દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉપરાજ્યપાલને મંત્રી પદ માટે બે નવા નામ મોકલ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે એલજીને મોકલવામાં આવેલા પત્રમાં કેજરીવાલે આતિશી માર્લેના અને સૌરભ ભારદ્વાજ પર પસંદગીનો કળશ ઢોળ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. સત્યેન્દ્ર જૈન અને મનીષ સિસોદિયાએ મંત્રી પદ છોડ્યા બાદ માનવામાં આવી રહ્યું હતું કે દિલ્હી સરકારના મંત્રીમંડળમાં કેટલાક નવા ચહેરા સામેલ થઇ શકે છે. જો કે આ દાવાને હજુ સુધી સત્તાવાર રીતે સમર્થન મળ્યું નથી.
અહેવાલો અનુસાર આતિશી માર્લેના અને સૌરભ ભારદ્વાજ કેજરીવાલના નવા મંત્રી બને તેવી શક્યતાઓ જતાવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા મંગળવારે (28 ફેબ્રુઆરી 2023) મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને પોત-પોતાના મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. મુખ્યમંત્રીએ આ બન્ને રાજીનામા સ્વીકારી લીધા હતા. સિસોદિયા પર કેટલાક અન્ય સાથીઓ સાથે દારૂના કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ છે.
Delhi Chief Minister Arvind Kejriwal sent names of AAP MLAs Saurabh Bhardwaj and Atishi to Delhi LG to be elevated as ministers in the cabinet: Sources pic.twitter.com/IqemD3j19W
— ANI (@ANI) March 1, 2023
કોણ છે AAPના આ બંને ચહેરા
તાજેતરમાં MCDમાં મારામારી અને હોબાળો કરતા જોવા મળેલા આતિશીએ 2019માં પૂર્વ દિલ્હીથી ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર સામે લોકસભા ચૂંટણી લડી હતી, પરંતુ તેઓ જીતી શક્યા નહોતા. આ પછી, તેમણે 2020 ની વિધાનસભાની ચૂંટણીમાં કાલકાજી વિધાનસભાથી ચૂંટણી લડી હતી, જેમાં તેઓ જીત્યા હતા. કેજરીવાલ સરકારની વિવાદિત અને ભ્રષ્ટાચારના આક્ષેપો વાળી શિક્ષણ નીતિ તૈયાર કરવામાં પણ તેમની ભૂમિકા ભજવી છે. તેમણે શિક્ષણ ક્ષેત્રે સિસોદિયા સાથે કામ કર્યું છે. તેઓ શરૂઆતથી જ પાર્ટી સાથે જોડાયેલા છે અને પાર્ટીના સૌથી વિશ્વાસુ નેતાઓમાંની એક માનવામાં આવે છે. જો તેઓ મંત્રી બનશે તો કેજરીવાલ કેબિનેટમાં તેઓ પ્રથમ મહિલા મંત્રી બનશે કારણ કે હાલમાં દિલ્હી સરકારમાં એક પણ મહિલા મંત્રી નથી.
સૌરભ ભારદ્વાજની વાત કરીએ તો વિધાનસભામાં EVM હેકિંગનો ડેમો દેખાડીને ચર્ચામાં આવેલા સૌરભ દિલ્હીની ગ્રેટર કૈલાશ વિધાનસભા બેઠક પરથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ 2013માં પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને 49 દિવસની કેજરીવાલ સરકારમાં ચાર મોટા વિભાગોમાં મંત્રી પણ રહ્યા હતા. ભારદ્વાજ પરિવહન, ખાદ્ય અને પુરવઠા, પર્યાવરણ અને જીએડીના વિભાગો સાંભળી ચુક્યા છે. આ પછી 2015માં ફરી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જો કે તે વખતે તેમને મંત્રી બનાવવામાં આવ્યા ન હતા. ભારદ્વાજ 2020 માં ત્રીજી વખત ધારાસભ્ય અને 2022 માં દિલ્હી જલ બોર્ડના ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા.