આજે પીએમ મોદી હિમાચલ પ્રદેશમાં જોવા મળ્યા હતા. કેન્દ્રમાં આઠ વર્ષ પૂર્ણ થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશમાં રોડ શૉ કર્યો હતો અને અનેક વિકાસ પરિયોજનાઓના ઉદ્ઘાટન સાથે હિમાચલની રાજધાની શિમલામાં એક વિશાળ જનસભા પણ સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે ‘કિસાન સન્માન નિધિ’નો 11 મો હપ્તો પણ જારી કર્યો હતો. હપ્તો જારી કરીને વડાપ્રધાને કહ્યું કે, આ સાથે દેશના કરોડો ખેડૂતોના ખાતામાં કિસાન સન્માન નિધિના પૈસા ટ્રાન્સફર થઇ ગયા અને પૈસા તેમને મળી પણ ગયા છે.
વડાપ્રધાને કહ્યું કે, શિમલાની ધરતીથી દેશના દસ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં પૈસા મોકલવાનું તેમને સૌભાગ્ય મળ્યું છે. તેમણે કહ્યું કે, આજે તેમના જીવનનો એક વિશેષ દિવસ પણ છે. આ વિશેષ દિવસે દેવભૂમિને પ્રણામ કરવાનો અવસર મળે તેનાથી મોટું કોઈ સૌભાગ્ય ન હોય શકે. વડાપ્રધાને ગઈકાલના તેમના કાર્યક્રમને યાદ કરતા કહ્યું કે, કોરોનાકાળમાં જે બાળકોએ મા-બાપ ગુમાવ્યા હતા તેમની જવાબદારી સંભાળવાની તક પણ તેમને મળી છે.
Eight years of devotion to welfare of the people and good governance. Speaking at ‘Garib Kalyan Sammelan’ in Shimla. https://t.co/0VNY7pfFdz
— Narendra Modi (@narendramodi) May 31, 2022
વડાપ્રધાને જણાવ્યું કે આવા હજારો બાળકોની દેખરેખ કરવાનો નિર્ણય તેમની સરકારે કર્યો છે. વડાપ્રધાને કહ્યું, “ગઈકાલે મેં ચેકના માધ્યમથી પૈસા પણ મોકલ્યા. 130 કરોડ ભારતીયોના સેવક તરીકે કામ કરવાનો જનતાએ મને અવસર આપ્યો છે, એ મારું સૌભાગ્ય છે. વડાપ્રધાને કહ્યું કે, આજે તેઓ જે કંઈ કરી રહ્યા છે, દિવસ-રાત દોડી રહ્યા છે તો કોઈ એ ન વિચારે કે આ મોદી કરી રહ્યા છે કે મોદી દોડી રહ્યા છે પરંતુ આ દેશવાસીઓની કૃપાથી જ બધું થઇ રહ્યું છે.
વડાપ્રધાને શિમલામાં કહ્યું કે, 130 કરોડ દેશવાસીઓનો પરિવાર જ તેમના માટે સર્વસ્વ છે અને પરિવારના સભ્ય તરીકે તેમની આશા-અપેક્ષાઓ સાથે જોડાવાનું તેમનું કામ છે. તેમણે કહ્યું કે, જનતા તેમની જિંદગી વિશે બધું જાણે જ છે અને એ પણ જાણે છે કે આ જિંદગી જ તેમને સમર્પિત છે. તેમણે એ પણ યાદ કરાવ્યું કે કઈ રીતે પહેલાની સરકારોએ ભ્રસ્ટાચારને સિસ્ટમનો અહમ હિસ્સો બનાવી દીધો હતો અને ત્યારે સરકાર ભ્રસ્ટાચાર સામે લડવાની જગ્યાએ તેની આગળ ઘૂંટણિયે પડી જતી હતી. ત્યારે દેશ જોઈ રહ્યો હતો કે યોજનાઓના રૂપિયા જરૂરિયાતમંદો સુધી પહોંચવા પહેલાં જ લૂંટાઈ જતા હતા.
વડાપ્રધાને કહ્યું, “આજે ચર્ચા જનધન ખાતા તરફથી મળતા ફાયદાની થાય છે, જનધન, આધાર અને મોબાઈલથી બનેલી ત્રિશક્તિની થઇ રહી છે. પહેલાં રસોઈ બનાવતી વખતે ધુમાડો સહન કરવો પડે તેવી મજબૂરી હતી, આજે ઉજ્જવલા યોજનાથી સિલિન્ડર મેળવવાની સરળતા થઇ ગઈ છે. 2014 પહેલાં દેશની સુરક્ષાને લઈને ચિંતા હતી, આજે સર્જીકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક પર ગર્વ છે. આજે આપણી સરહદો પહેલાં કરતા વધારે સુરક્ષિત છે. પીએમ આવાસ યોજના હોય, શિષ્યવૃત્તિ આપવાની હોય કે પછી પેંશન યોજનાઓ, ટેક્નોલોજીની મદદથી અમે ભ્રષ્ટાચાર ઘટાડવાનું કામ કર્યું છે.
હિમાચલ પ્રદેશમાં સભા સંબોધતા પીએમ મોદી આગળ કહે છે કે, દેશમાં દાયકાઓ સુધી વોટબેંકનું રાજકારણ ખેલાયું છે અને આ રાજકારણે દેશનું ખૂબ નુકસાન કર્યું છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન તરીકે તેઓ વોટબેંક બનાવવા નહીં પરંતુ નવું ભારત બનાવવા મટે કામ કરી રહ્યા છે.
પીએમ મોદીએ આગળ કહ્યું, “2014 પહેલાં હું તમારી વચ્ચે આવતો હતો તો કહેતો હતો કે ભારત દુનિયા સાથે આંખ ઝુકાવીને નહીં પરંતુ આંખમાં આંખ નાંખીને વાત કરશે. આજે ભારત મજબૂરીમાં મિત્રતાનો હાથ નથી લંબાવતું પરંતુ દોસ્તીનો હાથ લંબાવે છે. આપણે 21 મી સદીના બુલંદ ભારત માટે, આવનારી પેઢીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરવાનું છે. એક એવું ભારત બનાવવાનું છે જેની ઓળખ અભાવ નહીં પરંતુ આધુનિકતા હોય. આપણે ભારતવાસીઓના સામર્થ્ય આગળ કોઈ પણ લક્ષ્ય અસંભવ નથી. આજે ભારત દુનિયાની સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થાઓ પૈકીનું એક છે.”