આજે બધે જ ભાર વિનાના ભણતરની વાતો તો થાય છે, પરંતુ તેનો અમલ કોઈ કરતુ હોય તેમ લાગતું નથી. વધુમાં વધુ ગુણ કેવી રીતે લાવવા તેની સ્પર્ધા જ ચાલતી હોય છે. તેના કારણે બાળકોમાં ખોટી અને ગંભીર અસર પડતી હોય છે. આવી અસરો અંતે આત્મહત્યા જેવા પગલા સુધી દોરી જાય છે. આવી જ એક દુખદ ઘટના રાજસ્થાનમાં બની છે. ધોરણ 10ની વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી છે.
મળતી માહિતી અનુસાર, રાજસ્થાનના દૌષામાં ગત 13 માર્ચના રોજ એક વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા પહેલા તેને પરિવારને સંબોધીને એક પત્ર પણ લખ્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે તે માનસિક દબાણ અનુભવે છે, તે 95%થી વધુ ગુણ લાવી શકે તેમ નથી. તેણે પત્રમાં આ પગલું ભરવા બદલ માતા પિતાની માફી પણ માંગી હતી.
આત્મહત્યા કરનાર દીકરીની ઓળખ ખુશ્બુ મીણા તરીકે થઇ છે. તેની ઉમર 15 વર્ષની હતી અને ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. હાલમાં આવનારી બોર્ડની પરિક્ષાની તૈયારી કરી રહી હતી, પરંતુ પરિક્ષાની દબાણ સહન ન કરી શકતા તેણે આ દુખદ પગલું ભર્યું હતું.
આ પગલું ભર્યું ત્યારે તેના માતા શાળાની ફીસ ભરવા ગયા હતા, તેના પિતા નોકરી પર ગયા હતા અને તેનો નાનો ભાઈ કે જે ધોરણ-4માં અભ્યાસ કરે છે તે બન્ને એકલા હતા. આ દરમિયાન તેણે ફાંસી લગાવી આત્મહત્યા કરી હતી. જયારે માતા શાળાથી પરત ફરી ત્યારે આ ઘટનાની જાણ થઇ હતી. તેના પિતાને જાણ કરતા તે પણ દોડી આવ્યા હતા. જલ્દી હોસ્પિટલ લઇ જવામાં આવી હતી, જ્યાં તેને મૃત જાહેર કરી હતી. આ ઘટનાના કારણે મૃતકની માતા પણ બેહોશીની હાલતમાં થઇ ગયા હતા.
તેમના પિતાનું કહેવું છે કે અમે કોઈ દિવસ તેને ટકા લાવવાની કે ભણવાનું દબાણ કર્યું નથી. તે પોતે જ ભણવામાં હોશિયાર હતી. આ બાબતે તેના શિક્ષકે પણ કહ્યું હતું કે તે અતિ મેઘાવી વિદ્યાર્થીની હતી. આ ઘટનાના કારણે અમે એક રતન ગુમાવ્યું છે. માતાનું કહેવું છે કે તે તેની રીતે જ અભ્યાસમાં ધ્યાન આપતી હતી. અમે કોઈ દિવસ કલ્પના પણ નહોતી કરી કે અમારી દીકરી આવું પગલું ભરશે.
અમે વાંચકોને અપીલ કરીએ છીએ કે આત્મહત્યાએ કોઈ સમાધાન નથી. કોઈ પણ નબળા વિચારો આવે તો નિષ્ણાતોની મદદ લેવી જોઈએ.