ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે, દરેક નાગરિકને પોતાની ભાવના અને અસ્થા અનુસાર કોઈ પણ ધર્મનું પાલન કરવાની છૂટ છે. પરંતુ ધાક, ધમકી કે લાલચથી ધર્મપરિવર્તન કરવું કે કરાવવું એ ગુનો છે. આવો જ એક કિસ્સો ગાજીયાબાદથી સામે આવી રહ્યો છે. એક દંપતી યોજનાબદ્ધ રીતે લાલચ આપીને લોકોનો ધર્મપરિવર્તન કરાવી રહ્યા હતા. હાલમાં પોલીસે તેમની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ, આ મામલો ઉત્તરપ્રદેશના ગાજીયાબાદનો છે. અહિયાં એક દંપતી બાળકોને ટ્યુશન ભણાવવાના બહાને ધર્મપરિવર્તન કરાવતું હતું. ગાજીયાબાદમાં આવેલા કાનાવાણીમાં હોલ ભાડે રાખીને બાળકોને ટ્યુશન આપતા આપતા બાળકોને ચોકલેટ, બિસ્કીટ અને મીઠાઈ જેવી ચીઝો આપીને અન્ય ધર્મનું પાલન કરવા માટે શીખવાડવામાં આવતું હતું. તેઓ બાળકોને કહેતા હતા કે અમારો ધર્મ જ બધાથી શ્રેષ્ઠ છે. પીડિતના વાલીઓનો આરોપ છે કે તેઓ એવું કહેતા હતા કે તમારે દિવાળી કે હોળીના તહેવારો ઉજવવા નહીં, તમારે ક્રિસમસ ઉજવવાની. જો કે ફરિયાદ મળતા પોલીસે બંને પતિ-પત્નીની ધરપકડ કરી છે. વધુ તપાસ પોલીસ કરી રહી છે. પોલીસે આ બાબતે કોર્ટ પાસેથી રિમાન્ડ પણ માંગશે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી જોહન સંતોષ અને તેની પત્ની યુનાઈટેડ ક્રિશ્ચિયન પ્રેયર ફોર ઇન્ડિયા નામના સંગઠન સાથે જોડાયેલા છે. આ સંગઠન આયોજનબદ્ધ રીતે અન્ય ધર્મના લોકોનું ઈસાઈ ધર્મમાં રૂપાંતર કરાવતા હતા. પોલીસે વધુમાં ખુલાસો કર્યો હતો કે આ સંગઠન દ્વારા પ્રતિ વ્યક્તિ 20 લોકોનું ધર્મપરિવર્તન કરાવવાનું લક્ષ્ય આપવામાં આવતું હતું. તેમના આવાસ પરથી આવા ઘણા સાહિત્ય પણ મળી આવ્યા છે, જે ધર્મપરિવર્તન કરવાની ઘટનાની પુષ્ટિ કરતા હોય.
આ ઘટનાની જાણ સ્થાનિક હિંદુ સંગઠનોને થતા તેઓએ પ્રદર્શન કરી વિરોધ નોધાવ્યો હતો. ઉપરાંત બજરંગદળના કાર્યકર્તાઓ આ મામલે ફરિયાદી પણ બન્યા હતા. તેઓએ નાગર નામના વ્યક્તિને હાજર કર્યો હતો જેણે જોહન સંતોષ પર આરોપ લગાવ્યો હતો કે તેણે તેને આર્થિક લાલચ આપી હતી, જેમાં ઘર બનાવવા માટે પૈસા પણ આપવા કહ્યું હતું. બદલામાં તેણે હિંદુ ધર્મ છોડીને ઈસાઈ બનવા માટે કહ્યું હતું. પોલીસ આ આરોપની પણ તપાસ કરી રહી છે. પોલીસે પીડિતોને બાહેધરી આપી છે કે તેઓ આ દંપતીનો કોર્ટમાં રિમાન્ડ માંગીને છેલ્લે સુધી તપાસ કરશે. હાલ બંને વિરુદ્ધમાં ઉત્તરપ્રદેશમાં બનેલા ધર્મપરિવર્તન વિરોધી કાયદા અંતર્ગત ફરિયાદ નોધવામાં આવી છે.
આ પહેલી વાર નથી કે મિશનરીઓ દ્વારા લાલચ આપીને ધર્મપરિવર્તન કરાવવામાં આવ્યું હોય, અગાઉ આવા અસંખ્ય કિસ્સાઓ સામે આવી ચુક્યા છે.