ગુજરાતના પ્રસિદ્ધ ગાયક, કલાકાર કિર્તીદાન ગઢવીના (Kirtidan Gadhvi) ડાયરાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર બહુ વાયરલ થઇ રહ્યો છે. જેમાં લોકો એક ડાયરામાં તેમની ઉપર પૈસા ઉડાડતા જોવા મળે છે અને સ્ટેજ ચલણી નોટોથી ભરાયેલો દેખાય છે. આ વિડીયો તેમના વલસાડ ખાતેના એક કાર્યક્રમનો હોવાનું કહેવાય છે.
#WATCH | People showered money on singer Kirtidan Gadhvi at an event organised in Valsad, Gujarat on 11th March pic.twitter.com/kH4G1KUcHo
— ANI (@ANI) March 12, 2023
ન્યૂઝ એજન્સી ANIએ આ વિડીયો પોસ્ટ કર્યો હતો. ગુજરાતમાં તો ઘણા લોકો જાણે છે કારણ કે આ પરંપરા આજની નથી પરંતુ અન્ય રાજ્યોના ઘણા યુઝરો આટલા રૂપિયા જોઈને આશ્ચર્યમાં મૂકાયા હતા. તો વળી કોઈકે પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા તો ઘણાએ ED-CBIનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ગુજરાતમાં દાયકાઓથી ડાયરા થતા આવ્યા છે. આમ તો આ કચ્છ-સૌરાષ્ટ્રની સંસ્કૃતિ છે પરંતુ હવે રાજ્યના બાકીના ભાગોમાં અને દેશ-વિદેશમાં જ્યાં-જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં ભવ્ય ડાયરાઓનું આયોજન થતું આવ્યું છે. આ જ લોકડાયરામાં પૈસા ઉડાડવાની પરંપરા પણ વર્ષો જૂની છે અને ભૂતકાળમાં એવું પણ બન્યું છે કે ત્રણ-ચાર કલાકના કાર્યક્રમમાં જ કરોડો રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હોય અને સ્ટેજ નોટોથી ભરાઈ ગયું હોય.
કલાકારો ડાયરામાં લોકગીતો, માતાજીનાં ભજનો, ગરબા વગેરે રજૂ કરે છે અને તેના તાલે ઝૂમતા શ્રોતાઓમાંથી ઘણા તેમની ઉપર પૈસા ઉડાડતા હોય છે. આ એક દાનની જ પદ્ધતિ છે, જે થોડી જુદી રીતે અનુસરવામાં આવે છે.
આ પૈસાનું શું કરવામાં આવે છે?
લોકડાયરાનું આયોજન કોઈકને કોઈ સામાજિક કે ધાર્મિક કાર્યને અનુલક્ષીને કરવામાં આવે છે. જેમકે, ઘણી શાળાઓ-હોસ્પિટલો બાંધવા માટે ડાયરાનું આયોજન થાય છે. ગૌશાળાના વિકાસ માટે ડાયરાઓ થતા આવ્યા છે. મોટાં મંદિરો બનાવવા માટે ભવ્ય લોકડાયરા યોજાય છે અને લોકો દાન આપે છે.
ડાયરામાં ઉડાડવામાં આવતા પૈસામાંથી એક પણ રૂપિયો આયોજકોના કે કલાકારોના ખિસ્સામાં જતો નથી. તેનો ઉપયોગ સામાજિક સેવાનાં કામોમાં, ગૌશાળામાં, શાળા-હોસ્પિટલો કે મંદિરો બનાવવા માટે કરવામાં આવે છે. કલાકારોનો ચોક્કસ પુરસ્કાર હોય છે અને તેટલી જ રકમ તેમને આપવામાં આવે છે. બાકી ચાલુ ડાયરામાં જેટલા રૂપિયાનો વરસાદ થાય એ તમામ સેવાનાં કામોમાં વાપરવામાં આવે છે.
કિર્તીદાન ગઢવીએ સમજાવ્યું હતું શા માટે યોજાય છે ડાયરા, પૈસા ક્યાં જાય છે
સ્વયં કિર્તીદાન ગઢવી આ બાબતની સ્પષ્ટતા જાહેરમાં કરી ચૂક્યા છે. ત્રણેક મહિના પહેલાં ન્યૂઝ ચેનલ આજતકના એક કાર્યક્રમમાં તેમને આ અંગે પૂછવામાં આવ્યું હતું. ત્યારે તેમણે જણાવ્યું હતું કે ડાયરાનું આયોજન શા માટે થાય છે, પૈસા કેમ ઉડાડવામાં આવે છે અને આખરે આ પૈસા ક્યાં જાય છે.
તેમણે કહ્યું હતું કે, “ગુજરાતની તાસીર રહી છે કે જ્યારે ધર્મનું કોઈ કામ હોય, સમાજનું કામ હોય, મંદિરનું કે હોસ્પિટલનું કામ હોય તો છેલ્લાં 15-20 વર્ષથી ગુજરાતમાં લોકડાયરાનું આયોજન કરવામાં આવે છે. તેનું આયોજન એટલા માટે થાય છે કે સમાજ ઉત્થાનનાં કાર્યો થઇ શકે.” તેમણે આગળ કહ્યું કે, “ગુજરાતની પ્રજા દાન આપવામાં સૌથી આગળ છે તેવું હું વ્યક્તિગતપણે માનું છું.”
ત્યારબાદ એન્કર તેમને પૂછે છે કે જે પૈસા આવે છે તે શું તેઓ ઘરે લઈને જાય છે? જેના જવાબમાં કિર્તીદાન હળવાશભર્યા સ્વરે કહે છે કે જો તેઓ પોતે તે પૈસા લઇ જતા હોત તો વર્ષમાં બે જ કાર્યક્રમો કરતા હોત. તેમણે કહ્યું કે, જે મંદિર દ્વારા કે સંસ્થા દ્વારા ડાયરાનું આયોજન કરવામાં આવે છે તેના આયોજકો તે પૈસા રાખે છે અને તેમાંથી દાનનું કામ કરવામાં આવે છે.
તેમણે એ પણ ઉમેર્યું હતું કે, છેલ્લાં પાંચ-દસ વર્ષમાં લોકડાયરા થકી ગાયો માટે 100 કરોડથી વધારે રૂપિયા એકત્રિત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગૌશાળા માટે દાન એકત્રિત કરવા માટે ડાયરાનું આયોજન એ ગુજરાતમાં વર્ષોથી ચાલતી આવતી પરંપરા છે.