ગુજરાતમાં વિરોધ પ્રદર્શનોમાં કે રાજકીય દેખાવો અને તોફાનો સમયે અસામાજિક તત્વો રાજ્યની જાહેર અને ખાનગી સંપત્તિઓને નુકસાન પહોંચાડતા આવ્યા છે. પરંતુ હવે ગુજરાત સરકાર આ પ્રવૃત્તિઓને ડામવા માટે કડક કાયદો લાવવાની તૈયારી કરી રહી છે. ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની જેમ ગુજરાતમાં પણ જાહેર-ખાનગી સંપત્તિને થયેલ નુકસાનનું વળતર તોફાનીઓ પાસેથી વસૂલવામાં આવશે.
રિપોર્ટ અનુસાર, આ બાબતે સરકાર પહેલાં અધ્યાદેશ લાવશે અને ત્યારબાદ વિધાનસભા સત્રમાં ખરડો પસાર કરીને કાયદો બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ, બે રાજ્યો આ કાયદો બનાવી ચૂક્યા છે, જેમાં તોફાનોમાં જાહેર-ખાનગી સંપત્તિને થયેલા નુકસાનનું વળતર તોફાનીઓ પાસેથી વસૂલવાનો પ્રાવધાન છે. હવે આ કાયદો બનાવનારું ગુજરાત ત્રીજું રાજ્ય હશે.
ટાઈમ્સ ઑફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર, રાજ્ય સરકારના ગૃહ વિભાગના સૂત્રોએ જણાવ્યું કે, “ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ જેવાં રાજ્યોએ જાહેર સંપત્તિને નુકસાન કરતા તોફાનીઓ અને અસામાજિક તત્વો વિરુદ્ધ કડક વલણ દાખવ્યું છે. તેમણે કાયદો બનાવ્યો છે જે અનુસાર, ખાનગી અને જાહેર સંપત્તિને થયેલા નુકસાનનું વળતર આવા તત્વો પાસેથી વસૂલી શકાય છે. (ગુજરાત) રાજ્ય સરકારે આ કાયદાઓનો અભ્યાસ કરીને આ જ પ્રકારનો કાયદો ગુજરાતમાં બનાવવામાં આવે તેવો નિર્ણય લીધો છે.
તોફાનીઓ અને અસામાજિક તત્વો પાસેથી જાહેર સંપત્તિને થયેલા નુકસાનનું બે-ત્રણ ગણું વળતર વસૂલી શકાય તે માટે કાયદો લાવવામાં આવશે. તેમજ જો કોઈ વળતર આપવામાં નિષ્ફળ જાય તો તેમની સંપત્તિ જપ્ત કરીને તેની હરાજી કરવા સુધીના પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત, આવા તત્વોને જેલની સજા પણ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.
કાયદાના મોટાભાગના પ્રાવધાનો એમપી અને યુપીના કાયદા જેવા જ હશે. ખાનગી અને જાહેર સંપત્તિને થયેલા નુકસાનનું વળતર વસૂલવાની સત્તા જિલ્લા કલેક્ટરને આપવામાં આવશે. જેમની સંપત્તિને નુકસાન પહોંચ્યું હોય તેમણે નુકસાનના વળતર માટે દાવો કરવાનો રહેશે. તેમજ સંપત્તિના નુકસાનના વળતર કેસ મામલે ટ્રીબ્યુનલ અને સ્પેશિયલ કોર્ટ મામલાની સુનાવણી કરશે.
આ કાયદો ‘ગુજરાત રિકવરી ઑફ પબ્લિક એન્ડ પ્રાઇવેટ પ્રોપર્ટીઝ એક્ટ’ તરીકે ઓળખાશે. ટૂંક સમયમાં જ આ અંગે વટહુકમ બહાર પાડવામાં આવે તેવી વકી છે. અધ્યાદેશ લાવ્યા બાદ રાજ્ય સરકાર ચૂંટણી પહેલાં વિધાનસભાના ચોમાસું સત્ર કે શિયાળુ સત્રમાં ખરડો પણ રજૂ કરે તેવી પૂરેપૂરી શક્યતા છે.
રાજ્ય સરકારનું કહેવું છે કે, ભૂતકાળમાં ગુજરાતમાં કોમી રમખાણો, જાતિવાદી આંદોલનો અને હડતાળોના કારણે ખાનગી અને જાહેર સંપત્તિઓને ખૂબ નુકસાન પહોંચ્યું છે. કાયદો બન્યા પછી આ પ્રકારની ગતિવિધિઓને ડામવામાં સફળતા મળશે.