રામનગરી અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરનું નિર્માણકાર્ય પુરજોશથી ચાલી રહ્યું છે ત્યારે મંદિર નિર્માણ અને અયોધ્યાવાસીઓ માટે ઐતિહાસિક દિવસ છે. આજથી રામમંદિરના ગર્ભગૃહનું નિર્માણ થવા જઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે રામમંદિરના ગર્ભગૃહનું ખાતમહુર્ત કરીને નિર્માણકાર્યનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો.
રામમંદિરના ગર્ભગૃહના શિલાન્યાસ પૂજન પહેલાં સીએમ યોગી આદિત્યનાથ હનુમાનગઢી મંદિર ગયા હતા અને હનુમાનજીના દર્શન કર્યા હતા.
अयोध्या में श्रीराम जन्मभूमि परिसर में रामलला जी के गर्भ गृह के निर्माण कार्य का शुभारम्भ करते #UPCM @myogiadityanath https://t.co/BIMmBTb65k
— CM Office, GoUP (@CMOfficeUP) June 1, 2022
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે સવારે અભિજિત મુહૂર્ત, મૃગાશિરા નક્ષત્ર અને આનંદ યોગમાં પૂજા કર્યા બાદ ગર્ભગૃહની પ્રથમ શિલા મૂકી હતી. રામલલાના જન્મસ્થળ પર બનાવવામાં આવનાર ગર્ભગૃહનું કદ 20 ફૂટ પહોળું અને 20 ફૂટ લાંબુ હશે.
મુખ્યમંત્રી સવારે 10:30 વાગ્યાની આસપાસ રામ જન્મભૂમિ સંકુલ પહોંચ્યા હતા, જ્યાં તેમણે 40 પ્રકાંડ બ્રાહ્મણોની હાજરીમાં ભગવાનના ગર્ભગૃહમાં પૂજા કરી હતી. રામજન્મભૂમિના ગર્ભગૃહની પૂજામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા 90 મઠો અને મંદિરોના મહંતોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સાથે અયોધ્યાના અનેક પ્રતિષ્ઠિત સંતો-મહંતો અને જનપ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
રામમંદિરના ગર્ભગૃહના શિલાન્યાસ પહેલાં સીએમ યોગીએ કહ્યું કે, “હવે એ દિવસો દૂર નથી જયારે અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર બનીને તૈયાર થઇ જશે. આ મંદિર ભારતનું રાષ્ટ્ર મંદિર હશે. તેમણે કહ્યું કે, છેલ્લા 500 વર્ષોથી દેશના સાધુ-સંતો રામમંદિર માટે આંદોલન ચલાવી રહ્યા હતા. આજે એ તમામ લોકોના હૃદયને આનંદ થશે.”
श्रीराम जन्मभूमि मंदिर भारत का ‘राष्ट्र मंदिर’ होगा।
— CM Office, GoUP (@CMOfficeUP) June 1, 2022
भारत की आस्था को सम्मान देने के साथ-साथ देश की एकात्मकता का प्रतीक होगा: #UPCM @myogiadityanath pic.twitter.com/n2ZmO8C8iQ
અત્રે ઉલ્લેખનીય છે કે રામજન્મભૂમિ સંકુલમાં પાંચ દિવસીય અનુષ્ઠાન ચાલી રહ્યું છે અને વૈદિક બ્રાહ્મણો સવારે 3 કલાક અને સાંજે 3 કલાક પૂજા કરી રહ્યા છે. અનુષ્ઠાનના ઉપક્રમમાં રામ જન્મભૂમિ સંકુલમાં રામરચના, દુર્ગા સપ્તશતી, રુદ્રાભિષેક, રામ રક્ષા સ્તોત્ર, વિષ્ણુ સહસ્ત્રનામ, હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરવામાં આવી રહ્યો છે. રામમંદિરની આધારશિલા રાખવામાં આવી તે સાથે જ 29 મેથી શરૂ થયેલા સર્વદેવ અનુષ્ઠાનનું સમાપન થયું હતું.
રામમંદિરના ગર્ભગૃહનું ખાતમહુર્ત થયું તે સાથે જ ઘણા સમયથી નક્શીકામ કરવામાં આવી રહેલા પથ્થરોનું કામ શરૂ થઇ ગયું છે. આ માટે રાજસ્થાન અને અયોધ્યામાં અનેક વર્કશોપમાં પથ્થરોનું નક્શીકામ ચાલી રહ્યું છે. રાજસ્થાન સાથે યુપીના કારીગરોને પણ આ કામમાં લગાડવામાં આવ્યા છે.
અયોધ્યા સ્થિત શ્રીરામજન્મભૂમિ કાર્યશાળામાં પથ્થરના નકશીકામનું કાર્ય 1992થી ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં મંદિર નિર્માણ માટે પિલર્સ પર નક્શીકામ લગભગ પૂર્ણ થઇ ચૂક્યું છે, ઉપરાંત છતના પથ્થરો પણ તૈયાર થઇ ચૂક્યા છે. આવી ત્રણ કાર્યશાળા રાજસ્થાનમાં સ્થાપવામાં આવી છે, જ્યાંથી પથ્થરો તૈયાર કરીને અયોધ્યા લાવવામાં આવી રહ્યા છે. મંદિર નિર્માણમાં સિમેન્ટ-સળિયાનો ઉપયોગ થઇ રહ્યો નથી.
આ પહેલાં રામમંદિર નિર્માણ માટે જેટલા પથ્થરોની જરૂર હતી તેમાંથી 70 ટકા પથ્થરોનું કામ પૂર્ણ થઇ ગયું હતું. પરંતુ 2019 માં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મંદિરનું મોડેલ નવેસરથી બનાવવામાં આવ્યું અને મોટાપાયે આયોજન કરવામાં આવ્યું, જેના કારણે પથ્થરોની જરૂરિયાત પણ વધી ગઈ હતી.
અયોધ્યામાં પ્રભુ શ્રીરામના મંદિરનું નિર્માણકાર્ય હાલ ચાલી રહ્યું છે. ડિસેમ્બર 2023 સુધીમાં મંદિરનું ગર્ભગૃહ તૈયાર થઇ જશે અને સામાન્ય લોકો ભગવાનના દર્શન કરી શકશે. જ્યારે 2024 સુધીમાં મંદિર નિર્માણ અને 2025 અંત સુધીમાં મંદિર પરિસર બનીને તૈયાર થશે.