અલ્હાબાદ હાઈકોર્ટના નિવૃત્ત જજ એસ.એન.શુક્લા પર CBIની FIR થઈ છે. તેઓ આવક કરતાં વધુ સંપત્તિ મામલે સીબીઆઈની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. સીબીઆઈએ માત્ર રિટાયર્ડ જસ્ટિસ એસએન શુક્લા જ નહીં પરંતુ તેમની પત્ની અને તેમના સંબંધી વિરુદ્ધ પણ અપ્રમાણસર સંપત્તિનો કેસ નોંધ્યો છે. આરોપ છે કે તેમણે વર્ષ 2014 થી 2019 સુધીના કાર્યકાળ દરમિયાન આવક કરતાં વધુ સંપત્તિ ભેગી કરી હતી.
અહેવાલો અનુસાર જજ એસ.એન.શુક્લા પર CBIની FIRમાં પર આરોપ છે કે તેમણે હાઈકોર્ટમાં (2014-19)માં તેમના પાંચ વર્ષના કાર્યકાળથી આવકથી વધારાની બેહિસાબી સંપત્તિ એકઠી કરી હતી. પૂર્વ ન્યાયાધીશ અને તેમની પત્ની સુચિત્રા તિવારી પર તેમની આવકના જાણીતા સ્ત્રોતોથી અપ્રમાણસર રૂ. 2.45 કરોડની સંપત્તિ એકત્રિત કરવાનો આરોપ છે. જાણકારી અનુસાર પૂર્વ જજની સંપત્તિ અને તેમના બેંક ખાતાઓની તપાસ બાદ સીબીઆઇને તેમની આવકથી 165 ટકા વધુ સંપત્તિ મળી છે.
CBI has registered a case against Justice SN Shukla, Retd Judge of the Allahabad HC and his wife Suchita Tiwari for allegedly amassing assets worth Rs 2.45 crore disproportionate to his known source of income during his tenure as the judge of the HC between 2014-19: CBI pic.twitter.com/DkjeNeaprd
— ANI (@ANI) February 22, 2023
આરોપ છે કે પૂર્વ ન્યાયાધીશે પોતાની બીજી પત્ની સુચિતા તિવારીના નામે કરોડો રૂપિયાની હિસાબ વગરની સંપત્તિ ખરીદી છે. જેમાં ફ્લેટ અને ખેતી લાયક જમીનોનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, તેમના પર તેવો પણ આરોપ છે કે તેમણે લખનઉના સુશાંત ગોલ્ફ સિટીમાં એક વિલા પણ પોતાના સાળાના નામે ખરીદ્યો છે. CBIએ પોતાની FIRમાં રિટાયર્ડ જસ્ટિસ એસ.એન.શુક્લા, તેમની પત્ની સુચિતા તિવારી અને સાળાનું નામ નોંધ્યું છે. આ કેસ દિલ્હી ખાતે નોંધવામાં આવ્યો છે.
નોંધનીય છે કે જસ્ટિસ શુક્લા જુલાઈ 2020 માં અલ્હાબાદ હાઈકોર્ટમાંથી નિવૃત્ત થયા હતા. મીડિયા રિપોર્ટ મુજબ પૂર્વ જજ સામે ભ્રષ્ટાચારનો આ બીજો કેસ છે. આ પહેલાં 4 ડિસેમ્બર, 2019ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટના તત્કાલીન જજ એસ.એન.શુક્લા અને અન્ય લોકો વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. લખનૌની મેડિકલ કોલેજની તરફેણમાં પૈસા લેવા બદલ તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
અન્ય કેટલાક રિપોર્ટ અનુસાર સુપ્રીમ કોર્ટની ઈનહાઉસ તપાસમાં પણ જસ્ટિસ એસ.એન.શુક્લા દ્વારા આચરવામાં આવેલા ભ્રષ્ટાચારનો ખુલાસો થયો હતો. ભારતના તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાએ વર્ષ 2018માં તેમના મહાભિયોગની ભલામણ કરી હતી. જોકે, ત્યારબાદ રંજન ગોગોઈ ચીફ જસ્ટિસ બન્યા હતા અને ત્યારબાદ આ મહાભિયોગની કાર્યવાહી મુલતવી રહી હતી.