ગત વર્ષે નવરાત્રિમાં ખેડામાં ચાલુ ગરબાએ મુસ્લિમ યુવકોએ પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ ખેડા પોલીસે જાહેરમાં આ ઈસમોને મેથીપાક આપ્યો હતો. આ મામલો ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યો હતો, જ્યાં ચાલુ ગરબામાં પથ્થરમારો કરનારાઓને પાઠ ભણાવવા મામલે ખેડાના જિલ્લા પોલીસ અધિક્ષકે સોગંદનામું દાખલ કર્યું છે.
પોલીસે કહ્યું કે, કાયદો-વ્યવસ્થા અને શાંતિ જાળવવા આ પ્રકારની કાર્યવાહી જરૂરી હતી. નોંધનીય છે કે ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેલા ગામમાં નવરાત્રીની ઉજવણી દરમિયાન મુસ્લિમો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં 6 લોકો ઘાયલ થયા હતા.
અહેવાલો અનુસાર ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરતાં ખેડા જીલ્લા પોલીસ અધિક્ષક રાજેશ કુમાર ગઢિયાએ નોંધ્યું હતું કે, ડર અને હિંસા ફેલાવવા માટે કરવામાં આવેલા ગરબામાં પથ્થરમારો કરનારાઓને પાઠ ભણાવવો જરૂરી હતો અને આ કાર્યવાહી માત્ર શાંતિ, સુલેહ, કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે કરવામાં આવી હતી. તેના માટે જ શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી હતી.
ખેડા પોલીસ અધિક્ષકે સોગંદનામામાં જણાવ્યું કે, મુસ્લિમોએ હિંદુ સમુદાયમાં ભય સર્જવા માટે અને કાયદો-વ્યવસ્થાને ખલેલ પહોંચાડવા માટે ગરબા સ્થળે પથ્થરમારો કર્યો હતો. જેના કારણે આવી ઘટના ફરી ઘટિત ન થાય તે માટે પોલીસે સંદિગ્ધોને પકડ્યા હતા.
આ મામલે ખેડાના એસપી આર.એચગઢિયા અને ખેડા એલસીબીના પીઆઇ એ.વી.પરમારે અલગ અલગ સોંગદનામાં રજૂ કરી જણાવ્યું હતું કે, પોલીસે આ કેસમાં આરોપીઓને ગુનાહિત ઇરાદાથી માર્યા ન હતા, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના ભાગરૂપે આરોપીઓને પકડવામાં આવ્યા હતા. જોકે આ કેસમાં એક પીઆઇ સહિત છ પોલીસ જવાનો દોષિત ઠર્યા છે, તેમની સામે ખાતાકીય તપાસ સહિતની કાર્યવાહી ચાલી રહી છે.
આરીફ અને ઝહીર સહિતના મુસ્લિમ ટોળાએ ખેલૈયાઓ પર પથ્થર વરસાવ્યા હતા
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 3 ઓક્ટોબરના રોજ ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેરા ગામમાં નવરાત્રીની ઉજવણી દરમિયાન પથ્થરમારો થયો હતો, જેમાં 6 લોકો ઘાયલ થયા હતા. આ બાબતે ડીએસપી ખેડાએ જણાવ્યું હતું કે ઉંધેલા ગામમાં નવરાત્રિની ઉજવણી દરમિયાન આરિફ અને ઝહીર નામના બે લોકોની આગેવાનીમાં મુસ્લિમ ટોળાએ હંગામો મચાવ્યો હતો. બાદમાં તેઓએ પથ્થરમારો કર્યો હતો જેમાં 6 ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે તુરંત માતર પોલીસ, LCB અને SOG સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો.
આ ઘટના બાદ પોલીસે સઘન કાર્યવાહી આદરી હતી, જેમાં આરોપીઓને ઝડપી પાડીને જાહેરમાં મેથીપાક આપ્યો હતો.