ભારતમાં ડાબેરીઓ, કોંગ્રેસીઓ, સ્યુડો સેક્યુલરો કાયમ લોકતંત્ર જોખમમાં હોવાની બૂમો પાડતા રહે છે. હમણાં રાહુલ ગાંધી પણ કેમ્બ્રિજમાં જઈને આવી જ વાતો કરી આવ્યા. પરંતુ જ્યારે વાત પોતે આ લોકતંત્ર જાળવવાની કે તેનું પાલન કરવાની આવે ત્યારે તેઓ સાઈડ પરનો રસ્તો કાઢી લે છે. આવું એક ઉદાહરણ હમણાં કોચીમાં સામે આવ્યું જ્યાં SFI કાર્યકરોએ એક મીડિયા હાઉસ એશિયાનેટની ઑફિસ પર હુમલો કરી દીધો હતો.
શુક્રવારે (3 માર્ચ, 2023) સાંજે આ ઘટના બની. કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાની (CPI-M) વિદ્યાર્થી પાંખ SFI (સ્ટુડન્ટ્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા)ના 30 જેટલા કાર્યકરો મીડિયા સંસ્થા એશિયાનેટની કોચી સ્થિત ઑફિસ ખાતે ઘૂસી ગયા હતા અને ધમાલ મચાવી હતી. આ કાર્યકરોએ હુમલો કરીને નારાબાજી કરી તો કર્મચારીઓને ધમકાવ્યા હતા.
મીડિયા હાઉસે પોલીસને પણ જાણ કરી હતી પરંતુ પોલીસ આવે તે પહેલાં SFI કાર્યકરો ઑફિસની બહાર આપત્તિજનક પોસ્ટરો ચોંટાડીને ફરાર થઇ ગયા હતા. મામલાને લઈને એશિયાનેટના નિવાસી તંત્રી અભિલાષ નાયરની ફરિયાદના આધારે પોલીસે SFIના સભ્યો સામે IPCની કલમ 143, 147 અને 149 હેઠળ કેસ દાખલ કર્યો છે.
વાસ્તવમાં ગત શનિવારે CPI-Mએ એશિયાનેટ સામે ફેક ન્યૂઝ ચલાવવાની ફરિયાદ આપી હતી. જેમાં કેરળની એક શાળામાં 10થી વધુ વિદ્યાર્થીનીઓના ઉત્પીડનને લઈને એક સગીર છોકરીનો ઉપયોગ કરીને ફર્જી સમાચાર બનાવી કાઢવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આજે SFI કાર્યકરોએ સીધો હુમલો જ કરી દીધો હતો.
આ ઘટના અંગે જ્યારે એશિયાનેટે CPI-M નેતાનો સંપર્ક કર્યો ત્યારે તેમણે પહેલાં એમ કહ્યું કે આ ઘટનાની તેમને કશું જાણકારી જ નથી. પછીથી સાથે નૈતિકતાની શિખામણ પણ આપી દીધી હતી. પાર્ટીના સેન્ટ્રલ કમિટી મેમ્બર ઈપી જયરાજને મીડિયાને કહ્યું કે, તમે પૂછ્યું ત્યારે મને ઘટનાની જાણકારી મળી છે. હું તપાસ કર્યા બાદ જ કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરીશ. સાથે તેમણે નૈતિકતાની શિખામણ આપતાં કહ્યું કે પ્રેસ સ્વતંત્રતાનો અર્થ એ નથી કે જે ઈચ્છે તે કહી શકાય છે. તમારે એ સમજવાની જરૂર છે.
BBC પરની કાર્યવાહીને લોકતંત્ર પરનો હુમલો ગણાવ્યો હતો, હવે ખરેખર એક મીડિયા હાઉસ પર હુમલો કરી દીધો
અહીં મુદ્દો BBC પર થયેલી કાર્યવાહીનો આવે છે. ગયા મહિને ઇન્કમ ટેક્સ વિભાગે BBCની દિલ્હી-મુંબઈની ઑફિસે સરવે હાથ ધર્યો હતો અને તપાસ કરી હતી. કોઈ પાર્ટીના કાર્યકરો ઑફિસે ધસી ગયા ન હતા કે ન કોઈ નારાબાજી થઇ હતી. ન વિભાગના કર્મચારીઓએ જઈને BBCની ઑફિસમાં ગેરવર્તન કર્યું હતું.
ઇન્કમ ટેક્સ વિભાગને નિયમોના ઉલ્લંઘન વિશે જાણ થઇ તો તેમણે સંસ્થાને નોટિસ મોકલી. નોટિસ મોકલ્યા છતાં સંતોષકારક પ્રત્યુત્તર ન મળ્યો ત્યારે કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે જઈને સરવે હાથ ધર્યો. પરંતુ તેમ છતાં ડાબેરીઓ અને કોંગ્રેસીઓએ આ કાર્યવાહીને લોકતંત્ર પર હુમલો ગણાવી દીધી હતી.
આ કાર્યવાહી બાદ CPI-Mના ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટ કરવામાં આવ્યું, જેમાં BBCની દિલ્હી-મુંબઈની ઑફિસો પર થતી કાર્યવાહીની ટીકા કરવામાં આવી અને સાથે સરકાર દ્વારા ટીવી ચેનલને ડરાવવાનો અને પરેશાન કરવાનો પ્રબળ પ્રયાસ ગણાવ્યો હતો.
The Communist Party of India (Marxist) condemns the searches conducted by the Income Tax department of the BBC offices in Delhi and Mumbai. This is a blatant attempt to intimidate and harass the television channel for having telecast the documentary, `The Modi Question’. pic.twitter.com/3i14KijN0i
— CPI (M) (@cpimspeak) February 14, 2023
BBC પરની કાર્યવાહી તો એક કાયદાકીય પ્રક્રિયાનો ભાગ હતી પરંતુ SFIના કાર્યકરો તો કાયદાનું ઉલ્લંઘન કરીને મીડિયાની ઓફિસમાં ઘૂસી ગયા હતા અને પત્રકારોને ધમકાવીને નારાબાજી કરી હતી. પરંતુ ત્યારે પાર્ટીનું વલણ સાવ બદલાઈ ગયું!
જોકે, કોંગ્રેસી અને ડાબેરીઓ માટે આ નવું નથી. તેઓ પ્રેસ સ્વતંત્રતાની બૂમો પાડતા રહે છે પરંતુ જ્યારે તેમની સરકારોની કે તેમના નેતાઓની ટીકા થાય ત્યારે વાત FIR સુધી પહોંચી જાય છે. તો ઘણી વખત કોંગ્રેસીઓએ રાહુલ ગાંધી પર બનેલાં મીમ્સ ડીલીટ કરાવવા માટે ધમપછાડા કરીને કાયદેસર કાર્યવાહીની ધમકી આપી હોવાના દાખલાઓ પણ બન્યા છે.