રાજસ્થાન પોલીસના એન્ટી કરપ્શન બ્યુરોએ રવિવારે રાત્રે અજમેરમાંથી તમિલનાડુ પોલીસના 12 જવાનોની અટકાયત કરી લીધી હતી. તેમની ઉપર ગોલ્ડ ચોરી મામલેના એક કેસમાંથી એક દંપતીનું નામ કાઢી નાંખવા માટે 25 લાખ રૂપિયાની રિશ્વત માંગી હોવાનો આરોપ લાગ્યો છે. હાલ તમામની પૂછપરછ ચાલી રહી છે.
અજમેર પોલીસને 4 માર્ચના રોજ આ બાબતની જાણ થઇ હતી. ત્યારબાદ ACBની ટીમે ફરિયાદની ખરાઈ કરીને, આરોપો તપાસી તમિલનાડુ પોલીસના 12 જવાનોને પકડી લીધા હતા. હાલ પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.
આ મામલો 105 તોલા સોનાની ચોરીનો છે. જેને લઈને તમિલનાડુમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ચોરીમાં રાજસ્થાનના ભિનાયના ભૈરુખેડાના પણ અમુક લોકોનું નામ સામે આવ્યું હતું. જેને લઈને તપાસ માટે તમિલનાડુ પોલીસ રાજસ્થાન પહોંચી હતી.
અહીં તપાસ દરમિયાન તેમણે ભિનાયની એક સોનિયા સોની નામની મહિલાની તેના ઘરેથી અટકાયત કરી લીધી. તમિલનાડુ પોલીસ પર સોનિયા અને તેના પતિનું નામ કેસમાંથી કાઢી નાંખવા માટે 25 લાખ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ લાગ્યો છે. આ આરોપોની ફરિયાદ રાજસ્થાન પોલીસને મળતાં તેમણે કાર્યવાહી શરૂ કરી હતી.
રાજસ્થાન પોલીસના જણાવ્યા અનુસાર, ગત 4 માર્ચે તમિલનાડુ પોલીસે સોનિયાની અટકાયત કરીને તેની પાસેથી પૈસાની માંગ કરી હોવાની જાણ થયા બાદ અજમેર એસીબીની ટીમ એક્શનમાં આવી હતી.
એસીબીની ટીમે ફરિયાદની ખરાઈ કર્યા બાદ અને લાંચ માંગી હોવાના આરોપોની પુષ્ટિ કર્યા બાદ ટ્રેપની કાર્યવાહી કરીને તમિલનાડુ પોલીસના 12 જવાનોની અટક કરી લીધી હતી. પોલીસે જણાવ્યું કે, આ મામલે ઊંડી તપાસ કરીને આગળની જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ, તમિલનાડુ પોલીસ પાસે આ કેસની સમગ્ર વિગતો પણ માંગવામાં આવી રહી છે.
તમિલનાડુ પોલીસના જવાનોની અટકાયત મામલે રાજસ્થાન ACBના DIG સમીર કુમાર સિંહે જણાવ્યું કે, 4 માર્ચ, 2023ના રોજ ફરિયાદ મળી હતી કે તમિલનાડુ પોલીસની એક ટીમ ભિનાય પોલીસ મથક વિસ્તારમાંથી સોનિયા સોનીને ઘરેથી ઉઠાવી લઇ ગઈ હતી અને તેનું અને તેના પતિનું નામ ચોરીના કથિત કેસમાંથી કાઢવા માટે 25 લાખ રૂપિયાની માંગ કરવામાં આવી છે. ખરાઈ કર્યા બાદ લંચ માંગવાના આરોપોની પુષ્ટિ થઇ, ત્યારબાદ ટ્રેપની કાર્યવાહી કરવામાં આવી.