પંજાબમાં સતત બગડતી જતી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે એક જાળમાં ગેંગવૉર થયાના સમાચાર મળી રહ્યા છે. ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાના બે આરોપીઓ વચ્ચે પંજાબની તરનતારન જેલમાં ઝપાઝપી થઇ ગઈ હતી, જેમાં બેનાં મોત થયાં છે, જ્યારે એકને ઇજા પહોંચી છે.
Punjab | There was a fight btw miscreants in Goindwal Sahib jail, in which Duran Mandeep Singh Toofan, resident of Rayya was killed. Keshav resident of Bathinda & Manmohan Singh Mohana, resident of Budhlada, were admitted to Civil Hospital Tarn Taran: DSP Jaspal Singh Dhillon
— ANI (@ANI) February 26, 2023
ઘટના તરનતારન જિલ્લાની ગોઈંદવાલ જેલની છે. અહીં રવિવારે બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં કેદીઓ વચ્ચે ધમાલ થઇ હતી જેમાં મનદીપસિંહ તૂફાન, મનમોહન સિંહ મોહના અને કેશવ નામના ત્રણ કેદીઓનાં માથાં પર ધારદાર હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ત્રણેય આરોપીઓ સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસમાં જેલમાં બંધ હતા, જેમાંથી બેનાં મોત થયાં છે.
લડાઈમાં મનદીપસિંઘ તૂફાન જેલમાં જ માર્યો ગયો હતો જ્યારે કેશવ અને મનમોહન મોહનાને તરનતારનની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ ટૂંકી સારવાર બાદ મોહનાનું પણ મોત થયું હતું. હાલ કેશવ સારવાર હેઠળ છે. આ ધમાલમાં અન્ય પણ કેટલાક કેદીઓ ઘાયલ થયાના સમાચાર મળ્યા છે.
માર્યો ગયેલો ગેંગસ્ટર મનદીપ તૂફાન ગાયક મૂસેવાલાની હત્યા દરમિયાન સ્ટેન્ડબાય શૂટર તરીકે હાજર હતો. કહેવામાં આવી રહ્યું છે કે તેની કોઈ વાતને લઈને જેલના અન્ય કેદીઓ સાથે બબાલ થઇ ગઈ હતી, ત્યારબાદ કેદીઓએ તેને મારી-મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
મૂસેવાલાની હત્યાના માસ્ટરમાઈન્ડ ગોલ્ડી બરાડે મનદીપને સ્ટેન્ડ બાય પર રાખ્યો હતો અને મૂસેવાલાની જ્યારે હત્યા થઇ ત્યારે તે ઘટનાસ્થળની આસપાસ જ હતો. હત્યા બાદ તે અન્ડરગ્રાઉન્ડ થઇ ગયો હતો પરંતુ પછી પોલીસના હાથે લાગી ગયો હતો. તેણે શૂટરોને વાહનની પણ વ્યવસ્થા કરી આપી હતી.
મનમોહને સિદ્ધુ મૂસેવાલાની હત્યા પહેલાં રેકી કરી હતી અને હત્યારાઓને જાણકારી આપી હતી. કેશવે મૂસેવાલા હત્યાના આરોપીઓને આશરો પૂરો પાડ્યો હતો. આ ત્રણેય એક જ ગ્રુપના હતા અને અન્ય પણ ઘણા ગુનાઓમાં આરોપી હતા.
જાણવા મળ્યા અનુસાર મનદીપ અને તેનો અન્ય એક સાથી 10 દિવસ સુધી મૂસેવાલાના ઘરી રેકી કરતા હતા અને કેનેડામાં બેઠેલા ગોલ્ડી બરાડને જાણકારી આપતા હતા.
29 મે 2022ના રોજ થઇ હતી સિદ્ધુ મૂસેવાલાની હત્યા
સિદ્ધુ મૂસેવાલાની હત્યા ગત વર્ષે 29 મેના રોજ કરી નાંખવામાં આવી હતી. તેના એક દિવસ પહેલાં જ પંજાબની આમ આદમી પાર્ટી સરકારે તેમની સુરક્ષા પરત ખેંચી લીધી હતી. તેઓ કારમાં જઈ રહ્યા હતા ત્યારે ગોળી મારવામાં આવી હતી અને સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા.
મામલાની તપાસમાં આ હત્યા પાછળ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઈનું નામ સામે આવ્યું હતું, જે કેનેડાના ગોલ્ડી બરાડનો નજીકનો માણસ છે. 23 નવેમ્બરે NIAએ બિસ્નોઈની ધરપકડ કરી લીધી હતી. બંનેએ તેમના મિત્ર વિક્કી મીદ્દુખેડાની હત્યાનો બદલો લેવા માટે મૂસેવાલાની હત્યા કરી હતી. તેમણે સિદ્ધુ મૂસેવાલા પર મીદ્દુખેડાના હત્યારાઓને આશરો આપવાનો આરોપ લગાવ્યો હતો.
આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાવ ખાડે ગઈ છે. બે દિવસ પહેલાં જ ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંઘના સમર્થકો અમૃતસરના અજનાલા પોલીસ મથકે હથિયારો લઈને ઘૂસી ગયા હતા અને ઉત્પાત મચાવ્યો હતો.