યો હતો. અંધારું હોવાથી તે જોઈ શકાયો હતી નહીં અને જોરથી વિસ્ફોટ થયો. ઉપરથી આંતકીઓ દ્વારા AK-47 દ્વારા ગોળીબારી ચાલુ જ હતી.
આ આખો ઘટનાક્રમ સંદીપ ઉન્નિતન કે જેઓ ‘ઇન્ડિયા ટુડે’ મેગેઝિન માટે લાંબા સમય સુધી આંતરિક સુરક્ષાને લઈને પત્રકારાત્વ કર્યું છે, તેમના પુસ્તક ‘Black Tornado, The 3 Sieges of Mumbai‘માં વર્ણવ્યો છે. તેમણે તેમના વર્ણનમાં જણાવ્યું છે કે આંતકીઓ ઉપર તરફ હતા તેનો તેમને મોટો ફાયદો થઇ રહ્યો હતો. આંતકીઓની નજર કમાન્ડો ઉપર પડી ચુકી હતી. માટે એ લોકોને હુમલો કરવો આસન થઇ રહું હતું. મેજરના સાથી તેમને કવર ફાયર આપી રહ્યા હતા. જયારે મેજર સંદીપ આગળ વધ્યા ત્યાં એક ગ્રેનેડ વિસ્ફોટ થયો અને તેમના સાથી સુનીલ જોધા ઘાયલ થઇને દાદરમાં પડી ગયા. તેમને છાતીમાં બે ગોળી વાગી હતી. કુલ 7 ગોળી વાગી હતી, પરંતુ આટલા ગંભીર રીતે ઘાયલ થયા બાદ પણ જીવિત રહેવામાં સફળ રહ્યા હતા. મેજર સંદીપ ઉન્નીક્રિષ્નન તેમના સાથી સુનીલને પ્રાથમિક સારવાર આપવાની સૂચના આપીને એકલા જ આગળ વધ્યા. હવે તેમને કવર કરવા માટે કોઈ હતું નહીં. તેમને કર્નલ દ્વારા વારંવાર પાછા વળી જવા માટે સુચના આપવામાં આવી રહી હતી. પરંતુ ટીમ આંતકીઓના એકદમ નજીક હતી માટે કોઈ જવાબ આપી શકે તેમ હતું નહીં.
28 નવેમ્બર, 2021 ના રોજ સવારે 3 વાગ્યા સુધીમાં તાજ ટાવરના તમામ 21 માળના બધા જ બંદીઓને બહાર કાઢીને મુંબઈ પોલીસને સોપી દેવામાં આવ્યા હતા, પરંતુ મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનની કોઈ ભાળ મળી હતી નહીં. સવારે 10 વાગ્યા સુધી તેમનો મૃતદેહ હોટલમાં જ પડી રહ્યો હતો. વાસ્તવમાં આંતકીઓ એક મૂર્તિની પાછળ સંતાઈને મેજર સંદીપ પર હુમલો કર્યો હતો. તેમને શરીરમાં અસંખ્ય ગોળીઓ વાગી હતી, તેમના માથાના ભાગમાં પણ ગોળી વાગી હતી. આંતકીઓ તેમના હથિયાર પણ સાથે ચોરી લઇ ગયા હતા.
મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન NSG કમાન્ડો હતા. તેમની જ રણનીતિ હતી કે તમામ આંતકીઓને હોટલના એક ખૂણા તરફ ધકેલી દેવામાં આવે, જ્યાંથી તેમની પાસે ભાગવાનો કોઈ રસ્તો હોય જ નહીં. બાદમાં ચારેય આંતકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. આ ઓપરેશન દરમિયાન મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનના વોકી ટોકી પર છેલ્લા શબ્દો હતા કે “ઉપર કોઈ આવતા નહીં, હું આ લોકોને પહોચી વળીશ.”
મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનને ભારત સરકાર દ્વારા અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્ય હતા. રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. બેંગ્લોરમાં એક 4.5 કિમી લાંબા રોડને પણ તેમનું નામકરણ કરવામાં આવ્યું છે. મુંબઈના વિક્રોલી લિંક રોડ સ્થિત જોગેશ્વરીની ‘ઈન્ડિયન એજ્યુકેશન સોસાયટી’માં તેમની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ પહેલી ઘટના ન હતી કે તમણે બહાદુરી બતાવી હોય, તારીખ 31 ડિસેમ્બર, 1999ના રોજ ‘ઓપરેશન વિજય’ દરમિયાન, તેમણે પાકિસ્તાની ગોળીબાર વચ્ચે દુશ્મનોથી માત્ર 200 મીટર દૂર એક પોસ્ટ કબજે કરી હતી.
જયારે CPI (M)ના મુખ્યમંત્રીએ શહીદ પરિવારનું અપમાન કર્યું.
