અમેરિકી અરબપતિ જ્યોર્જ સોરોસ ભારતમાં ચર્ચામાં છે. તેમણે એક કોન્ફરન્સમાં બોલતાં અદાણી જૂથને લઈને ટિપ્પણી કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આરોપો લગાવ્યા હતા. જેને લઈને ભાજપે વળતો હુમલો કર્યો હતો તો હવે વિદેશ મંત્રી એસ. જયશંકરે સોરોસની ઝાટકણી કાઢી છે.
વિદેશ મંત્રીએ આ મુદ્દે બોલતાં કહ્યું કે, સોરોસ એક વૃદ્ધ, પૈસાદાર અને ચોક્કસ વિચારો ધરાવતા વ્યક્તિ છે જેઓ હજુ પણ ન્યૂ-યોર્કમાં બેઠા-બેઠા વિચારે છે કે દુનિયા તેમના વિચારોના આધારે જ ચાલવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે, આવા લોકો નરેટિવ ઘડવા માટે રોકાણ કરતા હોય છે.
#WATCH | Mr Soros is an old, rich opinionated person sitting in New York who still thinks that his views should determine how the entire world works…such people actually invest resources in shaping narratives: EAM Dr S Jaishankar pic.twitter.com/k99Hzf3mGK
— ANI (@ANI) February 18, 2023
એસ જયશંકરે કહ્યું, “મ્યુનિક કોન્ફરન્સમાં જે કહેવામાં આવ્યું..સોરોસે કહ્યું કે ભારત લોકતાંત્રિક દેશ છે પરંતુ ત્યાંના વડાપ્રધાન લોકશાહીના હિમાયતી નથી. જોકે, થોડા વર્ષ પહેલાં આ જ કોન્ફરન્સમાં તેમણે આપણી ઉપર (ભારત પર) લાખો મુસ્લિમોની નાગરિકતા આંચકી લેવાનો આરોપ લગાવ્યો હતો, જે દેખીતી રીતે નહતું અને હાસ્યાસ્પદ વાત હતી.”
સોરોસ વિશે વાત કરતાં વિદેશ મંત્રીએ કહ્યું, “જ્યાં સુધી મિ. સોરોસની વાત છે, તેઓ ન્યૂ-યોર્કના એક વૃદ્ધ, અમીર અને ચોક્કસ વિચારો ધરાવતા વ્યક્તિ છે અને જેઓ હજુ માને છે કે તેમના વિચારો પ્રમાણે આખી દુનિયા ચાલે. માત્ર વૃદ્ધ, અમીર અને ચોક્કસ વિચારો ધરાવનારા હોય ત્યાં સુધી વાંધો નથી પરંતુ તેઓ ખતરનાક પણ છે. કારણ કે આવા લોકો, આવા વિચારો અને આ પ્રકારની સંસ્થાઓ નરેટિવ ઘડવામાં મહત્વનો ભાગ ભજવે છે.”
People like him think an election is good if the person they want to see, wins and if the election throws up a different outcome then they will say it is a flawed democracy and the beauty is that all this is done under the pretence of advocacy of open society: EAM Dr S Jaishankar pic.twitter.com/bqKVy7IdmQ
— ANI (@ANI) February 18, 2023
આગળ તેમણે કહ્યું, ‘તેમના જેવા (સોરોસ જેવા) લોકો અનુસાર, જો તેઓ જેની જીત ઇચ્છતા હોય તે વ્યક્તિ ચૂંટણી જીતી જાય તો ચૂંટણી સારી અને જો પરિણામ વિપરીત આવે તો તેઓ લોકશાહીને દોષ આપવા માંડે છે અને મહત્વની વાત એ છે કે આવી દલીલો એક ‘ઓપન સોસાયટી’ના બહાના હેઠળ આપવામાં આવે છે.’
ઉલ્લેખનીય છે કે આ પહેલાં શુક્રવારે (17 ફેબ્રુઆરી, 2023) જ્યોર્જ સોરોસે જર્મનીની ટેક્નિકલ યુનિવર્સીટી ઑફ મ્યુનિક ખાતે મ્યુનિક સિક્યુરિટી કોન્ફરન્સમાં પીએમ મોદી ઉપર આરોપ લગાવીને કહ્યું હતું કે તેમના ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સાથે સારા સબંધો છે અને તેઓ (મોદી) અદાણી જૂથ પર (હિંડનબર્ગ દ્વારા) લગાવાયેલા આરોપો પર મૌન છે.
સોરોસે કહ્યું હતું કે, “અદાણી એન્ટરપ્રાઈઝે સ્ટોક માર્કેટમાં ફંડ રેઝ કરવાના પ્રયાસો કર્યા પણ તેઓ નિષ્ફ્ળ ગયા. અદાણી ઉપર સ્ટોક મનિપ્યુલેશનનો આરોપ લાગ્યો અને તેમના સ્ટોક પત્તાંના મહેલની જેમ તૂટી પડ્યા.”
પીએમ મોદી વિશે તેમણે કહ્યું, “મોદી આ વિષય ઉપર મૌન છે, પરંતુ તેમણે રોકાણકારો અને સંસદને જવાબ આપવા પડશે. તેમણે એમ પણ દાવો કર્યો કે હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટના કારણે ભારતીય બજારોમાં ઉદભવેલી સ્થિતિના કારણે અમુક જરૂરી ‘સંસ્થાગત ફેરફારો’ આવશે અને લોકશાહીનો પુનરુદ્ધાર થશે.
સોરોસની આ ટિપ્પણી બાદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને વળતો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું, “વિદેશી જમીન પરથી ભારતીય લોકતાંત્રિક માળખાને નબળું પાડવાના પ્રયાસો થઇ રહ્યા છે. જ્યોર્જ સોરોઝ ભારતના લોકતંત્રમાં હસ્તક્ષેપ કરવાના પ્રયાસો કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના નિશાન પર છે. આ સંજોગોમાં દરેક ભારતીય આવી વિદેશી શક્તિને જડબાતોડ જવાબ આપે તે જરૂરી છે.”