પાડોશી દેશ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને જેલના સળિયા પાછળ ધકેલવાની તૈયારીઓ ચાલી રહી છે. આજે પાકિસ્તાનની પોલીસ તેમના લાહોર સ્થિત ઘરે ધરપકડ કરવા માટે પહોંચી હતી. બીજી તરફ, ઇમરાનની સંભવિત ધરપકડને લઈને તેમની પાર્ટી PTIના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી પડ્યા છે.
રિપોર્ટ્સ અનુસાર, આ કાર્યવાહી તોષાખાના કેસ મામલે કરવામાં આવી રહી છે. ઇસ્લામાબાદ પોલીસની ટીમ આજે ઇમરાન ખાનના લાહોર સ્થિત ઘરે પહોંચી હતી. જાણવા મળી રહ્યું છે કે તોષાખાના કેસમાં ઇમરાન ખાનને હાજર રહેવા માટે વારંવાર સમન્સ પાઠવવામાં આવ્યા છતાં તેમણે હાજરી આપી ન હતી, જેના કારણે સેશન્સ કોર્ટે ઇમરાન સામે બિનજામીનપાત્ર વોરંટ ઈસ્યૂ કર્યું છે.
عدالتی احکامات کے مطابق عمران خان کی گرفتاری کےلیے اسلام آباد پولیس کی ٹیم لاہور پہنچی ہے۔
— Islamabad Police (@ICT_Police) March 5, 2023
لاہور پولیس کے تعاون سے تمام کارروائی مکمل کی جارہی ہے۔
عدالتی احکامات کی تکمیل میں رکاوٹ ڈالنے والوں کے خلاف قانونی کارروائی عمل میں لائی جائے گی۔
1/2
ઇસ્લામાબાદ પોલીસે કાર્યવાહીની પુષ્ટિ કરતાં કહ્યું કે, કોર્ટના આદેશ મુજબ ઇમરાન ખાનની ધરપકડ કરવા માટે ઇસ્લામાબાદ પોલીસની એક ટીમ લાહોર પહોંચી છે. લાહોર પોલીસ સાથે સંપર્કમાં રહીને તમામ કાર્યવાહી આટોપવામાં આવી રહી છે. PTI કાર્યકરોના પ્રદર્શનનો ઉલ્લેખ કર્યા વગર કહેવામાં આવ્યું કે જે કોઈ પણ કોર્ટના આદેશના અમલીકરણમાં નડતરરૂપ બનશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
અન્ય એક ટ્વિટમાં કહેવામાં આવ્યું કે ઇમરાનની ધરપકડ માટે એસપી તેમના રૂમમાં ગયા હતા પરંતુ તેઓ ત્યાં જોવા મળ્યા નથી. હજુ પણ પોલીસની ટીમ તેમના ઘરે જ હાજર છે. પોલીસનું કહેવું છે કે તેઓ ખાલી હાથે જશે નહીં. બીજી તરફ, PTIએ ધરપકડ થવા પર મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.
ઇસ્લામાબાદના ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ અકબર નાસિરે મીડિયાને જણાવ્યું કે પોલીસે ઇમરાન ખાનને કોર્ટની નોટિસ વિશે અવગત કરીને તેમની સાથે આવવા માટે વિનંતી કરી છે. તેમણે કહ્યું, “અમે આદર સાથે ઇમરાન ખાનને અમારી સાથે આવવા માટે વિનંતી કરી છે જેથી કોર્ટના આદેશનું પાલન થઇ શકે અને તેમને કોર્ટમાં રજૂ કરી શકાય.” તેમણે કહ્યું કે ઇસ્લામાબાદ અને લાહોર પોલીસ હાલ સ્થળ પર હાજર છે અને તેમની ધરપકડ સિવાય તેઓ જગ્યા છોડશે નહીં.
શું છે તોષાખાના કેસ?
ઇમરાન ખાન પર આરોપ લાગ્યો છે કે તેમણે વડાપ્રધાન રહેતાં વિદેશી નેતાઓ પાસેથી મળેલી ભેટો સરકારી ખજાનામાંથી સસ્તા ભાવે ખરીદી લીધા બાદ વેચી નાંખી હતી. એવો પણ આરોપ છે કે ઇમરાન ખાને ઈન્ક્મ ટેક્સ રિટર્નમાં આ ભેટના વેચાણ અંગે કોઈ ઉલ્લેખ કર્યો ન હતો.
ઇમરાન ખાન વર્ષ 2018માં પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા હતા. ત્યારથી તેમણે વિવિધ દેશોની યાત્રા કરી તે દરમિયાન તેમને જે-તે દેશોના વડા અને અન્ય લોકો-સંસ્થાઓ પાસેથી જે ભેટો મળી હતી તેને નિયમાનુસાર સરકારી ખજાનામાં તો જમા કરાવી દીધી હતી, પરંતુ આરોપ છે કે તેમણે ત્યારબાદ આ ભેટોને સસ્તા ભાવે ખરીદી લઈને ઊંચી કિંમતે વેચી નાંખી હતી.
આ મામલે પાકિસ્તાનના ચૂંટણી પંચે એક ચુકાદો આપીને ઇમરાન પર પાંચ વર્ષ સુધી ચૂંટણી લડવાનો પ્રતિબંધ મૂકી દીધો હતો. સાથે તેમની સામે ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ યોગ્ય કાર્યવાહી કરવા પણ જણાવ્યું હતું. જેનો હાલ કેસ ચાલી રહ્યો છે.