આજે જ્યાં ભારતભરમાં મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર ઉજવાઈ રહ્યો છે અને સૌ કોઈ મહાદેવની ભક્તિમાં લીન છે. પરંતુ એ પહેલા ગત ગુરુવાર, 16 ફેબ્રુઆરીના રોજ મુન્દ્રાના રામેશ્વર મહાદેવ મંદિરના પુજારીની ઇમરાન ખોખર નામના એક આરોપીએ ઘાતકી હત્યા કરી હતી. જેમાં હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
અહેવાલો મુજબ મુન્દ્રાના રામેશ્વર મહાદેવ મંદિરના 60 વર્ષીય પૂજારી ભવાનપુરી ભીમપુરી ગોસ્વામી નજીકની જય ભોલે ટી હાઉસ પાસે કેરમ રમતા લોકો પાસે ઉભા હતા. તે દરમિયાન પાછળથી આવેલા 21 વર્ષીય ઇમરાન ખોખર નામના આરોપીએ પૂજારીના ગળા પર છરી ફેરવી દેતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
આ બાબતે મૃતક ભવાનપુરી ભીમપુરી ગોસ્વામીના પુત્ર અને જય ભોલે ટી સ્ટોલના માલિક દીપકપુરી ગોસ્વામીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ મુન્દ્રા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી ઇમરાન હકુભાઇ ખોખરની ધરપકડ કરી લીધી હતી.
શું હતો આખો મામલો?
આ બાબતે ઑપઇન્ડિયા સાથેની ખાસ વાતચીતમાં ફરિયાદી દીપકપુરી ભવાનપુરી ગોસ્વામીએ આખો ઘટનાક્રમ વર્ણવ્યો હતો. તેઓએ જણાવ્યું કે, તેઓ જય ભોલે ટી સ્ટોલ ચલાવીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે અને તેમના પિતા ભવાનપુરી ભીમપુરી ગોસ્વામી મુન્દ્રાના રામેશ્વર મહાદેવ મંદિરમાં પૂજારી હતા. તેઓએ રોજની જેમ ગુરુવારે પણ સવારે પોતાની દુકાન ખોલી હતી.
તેમના જણાવ્યા અનુસાર, તેમના પિતા અને અન્ય ગ્રાહકો તેમની દુકાનની બહાર કેરમ રમી રહ્યા હતા. લગભગ સવારના સવા બાર વાગ્યે ત્યાં ઇમરાન આવે છે અને કોઈ જ કારણ વગર તેમના પિતાના ગળા પર છરી ફેરવી દે છે. અને બાદમાં એ છરી દુકાનમાં જ ફેંકીને ત્યાંથી નાસી જાય છે.
આગળ દીપકપુરી જણાવે છે તેમણે પિતાના ગળામાંથી નીકળતા લોહીને બંધ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને બાદમાં તેમને દવાખાને લઇ ગયા હતા જ્યા તેમને મૃત ઘોષિત કરી દેવામાં આવ્યા હતા. ઑપઇન્ડિયાની સાથેની વાતચીતમાં દીપકપુરીએ કરેલ એક વાત ખુબ જ મહત્વની છે જેના પર પોલીસ પણ ખાસ નજર રાખી રહી છે કે, આ ઇમરાન ભવાનપુરી ગોસ્વામી જે મંદિરમાં પૂજારી છે તેની પાછળના ભાગમાં જ ગેરેજ ચલાવે છે.
હાલ તો મુન્દ્રા પોલીસે આરોપી ઈમરાનની ધરપકડ કરી લીધી છે અને આગળની વધુ તપાસ ચાલી રહી છે. એ દરમિયાન દીપકપુરીએ ઈચ્છા વ્યક્ત કરી છે કે તેમને જલ્દીથી જલ્દી ન્યાય મળવો જોઈએ અને તેમના પિતાના હત્યારાને કડકમાં કડક સજા મેળવી જોઈએ.