પોતાની પહેલી જ આઈપીએલ સિઝનમાં ચેમ્પિયન બન્યા બાદ ગુજરાત ટાઇટન્સની આખી ટીમે આજે અમદાવાદ ખાતે રોડ શૉ યોજીને ચાહકોનું અભિવાદન ઝીલ્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રોડ શૉને ફ્લેગ ઓફ કરાવ્યો હતો. તે પહેલાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને ગુજરાત ટાઈટન્સ ટીમનો અભિવાદન સમારોહ પણ યોજાયો હતો.
ગુજરાત ટાઈટન્સ ટીમનો રોડ શો કુલ 6 કિલોમીટર સુધી યોજવામાં આવ્યો હતો. જે માટે પહેલાં અમદાવાદ પોલીસ પાસેથી પરવાનગી માંગવામાં આવી હતી. પોલીસની પરવાનગી બાદ પોલીસ બંદોબસ્ત સાથે રોડ શૉ આયોજિત થયો હતો. દરમિયાન કૅપ્ટન હાર્દિક પંડ્યા સહિતની આખી ટીમે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
આ રોડ શૉ આશ્રમ રોડ પર યોજાયો હતો. અમદાવાદના ઉસ્માનપુરા રિવરફ્રન્ટથી વિશ્વકુંજ રિવરફ્રન્ટ સુધી 6 કિમી લાંબા રોડ શૉ દરમિયાન હજારો લોકો એકઠા થઇ ગયા હતા. દરમ્યાન, હાર્દિક પંડ્યા અને તેમની ટીમ એક ખુલ્લી બસમાં સવાર થયા હતા અને લોકોને મળ્યા હતા.
રોડ શૉ પહેલાં ગુજરાત ટાઇટન્સની ટીમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને તેમના નિવાસસ્થાને મળી હતી. આ દરમિયાન ગૃહ અને રમતગમત બાબતોના મંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ કૅપ્ટન હાર્દિક પંડ્યા અને ટીમના અન્ય ખેલાડીઓ અને સભ્યો સાથે વાતચીત કરી હતી અને જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા.
IPL-2022 માં વિજેતા ‘ગુજરાત ટાઇટન્સ’ના ખેલાડીઓને મળી તેમની સાથે વાર્તાલાપનો અવસર ખૂબ મજાનો બની રહ્યો. ટીમના બધા જ ખેલાડીઓના હસ્તાક્ષર કરેલ બેટ તેમણે મને આપ્યું છે, જેનું ઓક્શન કરીને તેમાંથી થનાર આવક રાજ્યની દીકરીઓના શિક્ષણ માટે વાપરવામાં આવશે. સૌ ખેલાડીઓને ખૂબ-ખૂબ અભિનંદન. pic.twitter.com/gxXYycIO0l
— Bhupendra Patel (@Bhupendrapbjp) May 30, 2022
વાતચીત દરમિયાન સીએમ ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, “ગુજરાતનું નામ પડે એટલે અમારી છાતી ફૂલી જાય. ગુજરાત જીત્યું એ અમારા માટે ખૂબ આનંદની વાત છે. ગઈકાલે ઘણા સમય પછી હું પણ મેચ જોવા માટે આવ્યો હતો. મારા માટે તો આનંદની વાત છે.” હાર્દિક પંડ્યાએ કહ્યું કે, “આખી સિઝન દરમિયાન ગુજરાતના ચાહકોનો ખૂબ પ્રેમ મળ્યો અને ગઈકાલે પણ આટલી મોટી સંખ્યામાં લોકોએ આવીને ટીમને સપોર્ટ કર્યો એ જોઈને આનંદ થયો. તેમણે ઉમેર્યું કે, ગુજરાતનો પ્રેમ ખૂબ મળ્યો અને મારા રાજ્યની ટીમની સુકાની કરવાની તક મળી એ મારા માટે ગર્વની વાત છે.”
વાતચીત દરમિયાન ગુજરાતી ભોજન તેમજ ગરબા જેવી બાબતોને લઈને પણ વાતો થઇ હતી. દરમ્યાન, સીએમ ભુપેન્દ્ર પટેલે હાર્દિક પંડ્યાને એમ પણ કહ્યું કે, જયારે તમારી મેચ ન હોય ત્યારે ગરબા માટે આમંત્રણ આપીશું.
આ ઉપરાંત, ગુજરાત ટાઇટન્સના તમામ ખેલાડીઓએ એક બેટ પર પોતાના હસ્તાક્ષર કરીને આ બેટ મુખ્યમંત્રીને અર્પણ કર્યું હતું. જેની હરાજી કરીને જે પણ રકમ મળશે તેનો ઉપયોગ કન્યા કેળવણી માટે કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું.
દરમ્યાન, એન્કરે કહ્યું કે, હાર્દિક પંડ્યાએ ખૂબ પરિપક્વતાથી સુકાની પદ સાંભળ્યું. જે રીતે તમે (સીએમ) ગુજરાતના પરિપક્વ કેપ્ટન છો એટલી જ પરિપક્વતા તેમણે રમતના મેદાન પર દર્શાવી હતી. જેના જવાબમાં સીએમએ કહ્યું કે, “મારે ફિલ્ડિંગ ભરવાની આવી નથી અને જયારે કરે છે ત્યારે બેટિંગ જ કરી છે.”
ઉલ્લેખનીય છે કે ગુજરાત ટાઇટન્સ આ સિઝનમાં પહેલી વખત રમવા માટે ઉતરી હતી. આખી સિઝનમાં શાનદાર પ્રદર્શન કરીને ટીમ પહેલા ક્રમે રહી હતી. જે બાદ પ્લેઑફ મેચમાં રાજસ્થાન રોયલ્સને હરાવીને ફાયનલમાં પ્રવેશ મેળવ્યો હતો. જે બાદ ફાયનલમાં પણ રાજસ્થાન રોયલ્સ સામે જ રમીને 7 વિકેટથી જીત મેળવીને ટીમ ચેમ્પિયન બની હતી.