આ તે સમયની વાત છે, જ્યારે કેરલમાં વી.એસ. અચ્યુતાનંદન મુખ્યમંત્રી હતા. એક તરફ શહીદ પરિવારે પોતાનો એક માત્ર દીકરો ખોયો હતો, તો બીજી તરફ તે પરિવારનું મુખ્યમંત્રી દ્વારા અપમાન કરવામાં આવ્યું હતું. કેટલના તત્કાલીન મુખ્યમંત્રી વી.એસ. અચ્યુતાનંદને કહ્યું હતું કે “જો આ શહીદનું ઘર ના હોત તો, અહિયાં કુતરું પણ નહીં આવતે.” વાસ્તવમાં, કેરળના તત્કાલિન ગૃહમંત્રી રહેલા કોડિયેરી કલાકૃષ્ણન ‘રાજકીય પ્રવાસ’ માટે તેમના બેંગલુરુના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં તેમને પરિવારના રોષનો સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ મુખ્યમંત્રીએ આ નિવેદન આપ્યું હતું.
અચ્યુતાનંદને કહ્યું હતું કે “શું ક્યાંક એવો નિયમ છે કે કર્ણાટક અને કેરળના મુખ્યમંત્રીએ સાથે મુલાકાત કરવી જોઈએ? જો તે મેજર સંદીપ ઉન્નીક્રિષ્નનનું ઘર ન હોત તો એક કૂતરો પણ તેની તરફ જોતો ન હોત. તેમના પરિવાર સાથેનો અમારો સંબંધ ખાસ છે. એક સૈનિકના પિતા હોવાને કારણે ઉન્નીકૃષ્ણનને આ સમજવું ન જોઈએ?” કેરળ સરકાર વતી કોઈ નેતા મેજર બલિદાનીના અંતિમ સંસ્કારમાં ગયા નહોતા, જેના પર વિપક્ષ ભાજપ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ત્યાંની સરકારે બલિદાની મેજરના ઘરે મુલાકાત લીધી હતી.
શહીદ મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનના પિતાએ તે નેતાઓને ઘરમાં વળવા દીધા ન હતા. જે બાદ મુખ્યમંત્રીએ પોતાના જ રાજ્યના બલિદાન સૈનિક માટે આવી નિમ્ન કક્ષાની ભાષાનો પ્રયોગ કર્યો હતો. મેજરના પિતાએ તેમને મળવાનો ઇનકાર કરી દીધો હતો. જયારે કર્ણાટકમાં ત્યારે ભાજપની સરકાર હતી અને મુખ્યમંત્રી બી.એસ. યેદુરપ્પા હતા, જેઓ મેજરના અંતિમ સંસ્કારમાં ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ કેરળ સરકારમાંથી કોઈ હાજર રહ્યું હતું નહીં. આ બાબતે મેજરના પિતાએ કહ્યું હતું કે “મારો દીકરો કેરળ જ નહીં પરંતુ આખા દેશ નો સપુત છે.” દાઝતા પર દામ એ હતો કે આટઆટલા અપમાન બાદ કેરલ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે “શહીદ પરિવાર વિષે હું જે પણ બોલ્યો તે બાબતે કોઈ માફી માંગીશ નહીં.”
Major Sandeep Unnikrishnan: 26/11 Hero’s Legacy Lives On
— The Better India (@thebetterindia) November 20, 2021
“I don’t want to die an ordinary death. When I go,the whole nation will remember me.”
This is what Sandeep told his proud father after joining the NSG. pic.twitter.com/MMPLYAX8nG
મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન પર એક ફિલ્મ પણ બની છે, જેનું નામ છે ‘મેજર’. તેલુગુ અભિનેતા આદિવી શેષ તેનું પાત્ર ભજવ્યું છે. તેલુગુ મોટા સ્ટાર મહેશ બાબુએ આ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે. શોભિતા ધુલીપાલા અને પ્રકાશ રાજ અન્ય રોલમાં જોવા મળશે.
જ્યારે તેમને મરણોત્તર ‘અશોક ચક્ર’ એનાયત કરવામાં આવ્યો, ત્યારે જણાવવામાં આવ્યું કે કેવી રીતે તેમના જમણા હાથમાં ગોળી વાગી હોવા છતાં તેઓ લડતા રહ્યા. પોતાના ઘાયલ સાથીઓને પણ ત્યાંથી દુર કર્યા તેમજ 14 બંધકોને પણ છોડાવ્યા. આજે પણ યેલાહંકા ન્યુ ટાઉનમાં તેમના નામ પર આવેલો રસ્તો તેમના પરાક્રમની ગાથા કહે છે. બેંગ્લોરમાં રામમૂર્તિ નગર આઉટર રિંગ રોડ જંક્શન પર તેમની એક પ્રતિમા પણ છે. ખૂંખાર આંતકીઓ સાથે 15-15 કલાક સુધી સતત સંઘર્ષ કરીને નાગરિકોનું જીવન બચાવવા વાળા મેજર સંદીપ તો આપણી વચ્ચે નથી, પરંતુ તેમની વીરરસ ભરી વાતો પેઢીઓ સુધી સાંભળવા મળશે.