Friday, September 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઇમરાન ખાને પોતાને મળેલી ભેટ-સોગાદો સરકારી ખજાનામાંથી લઈને ઊંચા ભાવે વેચી મારી,...

    ઇમરાન ખાને પોતાને મળેલી ભેટ-સોગાદો સરકારી ખજાનામાંથી લઈને ઊંચા ભાવે વેચી મારી, ચૂંટણી પંચે ગેરલાયક ઠેરવ્યા: હવે નહીં લડી શકે ચૂંટણી

    ઇમરાન ખાન પર આરોપ લાગ્યો છે કે તેમણે વડાપ્રધાન રહેતાં વિદેશી નેતાઓ પાસેથી મળેલી ભેટો સરકારી ખજાનામાંથી સસ્તા ભાવે ખરીદી લીધા બાદ વેચી નાંખી હતી.

    - Advertisement -

    પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની પદ પરથી હકાલપટ્ટી થઇ ત્યારથી તેમના દિવસો ખરાબ ચાલી રહ્યા છે. હવે પાકિસ્તાનના ચૂંટણી પંચે તેમની ઉપર કોઈ પણ પદ મેળવવા પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂકી દીધો છે. જેથી આગામી પાંચ વર્ષ સુધી ઇમરાન ખાન ચૂંટણી લડી શકશે નહીં અને સાંસદ પણ રહી શકશે નહીં. બીજી તરફ, ચૂંટણી પંચે તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે પણ સૂચન કર્યું છે. 

    ઇમરાન ખાન વિરુદ્ધ આ કાર્યવાહી ‘તોષાખાના કેસ’ મામલે કરવામાં આવી છે. ઇમરાન ખાન પર આરોપ લાગ્યો છે કે તેમણે વડાપ્રધાન રહેતાં વિદેશી નેતાઓ પાસેથી મળેલી ભેટો સરકારી ખજાનામાંથી સસ્તા ભાવે ખરીદી લીધા બાદ વેચી નાંખી હતી. આ મામલે ચૂંટણી પંચે કેસ ચલાવ્યો હતો. પરંતુ ઇમરાન ખાન સંતોષકારક ખુલાસો ન આપી શકતાં ચૂંટણી પંચે તેમની ઉપર પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂકી દીધો છે. 

    પાકિસ્તાનની સત્તાધારી ગઠબંધન સરકારની પાકિસ્તાન ડેમોક્રેટિક મુવમેન્ટના સાંસદોએ એક અરજી દાખલ કરીને ઇમરાન ખાન પર આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે ઇમરાન ખાને કથિત રીતે આ બાબતનો ખુલાસો પણ આપ્યો ન હતો અને નિવેદનોમાં જાણકારી પણ છુપાવી હતી. એવો પણ આરોપ છે કે ઇમરાન ખાને ઈન્ક્મ ટેક્સ રિટર્નમાં આ ભેટના વેચાણ અંગે કોઈ ઉલ્લેખ કર્યો ન હતો. 

    - Advertisement -

    આ મામલે મુખ્ય ચૂંટણી કમિશનર સિકંદર સુલતાન રઝાની અધ્યક્ષતાવાળી એક બેન્ચે સુનાવણી હાથ ધરી હતી અને તમામ પક્ષોને સાંભળ્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ઇમરાન ખાને ચૂંટણી પંચને જણાવ્યું હતું કે, સરકારી ખજાનામાંથી આ ભેટો રૂ. 2.15 કરોડમાં ખરીદવામાં આવી હતી અને તેને વેચીને રૂ. 5.8 કરોડ મળ્યા હતા. જેમાં મોંઘી ઘડિયાળ, પેન વગેરે સામેલ હતાં. 

    ઇમરાન ખાન વર્ષ 2018માં પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા હતા. ત્યારથી તેમણે વિવિધ દેશોની યાત્રા કરી તે દરમિયાન તેમને જે-તે દેશોના વડા અને અન્ય લોકો-સંસ્થાઓ પાસેથી જે ભેટો મળી હતી તેને નિયમાનુસાર સરકારી ખજાનામાં તો જમા કરાવી દીધી હતી, પરંતુ આરોપ છે કે તેમણે ત્યારબાદ આ ભેટોને સસ્તા ભાવે ખરીદી લઈને ઊંચી કિંમતે વેચી નાંખી હતી. 

    આ મામલે ચુકાદો આપતાં શુક્રવારે પાકિસ્તાનના ચૂંટણી પંચે નોંધ્યું હતું કે, ઇમરાન ખાને ભ્રષ્ટાચાર કર્યો હતો. ત્યારબાદ તેમને સાંસદ પદેથી બરતરફ કરી દેવામાં આવ્યા હતા. પંચે એમ પણ કહ્યું છે કે, તેમની સામે ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. 

    ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન બંને દેશોમાં, વડાપ્રધાન, સાંસદો, મંત્રીઓ અને બ્યુરોક્રેટ્સને વિદેશોમાંથી મળતી ભેટ-સોગાદો સરકારી ખજાનામાં જમા થાય છે. જેની ત્યારબાદ હરાજી થાય અથવા તો જે-તે વ્યક્તિ યોગ્ય કિંમતે ખરીદી શકે છે. હાલના પીએમ નરેન્દ્ર મોદી તેમને મળેલ ભેટ ખરીદતા નથી પરંતુ હરાજી કરી નાંખે છે અને તેના પૈસા વિવિધ યોજનાઓમાં દાન કરી દે છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં