ઝારખંડમાં એક લવ જેહાદ કેસ સામે આવ્યો છે. અહીં એક 14 વર્ષીય સગીરાએ એક મુસ્લિમ યુવક પર નામ બદલીને મિત્રતા કરવાનો અને પોલ ખુલી ગયા બાદ ધર્માંતરણ કરીને નિકાહ કરવા માટે દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે. પીડિતાએ કહ્યું કે, તેણે ઇનકાર કરતાં તેને આપત્તિજનક વિડીયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી.
મામલો ઝરખડનના જમશેદપુરનો છે. પીડિતાના પરિવારે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે. આ મામલે હિંદુ સંગઠનો પણ સક્રિય થયાં છે અને કાર્યકર્તાઓએ પોલીસ મથકે પહોંચીને આરોપી સામે કેસ દાખલ કરીને કડક કાર્યવાહીની માંગ કરી છે.
પીડિતાનો આરોપ છે કે શાળાએ આવતાં-જતાં દરમિયાન તેની એક યુવક સાથે મિત્રતા થઇ હતી. તેણે પોતાનું નામ સમીર જણાવ્યું હતું. ત્યારબાદ તેણે લગ્ન કરવાનું કહીને જાળમાં ફસાવીને તેની સાથે વધુ નિકટતા કેળવી હતી અને આ દરમિયાન કેટલીક આપત્તિજનક તસ્વીરો પણ લઇ લીધી હતી.
તાજેતરમાં જ પીડિતાને જાણવા મળ્યું કે જેને તે સમીર તરીકે ઓળખતી હતી તે વાસ્તવમાં શબ્બીર ખાન છે. જોકે, કેટલાક અહેવાલોમાં તેનું નામ સાબિર હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે. પીડિતાએ કહ્યું કે, પોલ ખુલી ગયા બાદ શબ્બીરે તેની ઉપર લગ્ન માટે દબાણ કર્યું હતું.
આરોપ છે જ્યારે પીડિતાએ શબ્બીરને લગ્ન કરવાની ના પાડી દીધી તો તેણે અશ્લીલ તસ્વીરો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી અને કહ્યું હતું કે તે ધર્મ પરિવર્તન કરીને તેની સાથે લગ્ન કરી લે.
ડરી ગયેલી પીડિતાએ આ વાતની જાણ પોતાના પરિવારને કરી હતી. ત્યારબાદ પરિજનો વિશ્વ હિંદુ પરિષદ અને BJP કાર્યકર્તાઓ સાથે મળીને પોલીસ મથકે પહોંચ્યા હતા અને અહીં આરોપી યુવક સામે કેસ દાખલ કરીને ધરપકડની માંગ કરી હતી.
પોલીસ મથકે પહોંચેલા ભાજપ નેતા અભય સિંહ અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તા અશોક કુમારે આ કેસ લવ જેહાદ હોવાનું કહીને ઉમેર્યું કે શબ્બીરે સગીર છોકરીને પ્રેમજાળમાં ફસાવી હતી અને સત્ય હકીકત ખુલી જતાં વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી.
ઝારખંડમાં જમશેદપુરમાં સામે આવેલા આ લવ જેહાદ કેસ આ મામલે પોલીસ મથકના ઇન્ચાર્જ એસ. રામે જણાવ્યું કે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પીડિતાના લેખિત નિવેદન બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.