એક તરફ દેશ સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થવા પર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી કરી રહ્યો છે ત્યારે હવે વિદેશોમાં પણ ભારતીય દૂતાવાસો દ્વારા આ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દરમ્યાન, પૉલેન્ડમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે એક ટ્રામ શરૂ કરવામાં આવી છે. આ ટ્રામનું નામ જામનગરના અને કોલ્હાપુરના મહારાજા પરથી આપવામાં આવ્યું છે.
બુધવારે (1 જૂન 2022) પૉલેન્ડ સ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા ટ્વિટ કરીને આ બાબતની જાણકારી આપવામાં આવી હતી. દૂતાવાસ તરફથી જણાવવામાં આવ્યું કે, “પૉલેન્ડમાં ભારતીય દૂતાવાસે અમૃત મહોત્સવની ઉજવણી શરૂ કરી દીધી છે. રાજદૂત નગમા મલિક અને પૉલેન્ડના રોક્લો શહેરના મેયર દ્વારા જામનગર અને કોલ્હાપુરના મહારાજાના નામ પરથી શરૂ થયેલી ટ્રામ ‘ડોબ્રી મહારાજા’નું ઉદ્ઘાટન કર્યું હતું.” ટ્વિટમાં એ ઉલ્લેખ પણ કરવામાં આવ્યો કે દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જામનગર અને કોલ્હાપુરના મહારાજાઓએ લગભગ 6000 પૉલિશ નાગરિકોને શરણ આપ્યું હતું. અહીં નોંધનીય છે કે પૉલિશ ભાષામાં ‘ડોબ્રી’નો અર્થ સારા વ્યક્તિ થાય છે અને જામનગરના મહારાજા પૉલેન્ડમાં ‘ડોબ્રી મહારાજા’ તરીકે ઓળખવામાં આવે છે.
India in Poland begins #AmritMahotsav celebrations! Amb Nagma Mallick with @SutrykJacek , Mayor Wroclaw inaugurated the #IndiaAt75 Tram-‘Dobry Maharaja’ named after the Maharajas of Jamnagar & Kolhapur who gave refuge during WW2 to over 6000 Polish, Wrocław, 31 May. #AKAM pic.twitter.com/YKGxa062pk
— India in Poland and Lithuania (@IndiainPoland) June 1, 2022
1941 માં બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે રેડ આર્મીએ પૉલેન્ડ પર આક્રમણ કર્યા બાદ સોવિયેત સંઘ દ્વારા અનેક પૉલિશ નાગરિકોને બંદી બનાવી લેવામાં આવ્યા હતા. જયારે જર્મનીએ રશિયા પર આક્રમણ કર્યું અને બ્રિટિશરોએ પૉલેન્ડને સ્વતંત્ર રાષ્ટ્રની માન્યતા આપી ત્યારે અનેક લોકો ત્યાંથી ભાગી છૂટ્યા હતા અને દુનિયાના અનેક હિસ્સાઓમાં વહેંચાઈ ગયા હતા.
અનેક દેશોમાં આશ્રય ન મળ્યા બાદ હજારો કિલોમીટરની યાત્રા કરીને લગભગ હજારેક બાળકોનું એક જૂથ ઈરાન અને અફઘાનિસ્તાન માર્ગે ભારત પહોંચ્યું હતું. અહીં પણ બૉમ્બેમાં આશરો આપવા માટે તત્કાલીન બ્રિટિશ ગવર્નરે ઇનકાર કરી દીધો હતો પરંતુ નવાનગરના મહારાજાએ પૉલિશ નાગરિકોની દુર્દશા અંગે જાણ્યા બાદ બ્રિટિશ સરકાર સામે પડીને તેમને દબાણ કરીને બાળકોને શરણ આપ્યું હતું.
નવાનગરના (હાલનું જામનગર) તત્કાલીન શાસક મહારાજા દિગ્વિજયસિંહજી રણજીતસિંહજી જાડેજાએ પૉલિશ નાગરિકો માટે પોતાના રાજ્યના દ્વાર ખોલી દીધા હતા. આ શરણાર્થીઓને લાવવા માટે એક જહાજની વ્યવસ્થા કરવામાં આવી અને 2 થી 17 વર્ષના લગભગ એક હજાર અનાથ પૉલિશ બાળકો માટે એક કૅમ્પ પણ સ્થાપવામાં આવ્યો હતો. વિશ્વયુદ્ધમાં મા-બાપ ગુમાવનારા આ બાળકો માટે જામનગરના મહારાજા તેમના ‘બાપુ’ બની ગયા હતા. અહીં ઉલ્લેખનીય છે કે દેશ સ્વતંત્ર થયો તે પહેલાં રજવાડાં હતાં ત્યારે જે-તે રાજ્યના મહારાજાને પ્રજા ‘બાપુ’ કે ‘બાપુસાહેબ’ કહીને સંબોધતી હતી.
રાજ્યમાં આ નવા મહેમાનોનું સ્વાગત કરતા જામનગરના મહારાજાએ કહ્યું હતું કે, “તમે ભલે તમારા મા-બાપ ગુમાવ્યા હોય, પણ આજથી હું તમારો પિતા છું.” જે બાદ મહારાજાએ પોતે આગેવાની લઈને આ બાળકોની નાનામાં નાની જરૂરિયાતોનું ધ્યાન રાખ્યું હતું. એટલું જ નહીં, જ્યારે કેટલાક પૉલિશ બાળકોએ ભારતના મસાલાયુક્ત ખોરાક અંગે ફરિયાદ કરી ત્યારે મહારાજાએ ખાસ તેમના માટે રસોઈ બનાવવા માટે સાત પૉલિશ રસોઈયા રાખ્યા હતા. તદુપરાંત, તેમના શિક્ષણ માટે પણ પૉલિશ શિક્ષકો રાખવામાં આવ્યા હતા.
તે જ રીતે, મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં પણ લગભગ 5 હજાર પૉલિશ નાગરિકોએ શરણ લીધું હતું અને તેમને તમામ વ્યવસ્થા અને સગવડો પૂરી પાડવામાં આવી હતી. ભારતમાં પૉલિશ નાગરિકોએ શરણ લીધું હોય તેવા આ બે જ સ્થળો છે, કોલ્હાપુર અને નવાનગર.
જોકે, ગત ફેબ્રુઆરીમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે યુક્રેનમાં અનેક ભારતીય વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા. ભારત સરકારે તાત્કાલિક તેમને પરત લાવવા માટે ‘મિશન ગંગા’ શરૂ કરી દીધું હતું પરંતુ તે દરમિયાન પૉલેન્ડ સરકારે આ ભારતીય વિદ્યાર્થીઓને શરણ આપીને ઋણ ચૂકવ્યું હતું.